Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

રૈયાધાર ડમ્પીંગ સ્ટેશન પાસે પડખામાં ૧૩ વર્ષના બાળકને છરી ઝીંકી આંતરડા કાઢી નાંખ્યાઃ ગંભીર

સાંજે સાડા આઠેક વાગ્યે દોટ મુકીને આવીને પડી જતાં લોકો ભેગા થઇ ગયાઃ ૧૦૮ બોલાવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યોઃ માત્ર પોતાનું નામ 'અજય' જણાવી શકયોઃ વહેલી સવાર સુધી ઓપરેશન ચાલ્યું: બાળક વિશે કોઇને માહિતી હોય તો પોલીસનો સંપર્ક કરો : હુમલામાં ઘાયલ ટેણીયો કોણ? કોણે શા માટે હુમલો કર્યો?...રહસ્ય ઉકેલવા યુનિવર્સિટી પોલીસ રાતભર દોડતી રહીઃ બાળક હજુ વણઓળખાયેલો

રાજકોટ તા. ૧: શહેરના રૈયાધારમાં ડમ્પીંગ સ્ટેશન પાસે સાંજે એક આશરે તેરથી ચોૈદ વર્ષના ટેણીયાને કોઇએ પેટમાં છરી કે બીજા કોઇ હથીયારનો ઘા ભોંકી દેતાં તેના આંતરડા નીકળી ગયા હતાં. લોહીલુહાણ હાલતમાં દોટ મુકી આ ટેણીયો બેભાન થઇ પડી ગયો હતો. લોકો ભેગા થઇ જતાં કોઇએ ૧૦૮ બોલાવતાં આ ટાબરીયાને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ટાબરીયો કોણ છે? કયાં રહે છે? કોણે અને શા માટે હુમલો કર્યો? તે રહસ્ય જાણવા યુનિવર્સિટી પોલીસે રાતભર દોડધામ કરી હતી. પરંતુ બાળકની ઓળખ થઇ શકી નથી. સવાર સુધી ઓપરેશન ચાલ્યું હતું. સવારે પણ આ બાળક ભાનમાં આવ્યો ન હોઇ પોલીસે તેની ઓળખ મેળવવા તપાસ યથાવત રાખી છે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ સાંજે સાડા આઠેક વાગ્યે રૈયાધાર ડમ્પીંગ સ્ટેશન પાસે એક બાળક પેટમાંથી આંતરડા નીકળી ગયેલી હાલતમાં લોહીલુહાણ પડ્યો હોવાની જાણ કોઇ જાગૃત નાગરિક મારફત જાણ થતાં ૧૦૮ના પાઇલોટ વિજયભાઇ ગઢવી અને ઇએમટી પ્રદિપસિંહ પાટડીયા તાકીદે પહોંચ્યા હતાં અને ઘાયલ બાળકને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. તબિબે ખુબ પ્રયત્ન કરતાં આ બાળકે પોતાનું ટુંકુ નામ અજય જણાવ્યું હતું. એ પછી બેભાન થઇ ગયો હતો. તેને ગંભીર ઇજા હોઇ તાકીદે ઓપરેશનમાં લઇ જવાયો હતો. સવાર સુધી ઓપરેશન ચાલ્યું હતું.

યુનિવર્સિટી પોલીસને હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજભાઇ મારફત જાણ થતાં પી.આઇ. આર. એસ. ઠાકર, પીએસઆઇ એમ. વી. રબારી, બોઘાભાઇ તથા ડી. સ્ટાફની ટીમ ઘટના સ્થળે અને હોસ્પિટલે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. બાળક ભાનમાં ન હોઇ તે કોણ છે? કયાં રહે છે? કોણે હુમલો કર્યો? તે વિગતો બહાર આવી નથી. પોલીસે રાતભર રૈયાધારમાં લોકોને મોબાઇલમાં આ બાળકનો ફોટો બતાવી તેની ઓળખ મેળવવા પ્રયાસ કર્યા હતાં. પણ ઓળખ થઇ શકી નથી.

તસ્વીરમાં દેખાતાં બાળક કે જેણે પોતાનું નામ અજય કહ્યું છે તેના કોઇ વાલીવારસ હોય તો યુનિવર્સિટી પોલીસનો ૦૨૮૧ ૨૫૭૫૧૨૪ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(11:32 am IST)