Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

રાજકોટ અને સૌરાષ્ટ્રની એકિસસ બેન્કની શાખામાં ૩૦ માસમાં ૩૮૬૦ નકલી ચલણી નોટ ભરણામાં ઘુસાડાઈ

જે તે વખતે ચલણમાં રહેલી ૧૦૦૦ના દરની ૭ નકલી નોટ, ૫૦૦ના દરની ૯૬, હાલનાં ચાલુ ચલણની ૨૦૦૦ના દરની ૭૭ નોટો, ૫૦૦ના દરની ૯૬, રૂ.૨૦૦ના દરની ૪૭, ૧૦૦ના દરની ૨૭૯૦, ૫૦ના દરની ૬૬૭, ૨૦વાળી ૫૬ અને ૧૦ વાળી ૩૧ જાલીનોટો મળતા ગુનો દાખલ કરાવાયો

રાજકોટ, તા. ૧ : બેંકોના ભરણામાંથી અવાર નવાર જાલી નોટો મળી આવતી હોય છે. આ બારામાં અવાર - નવાર પોલીસ ફરીયાદ નોંધાવાય છે. દરમિયાન એકસીસ બેન્કની રાજકોટ અને સૌરાષ્ટ્રભરની અલગ - અલગ બ્રાન્ચીસમાં છેલ્લા ૩૦ માસ દરમિયાન કોઈ ખાતેદારો કુલ ૩૮૬૦ જાલી નોટ ભરી ગયાની ફરીયાદ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવાઈ છે. નકલી નોટોમાં અગાઉ ચલણમાં રહેલી અને પછી બંધ થઈ ગયેલી ૧૦૦૦ના દરની, ૫૦૦ના દરની, હાલના ચલણની ૫૦૦, ૨૦૦૦, ૨૦૦, ૧૦૦, ૫૦, ૨૦ અને ૧૦ના દરની નકલી નોટોનો સમાવેશ થાય છે.

યુનિવર્સિટી પોલીસે આ બારામાં રૈયા રોડ પર સુભાષનગર-૪માં રહેતા અને એકસીસ બેન્કમાં કરન્સી ચેસ્ટ ડિપાર્ટમેન્ટમાં વાઈસ પ્રેસીડેન્ટ તરીકે નોકરી કરતા ઈમ્તિયાઝ અલીભાઈ બહાદીદા (ઉ.૩૯)ની ફરીયાદ પરથી રાજકોટ તથા સૌરાષ્ટ્રભરની એકસીસ બેન્કની શાખાઓમાં છેલ્લા બે વર્ષ દરમિયાન ભરણામાં નકલી નોટો ઘુસાડી જનારા અજાણ્યા ગ્રાહકો કે તપાસમાં ખુલે તેની સામે આઈપીસી ૪૮૯ (ખ) મુજબ ગુનો નોંધ્યો છે. આ કેસની આગળની તપાસ એસઓજી પીઆઈ આર.વાય. રાવલને સોંપવામાં આવી છે.

ફરીયાદી ઈમ્તિયાઝ બહાદીદાએ ફરીયાદમાં જણાવ્યુ છે કે પોતે સોળ વર્ષથી એકસીસ બેન્કમાં નોકરી કરે છે અને આઠ મહિનાથી રાજકોટ ખાતેની એકસીસ બેંકના કરન્સી ચેસ્ટ વિભાગમાં ફરજ બજાવે છે. આ બેન્કની શાખાઓ ગોપાલ ચોક, સાધુ વાસવાણી રોડ પર છે. તેમજ સૌરાષ્ટ્ર - કચ્છમાં પણ અલગ અલગ સ્થળોએ શાખાઓ આવેલી છે. આ તમામ શાખાઓમાં ભરણામાં આવતી નોટો બનાવટી છે કે કેમ? તે ચકાસવાનું કામ રાજકોટની બેન્કના કરન્સી ચેસ્ટ વિભાગમાં થાય છે. આ તપાસમાં બનાવટી નોટો નીકળે તો શહેર પોલીસ અધિક્ષક કે કમિશ્નરશ્રીને આપવાની હોય છે. એપ્રિલ-૨૦૧૭થી સપ્ટેમ્બર સુધીના ૩૦ માસના ગાળામાં એકસીસ બેન્ક કરન્સી ચેસ્ટ શાખામાં અલગ અલગ શાખાઓમાંથી નોટો આવી હોઈ તેનું ચેકીંગ કરતા કુલ જમા થયેલી નોટોમાંથી ૩૮૬૦ નંગ નોટો નકલી મળી આવી હતી. આ નકલી નોટોમાં અગાઉ ચલણમાં હતી અને બંધ થઈ ગઈ તે એક હજાર અને પાંચસોના દરની નોટો પણ સામેલ છે. તેમજ હાલના ચલણની ૨૦૦૦, ૫૦૦, ૨૦૦, ૧૦૦, ૫૦, ૨૦ અને ૧૦ના દરની નોટો સામેલ છે. જેમાં અગાઉ ચલણમાં રહેલી ૧૦૦૦ના દરની ૭ નકલી નોટ, ૫૦૦ના દરની ૯૬, હાલના ચાલુ ચલણની ૨૦૦૦ના દરની ૭૭ નોટો, ૫૦૦ના દરની ૯૬, રૂ.૨૦૦ના દરની ૪૭, ૧૦૦ના દરની ૨૭૯૦, ૫૦ના દરની ૬૬૭, ૨૦વાળી ૫૬ અને ૧૦વાળી ૩૧ જાલીનોટોનો સમાવેશ થાય છે. એસઓજીએ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.(૩૭.૩)

(10:57 am IST)