Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

સૂચિત સોસાયટીઃ રાજકોટમાં હજુ ૧૪૩૭ 'અરજી' પેન્ડીંગ

કુલ ૧૫૫ સોસાયટીમાંથી પૂર્વમાં ૭ અને પશ્ચિમ વિસ્તારમાં ૨ સોસાયટીની અરજી માન્ય ન રહીઃ ૨-બીનખેતી હોય રદ્દ કરી નખાઈ : કુલ ૧૪૪ સોસાયટીમાં ૨૬૭૭૭ મિલ્કતોઃ પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, તાલુકા મામલતદાર વિસ્તારમાં ૬૦૬૦ દાવા સામે ૪૬૨૩ દાવા મંજુર કરાયા : હાલ ચારેય મામલતદાર દ્વારા કાર્યવાહી ચાલુઃ સૌથી વધુ દક્ષિણ મામલતદાર કચેરીમાં ૨૬૫૧ દાવા મંજુરઃ હજુ ૬૬૮ કેસોમાં ચાલી રહેલી તપાસણીઃ અન્ય મામલતદારોમાં પણ આજ સ્થિતિ

રાજકોટ, તા. ૩૧ :. રાજકોટ કલેકટરના નેજા હેઠળ પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને તાલુકા મામલતદાર કચેરીમાં સૂચિત સોસાયટીની આવેલ મીલ્કતો રેગ્યુલાઈઝડ કરવાની કામગીરી ચાલી રહી છે.

રાજકોટમાં કુલ ૧૫૫ સૂચિત સોસાયટી અંગે કલેકટર દ્વારા સરકારમાં દરખાસ્ત થઈ હતી. તેમાંથી સરકારે પૂર્વ વિસ્તારની ૪૩માંથી ૭ સોસાયટી અને પશ્ચિમ વિસ્તારમાંથી ૨૩માંથી ૨ સોસાયટીની દરખાસ્ત રદ્દ કરી નાખી હતી. આના કારણમાં વેચાણ થઈ ગયાનુ, હક્કપત્રકો મળતા ન હોવાનું બતાવાયુ હતું.

આ ઉપરાંત અન્ય ૨ સોસાયટી બીનખેતી થઈ ગઈ હોય, તેની દરખાસ્ત પણ રદ્દ કરી નખાઈ હતી.

આથી ૧૫૫ દરખાસ્તમાંથી ૧૪૪ સૂચિત સોસાયટીની કુલ ૨૬૭૭૭ મિલ્કતો આજની તારીખે રહી છે. તેમાં ૩૦૪૮૦ ફોર્મનું વેચાણ થયુ હતુ. તે સામે ૧૪૬૯૮ ફોર્મ ભરાઈને આવ્યા તે તમામની ચકાસણી થઈ ગઈ.

સરકારે સૂચિતમાં ૨૦૦૫નો કાયદો અમલમાં લાવતા અગાઉની ૨૦૦૧ની સ્થિતિએ ચારેય મામલતદારોની થઈને ૩૩૪૦ અને ૨૦૦૫માં બીજી ૨૭૨૦ ઉમેરાતા ૬૦૬૦ અરજીઓ તંત્ર દ્વારા જાહેર કરાઈ હતી. આ ૬૦૬૦માંથી ૪૬૨૩ની અરજીના દાવા મામલતદારો દ્વારા મંજુર કરી દેવાયા છે અને ૧૪૩૭ અરજી તા. ૨૭-૧૨-૨૦૧૯ની સ્થિતિએ પેન્ડીંગ હોવાનું બહાર આવ્યું છે.

આમાં સૌથી વધુ દક્ષિણ મામલતદાર કચેરીમાં છે, જ્યાં ૨૬૫૧માં ૩૨૮૯ મંજુર થયા છે. ૬૩૮ દાવા અંગે હાલ તપાસણી-કાર્યવાહી ચાલુ છે. દક્ષિણ મામલતદાર સી દેગી અને તેમની ટીમ દ્વારા ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.

આવી જ રીતે પૂર્વ મામલતદાર કચેરીમાં ૨૦૫૨ સામે ૧૪૩૬ દાવા મંજુર કરાયા છે. પશ્ચિમ ૫૪૨ સામે ૫૦૨ અને તાલુકા મામલતદાર કચેરીમાં ૧૭૭ સામે ૩૪ દાવા મંજુર કરાયા છે. કુલ ૬૦૬૦ દાવા સામે ૪૬૨૩ દાવા મંજુર કરાયાનું કલેકટર કચેરીના સૂત્રો ઉમેરી રહ્યા છે.

(3:47 pm IST)