Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

છાતી ફુલાવવા જેવી વાતઃ રાજકોટ પોલીસે ૧ વર્ષમાં ૪૫૦ ગુના ઘટાડ્યા

વર્ષો સુધી બાતમીદારોના નેટવર્ક આધારીત પોલીસને હવે ટેકનિકલ ઇન્ટેલિજન્સ નેટવર્ક સાંપડતા ધારી સફળતા મેળવે છેઃ અગ્રવાલ : પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને ટીમે સુરક્ષા કવચ એપ સહિતની ટેકનોલોજીના ઉપયોગથી ગુનાઓને નાથવામાં ભરી હરણફાળઃ છેલ્લા ૨૦ વર્ષમાં સોૈથી ઓછા ગુના નોંધાયા! : આઇ-વે પ્રોજેકટ અંતર્ગત શહેરભરમાં ૨૧૯ જગ્યાએ લગાવાયેલા ૯૪૭ સીસીટીવી કેમેરાની મદદથી ૩૦૦થી વધુ ગુનાનો ભેદ ઉકેલ્યો : વર્ષમાં જે ૪૪૨ ગુનાઓ ઘટ્યા છે તેમાં મુખ્યત્વે ખૂનની ઘટનાઓમાં ૧૧ ટકા, ધાડની ઘટના ૧૦૦ ટકા, લૂંટમાં ૪૧ ટકા, ઘરફોડ ચોરીમાં ૩૫ ટકા, સાદી ચોરીમાં ૩૮ ટકા, બિગાડમાં ૪૪ ટકા, અપહરણના ગુનાઓમાં ૨૮ ટકા અને અકસ્માતમાં ૧૪ ટકાનો ઘટાડો

રાજકોટ તા. ૩૧: શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આજે છેલ્લા એક વર્ષમાં ૪૫૦ ગુના ઘટાડ્યાની સાથી અધિકારીઓની હાજરીમાં છાતી ફુલાવી જાહેરાત કરી હતી. ૨૦૧૮ના વર્ષમાં જુદા-જુદા ૨૪૩૭ ગુનાઓ નોંધાયા હતાં. જેની સરખામણીએ આ વખતે ૧૯૯૫ ગુના એટલે કે ૪૪૨ ગુનાનો ૧૮ ટકાના ગ્રાફે ઘટાડો નોંધાયો છે. ૨૦ વર્ષ દરમિયાન ૧૯૯૫નો આંકડો સોૈથી ઓછા ગુના તરીકે રાજકોટ પોલીસે પ્રેસ સમક્ષ રજૂ કર્યો હતો. આરોપીઓની ઓળખ મેળવવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ અત્યાર સુધી થતો રહેતો હતો. આ ઉપરાંત ટેકનીકલ ઇન્ટેલિજન્સથી પણ સુજ્જ થયેલી પોલીસે ગુનેગારોમાં ધાક બેસાડી છે.

શહેર પોલીસે ગુજરાતભરમાં સોૈથી પ્રથમ સુરક્ષા કવચ એપ બનાવી છે જેમાં પ્રોહીબીશન બુટલેગર, ટપોરીઓ, એમસીઆર, એચએસ જેવા જુદા-જુદા હેડ હેઠળ ૧૨૫૧ ગુનેગારોની સંપુર્ણ માહિતી રહે છે. આ ગુનેગારોને છેલ્લા એક વર્ષમાં ૧,૦૦,૧૪૬ વખત સુરક્ષા કવચ એપ મારફત ચકાસવામાં આવ્યા હતાં. એટલે કે ગુનેગાર દિઠ સરેરાશ કાઢી તમે જ વિચારી શકો કે એક ગુનેગાર કયાં હરીફરી રહ્યો છે? તેની વિગતો પોલીસે અદ્યતન ટેકનિકની મદદથી કેટલી વાર ચકાશી હશે. ગુનેગારોને વારંવાર પોલીસ ચકાસતી હોવાથી પણ ગુનાઓની સંખ્યા ઘટી છે. આંતરરાષ્ટ્રીય એકસપો દ્વારા રાજકોટ પોલીસની આધુનિક કામગીરી બદલ તેમને એકસીલન્સી એવોર્ડ-૨૦૧૯ ઇન્ડિયા ઇકોનોમીક ફોરમમાં એનાયત કરવામાં આવ્યો છે.

તાજેતરમાં જ મહિલાઓની સુરક્ષા માટે સુરક્ષિતા એપ લોન્ચ કરવામાં આવી હતી. આ એપ્લિકેશન ૨૪ કલાક કાર્યરત રહેશે. જેના ખાસ હેલ્પલાઇન નંબર ૭૫૭૫૦ ૩૩૭૪૭ રાખવામાં આવ્યા છે. કોઇપણ મહિલા અસુરક્ષીત હશે તો આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરવાની સાથે જ દૂર્ગા શકિતની ટીમો પહોંચી જશે. કોલેજ, યુનિવર્સિટી, ઇન્ડિયન મેડિકલ કાઉન્સીલના વિદ્યાર્થીઓ- વિદ્યાર્થીનીઓ સાથે પોલીસે સીધો સંવાદ યોજી દારૂ, સિગારેટ, ડ્રગ્સ જેવા ગુનાઓથી મોં ફેરવી લેવાની જાગૃતિના કાર્યક્રમો પણ યોજ્યા છે. જેની પણ ચોક્કસ અસર પડી હોવાનું પોલીસ અધિકારીઓ માને છે.

૨૦૧૮થી શહેરમાં સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું છે. જેમાં ૪૦ કર્મચારીઓની નિમણુંક થઇ છે. આ પોલીસ સ્ટેશનની શરૂઆતની સાથે જ ઓનલાઇન નાણાકિય છેતરપીંડી અને સોશિયલ મિડીયા પર થતી યુવતિઓ અને મહિલાઓની પજવણીના કિસ્સાઓ ઉપર પોલીસે રિતસરની તરાપ મારી છે. સોશિયલ ગુનેગારોને સ્વપ્ને પણ ખ્લાલ ન હોય એ રીતે તેમના મોબાઇલ ડેટા પોલીસ રિકવર કરી લેતી હોય છે. આવા આશરે એકાદ કરોડથી વધુના આધુનિક સાધનો સાયબર પોલીસ સ્ટેશનમાં વસાવવામાં આવ્યા છે. આ પોલીસ સ્ટેશનમાં આવેલી ૫૮૧ અરજીઓનો તબક્કાવાર નિકાલ કરવામાં આવ્યો છે. બેંક એકાઉન્ટમાંથી થયેલી છેતરપીંડી પૈકી ૯૫ લાખથી વધુ રકમ ભોગ બનનારને સાયબર પોલીસ સ્ટેશને પરત અપાવી છે. આ ઉપરાંત ખોવાયેલા ૧૫૩૧ મોબાઇલ (૨ કરોડ ૬ લાખના) રિકવર કરી ઉપભોકતાઓને પરત કરાવ્યા છે.

સાયબર ક્રાઇમ મારફત 'બેટી બચાઓ સાયબર ક્રાઇમ સે' કાર્યક્રમ અંતર્ગત ગુજરાતી ભાષામાં પુસ્તિકા બનાવી મહિલાઓને તેમજ શાળા-કોલેજો-મહિલા મંડળોમાં વિતરણ કરી સોશિયલ મિડીયા દ્વારા સોશિયલ રોમિયો દ્વાર થતી પજવણી અંગે કઇ રીતે જાગૃત રહેશો? તે વિશે જાગૃતિ લાવવા પણ યોગ્ય દિશામાં પ્રયાસો કર્યા છે.

આઇ-વે પ્રોજેકટ અંતર્ગત શહેરભરમાં ૨૧૯ જગ્યાએ લગાવાયેલા ૯૪૭ સીસીટીવી કેમેરાની મદદથી ૩૦૦થી વધુ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. મુસાફરો તેમના કિંમતી દાગીના વાહનોમાં ભુલી ગયા હોઇ તેમને શોધી કાઢવા પણ પોલીસ મદદરૂપ થઇ છે. ગત વર્ષમાં જે ૪૪૨ ગુનાઓ ઘટ્યા છે તેમાં મુખ્યત્વે ખૂનની ઘટનાઓમાં ૧૧ ટકા, ધાડની ઘટના ૧૦૦ ટકા, લૂંટમાં ૪૧ ટકા, ઘરફોડ ચોરીમાં ૩૫ ટકા, સાદી ચોરીમાં ૩૮ ટકા, બિગાડમાં ૪૪ ટકા, અપહરણના ગુનાઓમાં ૨૮ ટકા અને અકસ્માતમાં ૧૪ ટકાનો ઘટાડો થયો છે.

આ વર્ષમાં ૧૧૪ પાસા પણ કરવામાં આવ્યા છે. એનડીપીએસના ૨૩ કેસમાં ગાંજો, પોશડોડા, કોકેઇન, એમ.ફેટામાઇન, અફિણ, મેફેડ્રોન, આલ્પ્રાઝોલામ જેવા નશાકારક માદક પદાર્થો ઝડપી ૧ કરોડ ૫ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. દારૂની રૂ. ૩,૭૧,૧૭,૪૫૦ની ૧,૦૦,૧૨૩ બોટલો કબ્જે થઇ છે. આ ઉપરાંત કુલ ૪૪ ગેરકાયદે હથીયાર કબ્જે થયા છે. વરસાદી પુર સહિતની કુદરતી આફતોમાં પણ પોલીસ ખડેપગે રહી છે. વ્યાજખોરો વિરૂધધ ૨૦૯ અરજીઓમાં ૧૭ ગુના યોજી ૪૧ આરોપીઓને પકડાયા છે.

ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ૨૦૨૩૮૫ કેસો કરી સ્થળ ઉપર ૨,૮૯,૭૪,૧૦૦ દંડની રકમ વસુલ કરવામાં આવી છે. ૧,૬૪,૨૫૦ના કોર્ટના મેમા અને ૬૨,૬૩,૪૧૬ આરટીઓના મેમા આપવામાં આવ્યા હતાં. તેમજ ૧૯૫૨ વાહનો ડિટેઇન કરાયા હતાં.

ચકચાર જગાવનારા ૧૬થી વધુ ગુનાઓમાં શહેર પોલીસે સફળતા પુર્વક ભેદ ઉકેલી કાઢ્યો હતો. જેમાં બળાત્કાર, બળાત્કારના પ્રયાસો, બોગસ ડ્રાઇવીંગ લાયસન્સ કાઢવાના રેકેટનો પર્દાફાશ, મધ્યપ્રદેશની ઘરફોડ ચોરી કરતી ગેંગ, લાખોની આંગડિયા લૂંટના ગુનાઓનું ડિટેકશન, ૧૧ આર્મ્સ હથીયારો અને કાર્ટીસ સાથે પકડવાની કામગીરી, રહસ્યમય હત્યાઓના ગુનાનું ડિટેકશન સહિતની કામગીરીઓ કરી છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં સમગ્ર પોલીસે આ કામગીરીઓ કરી હતી. પોલીસે તાજેતરમાં થેલેસેમિયા પિડીત બાળકો માટે રકતદાન કેમ્પ યોજી ૩૦ થેલેસેમિક બાળકોને દત્તક પણ લીધા હતાં. દેહવિક્રમયની પ્રવૃતિઓ અને ગેરકાયદે ધમધમતા સ્પા પર દરોડા પાડી વિદેશથી ગેરકાયદે આવા સ્પામાં કામ કરતી યુવતિઓને પરત મોકલવાની કામગીરી પણ કરી છે. સોનોગ્રાફી દ્વારા દિકરો છે કે દિકરી? તે જાણી આપતા ડોકટર તથા તેના મળતીયાઓને પકડવાની કામગીરી કરી હતી. 

ટ્રાફીક ચેકીંગમાં વાહન ચાલકો પાસે હાજર દંડ બંધ કરી એસએમએસ દ્વારા મેમો અપાશે

રાજકોટઃ શહેર પોલીસ કમિશનરની સૂચનાથી અલગ અલગ વિસ્તારમાં વાહન ચેકીંગ હાથધરવામાં આવે છે ચેકીંગ દરમ્યાન વાહન ચાલકને હાલમાં જે હાજર દંડ લેવામાં આવે છે તે બંધ કરી હવે વાહન ચાલકોને મોબાઇલમાં એસએમએસ દ્વારા મેમો આપવામાં આવશે.

(3:43 pm IST)