Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

સરકારના મહેસૂલ વિભાગમાં સુધારા થયાં છે પણ શહેરી વિકાસમાં હજી ભ્રષ્ટાચાર અડીખમ

અન્નદાતા ખેડૂત ભેળસેળ કરતો નથી પરંતુ વેપારીઓ ઉંચા દામ માટે હિન કક્ષાએ જતા હોય છે : ગુજરાતી અને હિન્દીનું કોકટેલ : ગુજરાતના રાજનેતાઓને : હિન્દી મિડીયમના કલાસ કરાવવા જોઇએ : દેશના પ્રાઇમ મિનિસ્ટર કોઇ ભૂલ કરે તો દેશનો નાનામાં નાનો વ્યકિત પણ તેમની ટીકા કરી શકે છે

ગુજરાત સરકારની દાનત છે કે તમામ વિભાગોમાંથી ભ્રષ્ટાચારનું નિર્મૂલન થાય પરંતુ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ હજી તેમની પ્રેકિટસ છોડી શકતા નથી પરિણામે આખો વિભાગ બદનામ થાય છે. સામાન્ય રીતે વિભાગના નીચેના સ્તરે અને જિલ્લા વહીવટી તંત્રમાં રૂપિયા આપ્યા વિના કામ થતું નથી. વિઝિલન્સ કમિસનમાં આવતી મોટાભાગની ફરિયાદો શહેરી વિકાસ, મહેસૂલ અને ગૃહ વિભાગની આવતી હોય છે, એટલે કે આ ત્રણ વિભાગો એવાં છે કે જયાં સૌથી વધુ કરપ્શન જોવા મળે છે. રાજય સરકારે મહેસૂલ વિભાગમાં તમામ સેવાઓ ઓનલાઇન કરીને ભ્રષ્ટાચારને નિયંત્રણમાં લેવાના અનેક પ્રયાસ કર્યા છે પરિણામે આ વિભાગનું કરપ્શન લેવલ ઘટી ગયું છે પરંતુ આવા સુધારા શહેરી વિકાસ વિભાગમાં થયાં નથી તેથી આ વિભાગમાં કરપ્શન તેની ચરમસીમાએ પહોંચ્યું છે. ગાંધીનગર જેવા નાના શહેરમાં આજેપણ બીયુ પરમિશન લેવા માટે નાના લોકોને રૂપિયા આપીને કામ કરાવવું પડે છે. બિલ્ડરજૂથોના એપાર્ટમેન્ટ સમૂહને બીયુ લેવાનું હોય તો તેમને મોટી રકમ ચૂકવવી પડે છે પરંતુ નાના રહેણાંકમાં એક પછી એક કવેરી કાઢીને તેમને પરેશાન કરવામાં આવે છે. રાજય સરકાર જો શહેરી વિકાસમાં પણ નાગરિકોની સુવિધા ઓનલાઇન કરે તો આ વિભાગમાં પણ કરપ્શન કન્ટ્રોલ કરી શકાય તેમ છે. ખાસ કરીને કોરોના સંક્રમણના સમયમાં દાન-દક્ષિણા આપવાની પ્રથા પડી ચૂકી છે. એક જાણીતા બિલ્ડર કહે છે કે ઓળખાણ કે ભલામણથી નહીં પણ રૂપિયા આપીને અમારે સુવિધાઓ મેળવવી પડે છે. તેઓના મતે શહેરી વિકાસ વિભાગમાં સરકાર જો વધુ તકેદારી રાખીને સુવિધાઓ ઓનલાઇન કરી આપે તો અમારે કર્મચારીઓને લાંચ આપવી પડે નહીં...

ફુડ સેફિટ દિન – કાયદા કડક છે પણ અમલમાં શૂન્ય

ફુડ સેફિટમાં ભારતનો ક્રમ વિશ્વના અન્ય દેશોની સરખામણીએ નીચલી પાયરી પર છે. આમ થવાનું મુખ્ય કારણ ફુડ આઇટમોમાં વ્યાપેલી મિલાવટ કારણભૂત છે. સમગ્ર વિશ્વ ૭જ્રાક જૂનના રોજ વિશ્વ અન્ન સુરક્ષા દિવસ મનાવે છે પરંતુ ભારતના ફુડ સેફિટના કાયદા એટલા પાંગળા છે કે વેપારીઓને કડક સજા અને દંડ થતો નથી. લોકો સલામત અને પૌષ્ટીક આહારના દામ ચૂકવે છે પરંતુ તેમને માત્ર ભેળસેળયુકત અન્ન મળે છે. ખેડૂતો ચોખા ઉગાડે છે પણ વેપારીઓ તેમાં પ્લાસ્ટીકના ચોખા ઉમેરે છે. ખેડૂત કેરી ઉગાડે છે અને કુદરતી રીતે પાકે તેની રાહ જુએ છે પરંતુ વેપારી તેમાં કાર્બાઇડ અને અન્ય ઝેરી તત્વો ઉમેરીને ઝડપથી કેરી પકવે છે. શાકભાજીમાં કેમિકલયુકત લીલો કલર નાંખવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મતે પ્રત્યેક ૧૦ વ્યકિતએ એક વ્યકિત દૂષિત ખોરાક અને બેકટેરિયાવાળા ખોરાકથી બિમાર થાય છે. વિશ્વની વસતીમાં આ આંકડો ૬૦ કરોડ છે. ભારતમાં ફુડ સેફિટના સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવ્યા છે પરંતુ કરપ્શનની માત્રા એટલી વધારે છે કે ભેળસેળ કરનારા વેપારીઓને યોગ્ય નશ્યત થઇ શકતી નથી. સેફ ફુડ નાઉ ફોર અ હેલ્થી ટુમોરો... એ ફુડ સેફિટ દિનની થીમ છે. આ થીમ પ્રમાણે સરકારે ફુડ સેફિટ માટેના કડક નિયમો બનાવવાની આવશ્યકતા છે કે જેથી પ્રત્યેકને તંદુરસ્ત ફુડ આપી શકાય. ભારતના ફુડ સેફિટના નવા કાયદા પ્રમાણે ભેળસેળયુકત ખોરાકના બદલામાં જવાબદારોને ૧૦ લાખ સુધીનો દંડ અને સાત વર્ષથી આજીવન કેદની સજાની જોગવાઇ છે પરંતુ આવી સજા હજી સુધી કોઇને મળી નથી. ખેડૂત ભેળસેળ કરતો નથી પરંતુ વેપારી રૂપિયાની વધુ લાલચ માટે નીચ કક્ષાએ જાય છે એ આપણાં સમાજની કમનસીબી છે.

મેરીગોલ્ડ ઉગાડતા ખેડૂતોને ૭૦૦ કરોડનો ફટકો

ગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષમાં ફુલોનું ઉત્પાદન અને વાવેતર બમણું થયું છે. એક હેકટરે ૯.૬૨ ટન ફુલોનું ઉત્પાદન થાય છે છતાં ખેડૂતો ધનપતિ બની શકતા નથી, કારણ કે ફુલો નાશવંત છે. યોગ્ય સમયે તેનો વપરાશ ન થાય તો તે બગડી જાય છે. રાજયના મોટાભાગના ખેડૂતો કટ ફલાવરનું વાવેતર કરતાં હોય છે, કારણ કે આ ફુલોથી તેમને યોગ્ય વળતર મળી રહી છે. ગલગોટા એટલે કે મેરીગોલ્ડના ફુલોની ૮૦ ટકા ખેતી અમદાવાદ, આણંદ, ખેડા, ભરૂચ, વલસાડ અને દાહોદમાં થાય છે પરંતુ કોરોનાના કારણે વ્યાપારમાં મંદી આવતાં ૬૦ હજાર ટન ફુલો ફેંકી દેવા પડ્યાં છે. એક વિધામાં ખેડૂતને ૬૦ હજાર રૂપિયાનું ખર્ચ થાય છે અને તેની આવક બે લાખ સુધી મળે છે. પરંતુ છેલ્લા દોઢ વર્ષમાં કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે ૮૦ ટકા પાક ફેંકી દેવો પડ્યો છે જેના કારણે ખેડૂતોને ૭૦૦ કરોડનું નુકશાન થયું છે. કૃષિ વિભાગના અધિકારીના કહેવા પ્રમાણે રાજયમાં ફુલોના કુલ વાવેતર પૈકી ૮૦ ટકા વિસ્તારમાં મેરીગોલ્ડ ઉગાડવામાં આવે છે. ગયા વર્ષે મહામારીના કારણે ફુલબજારમાં મંદી આવતાં આ વર્ષે ખેડૂતોએ ફુલોની ખેતીને ખેડી નાંખી છે. વાવેતરમાં ૬૫ ટકા જેટલો ઘટાડો થયો છે. લોકડાઉનના કારણે રાજયમાં લગ્ન સમારંભ અને મંદિરો બંધ થતાં ફુલબજારમાં મંદીનો માહોલ જોવા મળે છે. ફુલોની અછત વચ્ચે ઘણીવાર તો ખેડૂતો પાસેથી ૧૦૦૦ રૂપિયે લીધેલા ફુલો વેપારીઓ બજારમાં ૮ થી ૧૦ હજાર રૂપિયાના ભાવે વેચે છે.

૨૦૨૨ની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં પરિવર્તનનો પવન

ગુજરાત કોંગ્રેસની હાલત સુધારવા માટે હાઇકમાન્ડે કેટલાક મહત્વના નિર્ણય લીધા છે. પહેલીવાર કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ, વિપક્ષના નેતા અને પ્રદેશ પ્રભારી બદલાશે. છેલ્લા ૨૬ વર્ષથી સત્તાવંચિત રહેલી અને નામશેષ થયેલી પાર્ટીમાં પ્રાણ પુરવા માટે કોંગ્રેસના હાઇકમાન્ડે મહારાષ્ટ્રના નેતા અવિનાશ પાંડેની નિયુકિત ગુજરાતના પ્રભારી તરીકે કરવાનું નક્કી કર્યું છે. આ પોસ્ટ માટે પહેલાં રાજસ્થાનના યુવા નેતા સચિન પાયલોટને પસંદ કર્યા હતા પરંતુ તેમણે હોદ્દો સ્વિકારવાનો ઇન્કાર કરી દીધો હતો. કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવના અવસાન પછી ગુજરાતમાં આ જગ્યા ખાલી પડી છે જે ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણી પહેલાં ભરવી આવશ્યક છે. અવિનાશ પાંડે એ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત જૂથના નેતા છે. અગાઉ તેઓ રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી રહી ચૂકયાં છે અને મહારાષ્ટ્રમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ગુજરાત કોંગ્રેસમાં પ્રભારી ઉપરાંત પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાના પદ પર પણ નવી નિયુકિત થવાની છે, કારણ કે સ્થાનિક ચૂંટણી અને પેટા ચૂંટણીના અત્યંત કંગાળ પરિણામ પછી પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષી નેતા પરેશ ધાનાનીએ રાજીનામાં આપી દીધા હતા. અત્યારે તેઓ એડહોક નિયુકિતમાં છે. પ્રદેશની આ સુપ્રીમ ત્રણ પોસ્ટ ભરાયા પછી ગુજરાત કોંગ્રેસના પ્રદેશ માળખામાં ધરખમ પરિવર્તન પણ કરવામાં આવનાર છે. મહત્વની બાબત એવી છે કે છેલ્લા ૨૬ વર્ષથી સત્ત્।ામાં નહીં હોવા છતાં કોંગ્રેસના સંગઠનમાં પ્રત્યેક ગામ અને શહેરમાં કોંગ્રેસનો કાર્યકર મોજૂદ છે પરંતુ તેને યોગ્ય દિશા મળી શકી નથી.

ભારતની અર્થવ્યવસ્થામાં મહારાષ્ટ્ર નંબરવન

ભારત સરકારની એક ઇકોનોમિક સંસ્થાના અહેવાલ પ્રમાણે ભારતના જીડીપીમાં મહારાષ્ટ્રનું યોગદાન ટોચક્રમે છે. આ રાજયએ વર્ષોથી તેનું સ્થાન જાળવી રાખ્યું છે. મહારાષ્ટ્રનો જીડીપી હિસ્સો ૧૪ ટકા જેટલો જોવા મળે છે. એટલે કે રાજયનો સૌથી વધુ જીડીપી ૨૯.૦૮ લાખ કરોડ છે. બીજાક્રમે ૨૦.૫૪ લાખ સાથે તામિલનાડુ, ત્રીજાક્રમે ૧૭.૦૫ લાખ કરોડ સાથે ઉત્ત્।રપ્રદેશ, ચોથાક્રમે ૧૬.૬૫ લાખ કરોડ સાથે કર્ણાટક અને પાંચમાક્રમે ૧૯.૪૯ લાખ કરોડ સાથે ગુજરાત આવે છે. ભારતના ટોચના પાંચ રાજયોનો જીડીપી હિસ્સો ૪૬.૬ ટકા જેટલો વિક્રમી છે, જયારે દક્ષિણ ભારતના પાંચ રાજયોનો હિસ્સો ૩૦ ટકા થવા જાય છે. દેશમાં ૩૩માં ક્રમે આંદામાન નિકોબાર આવે છે કે જયાં જીડીપી ૦.૦૮૮ લાખ કરોડ છે. ગુજરાત સરકારે તેના બજેટ દસ્તાવેજમાં કહ્યું હતું કે વર્ષ ૨૦૨૦-૨૧માં રાજયનો જીએસડીપી ૧૮.૮૪ લાખ કરોડ રહેશે પરંતુ આ ટારગેટ કોરોના સંક્રમણે તોડી નાંખ્યા છે અને તે ૧૫ લાખ કરોડ જેટલો થયો હોવાનું અનુમાન છે. ભારતના ૩૩ રાજયોનો કુલ જીડીપી હિસ્સો ૨૦૩.૮૫ લાખ કરોડ જેટલો થવા જાય છે. વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકાની છે. યુએસનો કુલ જીડીપી ૨૧.૪૪ લાખ કરોડ ડોલર છે જે ચીનની સરખામણીએ બે ગણી છે. જયારે ચીનનો જીડીપી ૧૪.૧૪ લાખ કરોડ ડોલર, જાપાનનો ૫.૧૫ લાખ કરોડ ડોલર, જર્મનીનો ૩.૮૬ લાખ કરોડ ડોલર અને ભારતનો ૨.૯૭ લાખ કરોડ ડોલર છે. વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યુના ૨૦૨૦ના રિપોર્ટ પ્રમાણે ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવે છે.

PM ભૂલ કરે તો નાનો વ્યકિત પણ ટીકા કરી શકે છે

દિલ્હીમાં બેસીને ગુજરાતનું કામ કરનારા રાજકીય નેતાઓની પ્રથમ હરોળમાં મોરારજી દેસાઇનું નામ આવે છે. કારણ કે રસ્તે ચાલતો સામાજીક કાર્યકર અને સુધારાવાદી વ્યકિત દેશની સુપ્રિમ પોસ્ટ ઉપર પહોંચી ચૂકયો હતો. મોરારજી દેસાઇ ગાંધીજીના રસ્તે ચાલીને મહાત્મા ગાંધી દ્વારા સ્થાપવામાં આવેલી ગુજરાત વિદ્યાપીઠના તેઓ કુલપતિ હતા. તેમના વડાપ્રધાનના કાર્યકાળ દરમ્યાન પણ તેઓ વિદ્યાપીઠની મુલાકાત લેતા હતા અને ઓકટોબર મહિનામાં તેમાં જ નિવાસ કરતા હતા. મોરારજી દેસાઇનું જીવન અત્યંત સાદાઇપૂર્ણ હતું. લોકોને જાતે જ પોસ્ટકાર્ડ લખતા હતા. મોરારજી દેસાઇએ તેમના કાર્યકાળ (૧૯૭૭-૭૯) માં જાહેર વિતરણ વ્યવસ્થા બંધ કરી હતી. જે ખાંડ રેશનીંગની દુકાનમાં વેચાતી હતી તેના કરતાં પણ સસ્તી ખાંડ બજારમાં ઉપલબ્ધ કરાવતાં આ દુકાનોને તાળા મારવાનો સમય આવ્યો હતો. આ એક સમય હતો જયારે લોકો સુખી હતા. મોરારજી એ સ્થિતિને જોવા તત્પર હતા કે ભારતના લોકો એટલા ભયમુકત હોવા જોઇએ કે દેશની સર્વોચ્ચ વ્યકિત પણ ભૂલ કરે તો નબળામાં નબળો વ્યકિત પણ એ દિશામાં અંગૂલીનિર્દેશ કરવા સક્ષમ હોવો જોઇએ. તેઓ વારંવાર કહેતા કે 'દેશના પ્રધાનમંત્રી પણ દેશના કાયદાથી પર ના હોવો જોઇએ.' તેમના માટે સત્ય જ શ્રેષ્ઠ રહ્યું છે. તેમણે પોતાના સિદ્ઘાંતોને કદી પરિસ્થિતિને વશ થવા દીધા ન હતા. અત્યંત વિકટ સંજોગોમાં પણ તેઓ પોતાના સિદ્ઘાંતોને વળગી રહ્યા હતા. તેઓ પોતે જ કહેતા હતા કે 'પ્રત્યેકે જીવનમાં સત્ય અને શ્રદ્ઘા મુજબ વ્યવહાર કરવો જોઇએ.'

ગુજરાતી નેતાઓ માટે હિન્દી મિડીયમના કલાસ જરૂરી છે

ગુજરાતના રાજકારણની એક બલિહારી એવી છે કે રાજનેતાઓને હિન્દી સ્પીકીંગના કોર્સ કરવા પડે તેમ છે, કારણ કે ટીવીની ન્યૂઝ ચેનલોમાં તેઓ જયારે હિન્દી બોલે છે ત્યારે દર્શકો હસતા હોય છે. કોંગ્રેસની જેમ ભાજપના નેતાઓનું પણ હિન્દી બહુ કાચું છે. સ્પષ્ટ ઉચ્ચારણો સાથે હિન્દી પણ તેઓ બોલી શકતા નથી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છ હિન્દી બોલી શકે છે, કારણ કે સંગઠનમાં તેમણે અનેક હિન્દી વિસ્તારોમાં કામ કર્યું છે. અમિત શાહ પણ થોડું હિન્દી બોલી શકે છે. તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલનું હિન્દી પણ સારૃં હતું. જો કે કેશુભાઇ પટેલ હિન્દી સરળતાથી બોલી શકતા ન હતા. અત્યારની સરકારમાં જોઇએ તો મુખ્યમંત્રી વિજય રૂપાણી હિન્દીમાં કેટલાક શબ્દો ગુજરાતી બોલી જાય છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું હિન્દી વિચિત્ર છે. મહાવરો માગી લે તેવું છે. જ રીતે ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું પણ હિન્દી પુઅર છે. તેમના હિન્દી વકતવ્યમાં ગુજરાતી છાંટ આવે છે. ટીવી ચેનલોને વધારે મહત્વ આપતી આપણી ભાજપની સરકારના કેબિનેટ મંત્રીઓને હિન્દી બોલવાના કલાસ કરાવવા જોઇએ તેવી કોમેન્ટ એક ટીવી એન્કરે કહી હતી. ગુજરાતમાં વધુ બોલાતી ભાષા ભલે ગુજરાતી હોય, અહીં હવે હિન્દી અને અંગ્રેજી ભાષા પણ વધુ પ્રમાણમાં બોલાય છે. કોકટેલ કરવામાં માહિર ગુજરાતીઓ ભાષામાં પણ કોકટેલ કરે છે. ગુજરાતના રાજનેતાઓ હિન્દી બોલવામાં કાચા છે, કારણ કે તેમને હિન્દી બોલવાની પ્રેકિટસ નથી.  અન્ય રાજયોમાં ચૂંટણી પ્રચાર માટે જતાં આપણા ગુજરાતી નેતાઓ હિન્દીમાં કેવી રીતે પ્રચાર કરતા હશે તે સવાલ છે. ટીવીના એક રિપોર્ટરે કહ્યું હતું કે— ગુજરાતના મંત્રીઓને કયારેય હિન્દીમાં સ્પીચ આપવા કહેવું નહીં અને કહેવામાં આવે તો તેમના શબ્દોનું ડબીંગ કરી લેવું જોઇએ.(૨૧.૪)

સરકારી મહેમાન

-: આલેખન :-

ગૌતમ

પુરોહીત

gpurohit09@gmail.com

(4:54 pm IST)