Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

સરકારી મહેમાન

ગુજરાતમાં સામાન્ય બજેટની તૈયારી, નાણા વિભાગ 64 પ્રકાશનો તૈયાર કરશે: બજેટ કદમાં વધારો થશે

ગાંધીનગરમાં કોર્પોરેટ હાઉસ માટે સેક્ટર-11માં જમીન ન મળી, ગિફ્ટ સિટીમાં જવા કોઇ રાજી નથી : મેટ્રોરેલ પ્રોજેક્ટ મંજૂર, કામ શરૂ થયું નથી-- પાટનગરને હજી વિધાસભા 2022 સુધી રાહ જોવી પડશે : સ્ટેચ્યુ ઓફ યુનિટી સૌથી ઉંચું હોવાના ગુજરાત સરકારના દાવા અને રેકોર્ડને ટૂંકસમયમાં મુંબઇ તોડશે

લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં ગુજરાતના સામાન્ય બજેટ માટેની તૈયારી કરવા નાણા વિભાગે તમામ વિભાગો અને સંસ્થાઓને આદેશ આપ્યા છે. બજેટમાં સમાવેશ કરવામાં આવનારી નવી યોજનાઓ, નવી ભરતીના કર્મચારીઓના પગાર અને ભથ્થાં, જે યોજનાઓ ચાલુ હોય તેને અપગ્રેડ કરવાના ખર્ચા તેમજ સરકારના વિવિધ ખર્ચની વિગતો આપવાનું કહેવામાં આવ્યું છે. નાણા વિભાગના એક આદેશ પત્રમાં જણાવ્યા પ્રમાણે 64 જેટલા બજેટ પ્રકાશનો તૈયાર કરવાના થાય છે. એ પહેલાં સરકારના 26 વિભાગો અને સરકારી કચેરીઓએ બજેટના કામો પૂરાં કરવાના રહેશે. લોકસભાની ચૂંટણીના કારણે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 2019-20ના સંપૂર્ણ બજેટના સ્થાને ચાર મહિના માટેનું લેખાનુદાન (વોટ ઓન એકાઉન્ટ) લેવાનું નક્કી કર્યું હતું. રાજ્યના નાણામંત્રી નિતીન પટેલે ગયા ફેબ્રુઆરી મહિનામાં બજેટની જગ્યાએ લેખાનુદાન રજૂ કર્યું હતું પરંતુ હવે જુલાઇમાં બજેટ સત્ર મળશે ત્યારે નાણા વિભાગ બાકીના આઠ મહિના એટલે કે ઓગષ્ટ 2019 થી માર્ચ 2020 સુધીના ખર્ચ માટેનું ફેરફાર કરેલું બજેટ રજૂ કરશે. લેખાનુદાનમાં સરકારે ચાર મહિનાનો ખર્ચ લઇ લીધો છે જે જુલાઇ 2019માં પૂરો થાય છે. સરકારના નાણા વિભાગે લેખાનુદાન વખતે બજેટનું કદ 1.91 લાખ કરોડ નક્કી કર્યું હતું અને ચાર મહિનાના ખર્ચ પેટે 63939 કરોડ રૂપિયા લીધા હતા. જો કે નાણા વિભાગના સૂત્રો કહે છે કે જુલાઇમાં રજૂ થનારા બજેટમાં સુધારેલા અંદાજ પ્રમાણે બજેટનું કદ 1.91 લાખ કરોડ કરતાં વધી શકે છે, જે બે લાખ કરોડ સુધી પહોંચી જવાની ધારણા છે.

ગાંધીનગરમાં કોર્પોરેટ હાઉસનો અભાવ...

દેશભરની કંપનીઓના કામે સચિવાલય આવતા પ્રતિનિધિઓ તેમજ તેમની કંપનીના સંચાલકો ગાંધીનગરમાં આવી શકે અને તેમની ઓફિસમાં બેસીને ચર્ચા કરી શકે તેવા કોર્પોરેટ હાઉસનો ગાંધીનગરમાં અભાવ છે. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 2007માં ગાંધીનગરમાં સેક્ટર-11ના કોમર્શિયલ વિસ્તારમાં કે જેની સામે સચિવાલય અને વિધાનસભા છે ત્યાં કોર્પોરેટ હાઉસ બનાવવાની જાહેરાત કરી કંપનીઓ માટે જમીન આપવાનું નક્કી કર્યું હતું. આ સંકુલનું બાંધકામ અદાણી જૂથે સ્વિકાર્યું હતું પરંતુ 12 વર્ષ પછી પણ આ પ્રોજેક્ટ શરૂ થઇ શક્યો નથી. દેશના ઉદ્યોગજૂથોની કોર્પોરેટ કચેરીઓ દિલ્હી, મુંબઇ અને અમદાવાદ જેવા શહેરોમાં આવેલી છે. કોર્પોરેટ ક્ષેત્રના પ્રતિનિધિઓ સચિવાલયની મુલાકાતે અવાર-નવાર આવતા હોય છે પરંતુ તેમને એકત્ર થવાની કોઇ જગ્યા નથી. તપાસ કરતાં માલુમ પડ્યું કે આ કોર્પોરેટ હાઉસ નહીં થવા પાછળનું કારણ ગિફ્ટ સિટીના ચેરમેન સુધીર માંકડ છે. તેમણે નરેન્દ્ર મોદીને દરખાસ્ત કરી હતી કે આપણી પાસે ગિફ્ટ સિટીમાં લાખો ચોરસફુટ જગ્યા ખાલી છે. જો કોર્પોરેટ હાઉસ ગિફ્ટ સિટીમાં બનાવવામાં આવે તો આપણી જગ્યાનો વપરાશ થશે અને કોર્પોરેટ કંપનીઓને જગ્યા મળી જશે. સુધીર માંકડનો આ આઇડિયા મોદીને ગમી ગયો અને જમીન આપવાની ફાઇલ બંધ કરી દેવામાં આવી, પરિણામ એ આવ્યું કે કોર્પોરેટ કંપનીઓએ સચિવાલય દૂર પડતું હોવાથી ગિફ્ટ સિટીમાં જવા તૈયાર ન થયા એટલે આટલા લાંબા સમય પછી પણ ગાંધીનગરમાં કોર્પોરેટ હાઉસનું કોઇ ઠેકાણું પડ્યું નથી.

અગાસીમાં પાક લો, જમીનની જરૂર નથી...

ખેતરોના ઘટતા કદ અને ઓર્ગેનિક ફૂડ પ્રોડક્ટની વધતી માંગના કારણે અર્બન ફાર્મિંગમાં નવી અને અસરકારઅક ટેકનીકનુ ચલણ વધી રહ્યું છે. માંગ પૂરી કરવા માટે વેપારીઓ અને ખેડૂતો અગાશી પર, પાર્કિંગમાં કે પછી કોઈ પણ જગ્યાએ ઉપલબ્ધ સીમીત જગ્યાનો ઉપયોગ ઉત્પાદન કરી રહ્યા છે. કૃષિ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે વર્તમાન સમયમાં જે ટેકનિકનો ઉપયોગ થાય છે તેમાં માટીનો ઉપયોગ નથી. માટી ન હોવાથી અગાસી પર પણ ફાર્મિંગ થઇ શકે છે. આ ટેકનીકથી અંદાજે એક લાખ રૂપિયાના સિંગલ ટાઇમ ખર્ચથી તમે ઘરે બેસીને બે લાખ રૂપિયાની આવક મેળવી શકો છો. આ ટેકનીકને હાઈડ્રોપોનિક્સ કહેવામાં આવે છે. આ ટેકનીકની ખાસ વાત એ છે કે તેમાં માટીનો ઉપયોગ બિલકુલ નથી થતો. તેમાં છોડ માટે જરૂરી પોષક તત્વોને પાણીની મદદથી સીધા છોડના મૂળ સુધી પહોંચાડવમાં આવે છે. આ ટેકનીકથી છોડને એક મલ્ટી લેર ફ્રેમની મદદથી ટકેલા પાઈપમાં ઉગાડવામાં આવે છે અને તેના મૂળને પાઈપની અંદર પોષક તત્વોથી ભરેલ પાણીમાં છોડી દેવામાં આવે છે. માટી ન હોવાથી ટેરેસ પર ભાર વધતો નથી. તેમજ ટેરેસમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર પણ કરવો પડતો નથી. કૃષિ વિભાગના નિષ્ણાંતો કહે છે કે છોડને ઉગાડવા માટેની આ એક નવી પદ્ધતિ છે અને તેનો ખેડૂતો અને વેપારીઓ અલગ-અલગ રીતે ઉપયોગ કરી શકે છે. કંપનીઓ ઉપજ માટે તૈયાર ફ્રેમ અને ટાવર ગાર્ડનને ઓનલાઈન વેચી રહી છે. અંદાજે 400 છોડ વાળા 10 ટાવરની કિંમત એક લાખની આસપાસ થાય છે. આ કિંમતમાં ટાવર, સિસ્ટમ અને જરૂરી પોષક તત્વોનો સમાવેશ થાય છે. આ 10 ટાવર અગાસીના 150 થી 200 સ્કવેર ફૂટમાં સરળતાથી આવી જાય છે. 10 ટાવરની મદદથી 2000 કિલો વાર્ષિક ઉત્પાદન મળી જાય છે.  આ ટેકનીકથી ઉત્પાદન ત્રણ થી પાંચ ગણુ વધી જાય છે. આ ટેકનીકમાં પ્રારંભિક ખર્ચ વાધુ આવે છે પરંતુ પછી ખર્ચ ઘટતા નફો વધી જાય છે.

કર્મચારી જ નહીં શિક્ષકો પણ નિવૃત્ત થાય છે...

ગુજરાતના સચિવાલયમાં જેમ કર્મચારીઓની નિવૃત્તિ વય નજીક આવતી જાય છે તેમ શૈક્ષણિક સંસ્થાઓમાં પણ સ્ટાફની નિવૃત્તિ વય નજીક આવતી જાય છે. ગુજરાત સરકારમાં દર વર્ષે સરેરાશ 18000 કર્મચારીઓ નિવૃત્ત થાય છે તેમ સરકારી સ્કૂલો તેમજ ગ્રાન્ટેડ સ્કૂલોમાં દરવર્ષે 2500 થી 3000 કર્મચારી નિવૃત્ત થાય છે. સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં મોટી સંખ્યામાં શિક્ષકો, આચાર્ય અને બિન શૈક્ષણિક વર્ગના કર્મચારીઓ નિવૃત્ત થાય છે. આ વખતે પણ 2000નો સ્ટાફ નિવૃત્ત થવાનો છે જ્યારે 1500નો સ્ટાફ સરકારી સ્કૂલોમાંથી નિવૃત્ત થશે. સરકારમાં નિવૃત્તિની સામે નવી ભરતીની પ્રક્રિયા એટલી બધી ધીમી હોય છે કે શિક્ષણ સ્ટાફને ખાલી જગ્યાના કારણે મુશ્કેલી થાય છે. એક શિક્ષક ત્રણ વર્ગમાં અભ્યાસ કરાવે છે. ઘણી સ્કૂલોમાં આચાર્યની જગ્યા ભરાતી નથી તેથી મુખ્ય શિક્ષકને કાર્યકારી આચાર્ય બનાવી દેવામાં આવતા હોય છે. શિક્ષણ વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે હાલમાં રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની અઢી હજાર જેટલી જગ્યા ખાલી છે અને બીજા વધુ આચાર્યની જગ્યા ખાલી પડી છે. દર વર્ષે 1લી જૂને તથા 31મી ઓક્ટોબરે મોટી સંખ્યામાં શિક્ષક સહિતના કર્મચારીઓ નિવૃત્ત થયા હોય છે. એક બાજુ ગ્રાન્ટેડ શાળાઓમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો-આચાર્યો નિવૃત્ત થાય છે અને તેની સામે શાળાઓમાં નવી ભરતી કરાતી નથી. એવી જ રીતે સરકારી પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં પણ દર વર્ષે 1500ની જગ્યા ખાલી પડે છે.

ગુજરાતનો રેકોર્ડ ટૂંક સમયમાં તૂટી શકે છે...

ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને સરકારે એટલું પોપ્યુલર બનાવી દીધું છે કે દેશ-વિદેશના પ્રવાસીઓ આ સ્ટેચ્યુને જોવા માટે આવે છે. સરકારનો દાવો છે કે 182 મીટરનું સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વિશ્વમાં સૌથી ઉંચું છે. જો કે આ દાવા સામે ભારત અને ચીન પડકાર ફેંકી શકે છે. વિશ્વના દેશો પૈકી ઇઝરાયલમાં 28 મીટરનુ એક સ્મારક છે. રશિયામાં 91 મીટરનું સ્મારક છે અને અમેરિકામાં 93 મીટરનું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી છે. ચાઇનામાં 108 અને 128 મીટરના બે સ્ટેચ્યુ છે. જો કે હાલ વિશ્વનું સૌથી ઊંચુ સ્મારક ચીનના સિચુઆનના લુશાન કાઉન્ટીમાં આવેલું બુદ્ધાનું સ્પ્રિંગ ટેમ્પલ છે જેની ઊંચાઇ 208 મીટર છે. ડુંગર ઉપર બનાવવામાં આવેલા સ્મારકનું બાંધકામ 2008માં પૂરૂં થયું હતું. જેની મૂળ ઊંચાઇ 153 મીટર હતી પરંતુ જે ડુંગર ઉપર આ સ્મારક બનાવવામાં આવ્યું છે તેને પુનઃઆકાર આપીને પ્લેટફોર્મ બનાવવામાં આવતા આ સ્મારકની ઊંચાઇ 208 મીટર થઇ હતી. આપણે ગૌરવ લઇએ છીએ કે 182 મીટરની ઉંચાઇનું સ્ટેચ્યુ માત્ર ગુજરાત પાસે છે પરંતુ તેવું નથી. આગામી ત્રણ વર્ષ પછી આ સ્ટેચ્યુ નાનું પડશે, કેમ કે મહારાષ્ટ્રના મુંબઇના દરિયામાં શિવાજી મહારાજનું જે સ્ટેચ્યુ બને છે તેની ઉંચાઇ 192 મીટર થી વધારીને 210 મીટર રાખવામાં આવી રહી છે. ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી બાંધવાનો કુલ ખર્ચ 3000 કરોડ થયો છે,  જ્યારે મુંબઇમાં શિવાજીના સ્ટેચ્યુનો ખર્ચ 4000 કરોડ થવાનો છે. મરીન ડ્રાઇવ પાસે અરબી સમુદ્રમાં 16 એકર જમીન આ સ્ટેચ્યુ માટે ફાળવવામાં આવી છે. મજાની વાત એવી છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવનાર એલએન્ડટી કંપની શિવાજી મહારાજનું પણ સ્ટેચ્યુ બનાવી રહી છે.

મેટ્રો રેલ મંજૂર પણ કામ શરૂ થયું નથી...

અમદાવાદની મેટ્રોરેલનો પ્રોજેક્ટ હજી 2020ના અંત સમયમાં પૂર્ણ થવાનો છે ત્યારે ગાંધીનગરને મેટ્રોરેલ માટે 2022માં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી સુધી રાહ જોવાની રહેશે, કારણ કે કેન્દ્ર સરકારની મંજૂરી પછી પણ ગાંધીનગરમાં મેટ્રોરલનું કામ શરૂ થયું નથી. સચિવાલયના સૂત્રો કહે છે કે ગાંધીનગરમાં મહાત્મા મંદિર, ગિફ્ટ સિટી અને અક્ષરધામ સુધીના વિસ્તારને મેટ્રોરેલમાં આવરી લેવામાં આવનાર છે. પાટનગરમાં જગ્યા હોવાથી મેટ્રો રેલ એલિવેટેડ નહીં હોય પરંતુ સરકારે મેટ્રોના સ્ટેશનો ઘડાડી દીધા છે. બીજા તબક્કાના મેટ્રોરેલ પ્રોજેક્ટમાં કુલ ખર્ચ 6800 કરોડનો થાય તેમ છે પરંતુ સમય વધી જાય તો આ ખર્ચ અને પ્રોજેક્ટ પૂર્ણ કરવાની મુદ્દતમાં વધારો થઇ શકે છે. ગાંધીનગરમાં મેટ્રોરેલની લંબાઇ 34.59 કિલોમીટર હતી પરંતુ ઘટાડીને 28.26 કિલોમીટર કરી દેવામાં આવી છે.  બીજા તબક્કામાં કામ શરૂ થાય તે પછી આ યોજના ચાર વર્ષમાં પુરી થવાની ધારણા રાખવામાં આવી છે. એટલે કે ગાંધીનગરને હજી મેટ્રો રેલ માટે વિધાનસભાની ચૂંટણી સુધી રાહ જોવાની રહેશે.

જાહેર સાહસોની લોન સામે વ્યાજદર...

ગુજરાત સરકારના જાહેર સાહસોને લોનની જરૂરિયાત હોય તો રાજ્યનું ફાયનાન્સ ડિપાર્ટમેન્ટ 11.5 ટકાના વ્યાજદરે લોન આપતું હતું પરંતુ હવે લોનના દર થોડાં ઓછા કરવામાં આવ્યા છે. હવે સરકાર તેના જાહેર સાહસોને વાર્ષિક 11 ટકાના દરે લોન આપશે. છેલ્લા બે વર્ષમાં સરકારે જાહેર સાહસો પાસેથી 11.5 ટકાના દરે વ્યાજ લીધું છે પરંતુ આ વર્ષે 11 ટકાના દરે વ્યાજ ભરવાનું રહેશે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:38 am IST)
  • અમદાવાદના મહિલા મેયર તરીકે બીજલ પટેલઃ અમોલ ભટ્ટ સ્ટેન્ડીંગ ચેરમેનઃ ડે. મેયર તરીકે દિનેશ મકવાણાની વરણીઃ શાસક પક્ષના નેતા તરીકે અમિતભાઇ શાહને જવાબદારી access_time 11:32 am IST

  • ગૌરી લંકેશના શંકાસ્પદ હત્યારાઓના હિટલિસ્ટમાં બીજા અનેક લોકોના નામ હોવાનું ખુલ્યું : એસઆઇટીના સુત્રોએ કહ્યું કે,હિટલિસ્ટમાં ગિરીશ કર્નાડ ઉપરાંત જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા નેતા, સાહિત્યાકર બીટી લલિતા નાઇક, નિદુમામિડી મઠના પ્રમુખ વીરભદ્ર ચન્નામલ્લા સ્વામી અને બુદ્ધિજીવી સીએસ દ્વારકાનાથનો સમાવેશ access_time 12:55 am IST

  • આજથી સમગ્ર વિશ્વમાં ફુટબોલ ફીવરઃ ફીફા વર્લ્ડકપનો પ્રારંભઃ ૧૧ શહેરના ૧૨ સ્ટેડિયમોમાં રમાશે ૬૪ મેચઃ રશિયામાં ઉત્સાહનું મોજુઃ પ્રથમ મેચ યજમાન રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે access_time 11:31 am IST