Gujarati News

Gujarati News

News of Monday, 2nd October 2017

સરકારી મહેમાન

યે કયા હો રહ હૈઃ સચિવાલયથી આદેશ છૂટે છે પણ જિલ્લા-તાલુકા લેવલે ડસ્ટબીનમાં જાય છે

નોટબંધી, GST, બેકારી, મોંઘવારી, એન્ટી ઇન્કમબન્સી ફેકટર, ભાજપ સામે પડકારઃ સંજોગોએ જેમને ચીફ મિનિસ્ટર બનાવ્યા છે તેમની પાસે રિમોટ કન્ટ્રોલ રહ્યાં નથીઃ હું વિકાસ છું, હું છું ગુજરાત... બાત કુછ હજમ નહીં હુઇ - BJP બેકફુટ પર કેમ?!!

 

ભાજપના હાલના શાસમાં ગુજરાતના વહીવટી તંત્રને લૂણો લાગ્યો છે. જિલ્લા અને તાલુકા કક્ષાએ સચિવાલયથી છૂટેલા આદેશોને માન મળતું નથી. વિભાગમાંથી થયેલા ઓર્ડર પ્રમાણે સ્થાનિક વહીવટી તંત્રમાં કામ થતું નથી. કેબિનેટના મંત્રીઓ કે વિભાગના વડા તરફથી મોકલવામાં આવેલા સંદેશાનું પાલન થતું નથી, પરિણામે સરકારી કામગીરી ઠપ્પ થઇ ગઇ હોય તેવો માહોલ છે. સચિવાલયમાં જાણે કે અધિકારી રાજ ચાલતું હોય તેમ લાગે છે. ઉપરથી તૈયાર થતી ફાઇલ જિલ્લા વહીવટી તંત્રમાં જાય છે પરંતુ તે બદલાઇને પાછી આવે છે. ઉઘોગોના વિવિધ પ્રશ્નો કે અરજદારોની રજૂઆતો પરત્વે ધ્યાન અપાતું નથી. ગુજરાતમાં મોદીએ ૧૪ વર્ષ શાસન કર્યું છે પરંતુ પહેલા દિવસના (૭ ઓકટોબર ૨૦૦૧) મોદીના વહીવટી પ્રવચન થી લઇને છેલ્લા દિવસ (૨૨ મે ૨૦૧૪) ના રોજ કે જયારે તેમણે મુખ્યમંત્રીનું પદ છોડ્યું ત્યાં સુધી તેમના તમામ આદેશોનું પાલન ૪૮ કલાકમાં થયું છે. મોદીએ ૪૬૧૦ દિવસ શાસન કર્યું છે પણ એવી કોઇ ફરિયાદ જોવા મળી નથી. આજે ૪૮ દિવસ પછી પણ નીચેથી કોઇપણ ફાઇલ પોઝિટીવ થઇને આવતી નથી. અરજદારોને - યસ કે નો - માં જવાબ આપવાની જગ્યાએ ફાઇલને પેન્ડિંગ ગણીને લટકાવી રાખવામાં આવે છે. ૧૫ થી ૪૫ દિવસમાં અરજદારને તેના કામનો જવાબ મળી જશે તેવા જીઆર કરવામાં આવ્યા છે પરંતુ સચિવાલયમાં એવી ફાઇલો પણ છે કે જેમાં બે વર્ષે પણ અરજદારને જવાબ મળ્યા નથી. પ્રગતિશીલ સરકારની આ દિશા છે.

સંજોગોએ ગુજરાતને ત્રણ સીએમ આપ્યા છે...

૧૯૯૫ પછી સંજોગોએ ગુજરાતને ત્રણ મુખ્યમંત્રીની ભેટ આપી છે. ગુજરાતમાં વિજય રૂપાણીની સરકાર એ કેશુભાઇ પટેલ પછીની સુરેશ મહેતાની અને શંકરસિંહ વાઘેલા પછીની દિલીપ પરીખની સરકારની યાદ અપાવે છે. સુરેશ મહેતાએ ૩૩૪ દિવસ શાસન કર્યું હતું જયારે દિલીપ પરીખે માત્ર ૧૨૮ દિવસ શાસન કર્યું છે. શંકરસિંહે બીજો બળવો કરતાં સુરેશ મહેતાએ અને કોંગ્રેસે ટેકો પાછો ખેંચી લેતાં રાષ્ટ્રી જનતા પાર્ટી- રાજપા- ની સરકારે રાજીનામું આપવું પડ્યું હતું. બન્ને સરકારોમાં નેતૃત્વ પરિવર્તન કરવું પડ્યું છે. ૨૦૧૬માં ભાજપમાં આનંદીબહેન પટેલને રાજીનામું આપવું પડ્યું અને નેતૃત્વ પરિવર્તનમાં વિજય રૂપાણીની સરકાર આવી છે. બહેને ૮૦૮ દિવસ શાસન કર્યું છે. જો કે દિલીપ પરીખની સરકારમાં શંકરસિંહ સુપ્રિમો હતા અને રૂપાણીની સરકારમાં અમિત શાહ સુપ્રિમો છે. આ બન્ને મુખ્યમંત્રીમાં આ એક સામ્યતા છે. રૂપાણી સંગઠનના એક લિડર તરીકે બેસ્ટ છે. સીધા, સરળ અને મળતાવડા મુખ્યમંત્રી છે. તમામ લોકોને એકચિત્ત્।ે સાભળે છે પરંતુ તેઓ કયારેક જાતે નિર્ણયો લઇ શકતા નથી. જો તેમને સરકાર ચલાવવાનો છૂટો દોર આપવામાં આવે તો તેઓ મોદીની જેમ શાસનમાં રિઝલ્ટ ઓરિયેન્ટેડ બની શકે તેમ છે. રૂપાણી પાસે સરકાર ચલાવવાના આઇડિયા છે. બ્યુરોક્રેસીને કન્ટ્રોલ કરી શકે તેવી કેપેસિટી છે. હિતેન્દ્ર દેસાઇ જેવું સરળ શાસન આપી શકે છે. લોકપ્રિયતાને પણ તેઓ જાળવી શકે છે, પરંતુ તેમને વહીવટમાં છૂટો દોર આપવો પડે...

ભાજપના ચોથીવારના વિજય સામે પડકારો...

નવા મતદારો ભાજપ સાથે હોવાં છતાં પાર્ટીના વિજય સામે બાર ચેલેન્જ ઉભી છે. આ ૧૨ પડકારોમાં મુખ્ય પડકાર મોંઘવારીનો છે. જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ તેમજ પેટ્રોલ-ડિઝલના ભાવ આસામાને હોવાથી મતદારો નારાજ છે, મોદીએ ૨૦૧૪માં અચ્છે દિનનો નારો આપ્યો હતો પરંતુ સામાન્ય જનતા માટે બુરે દિન શરૂ થયા છે. નોટબંધી અને જીએસટીના કારણે લોકોની ખરીદશકિત ઘટી છે. વેપારીવર્ગ ભાજપની નિતીઓથી પરેશાન છે. વિવિધ સમાજનો અસંતોષ ચરમસીમાએ છે. યુવાનોમાં બેકારી અને નોકરી ગુમાવવાની સમસ્યા ઉભી થઇ છે. પોષણક્ષણ ભાવ ન મળતાં ખેડૂત વર્ગ વધારે મુશ્કેલીમાં છે. સરકારના વહીવટી પ્રત્યે અરજદારોની નારાજ છે. સત્ત્।ાનો અહંકાર સૌથી મોટી સમસ્યા છે. માઇક્રો અને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ મરી પરવારી છે. કારખાનાં બંધ થઇ રહ્યાં છે. પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ અને ઓબીસી સમાજના યુવા નેતા અલ્પેશ ઠાકોર મોટો પડકાર છે. કોંગ્રેસના નેતાઓની ભરતીને કારણે પાયાના કાર્યકરોમાં હતાશા છે.

ગુજરાતમાં કોંગ્રેસની સતત હારના કારણો...

ગુજરાતમાં ભાજપે વિકાસ મોડલ ઉભું કર્યું છે પરંતુ તેને વિકાસ ગાંડો થયો છે તેમ કહીને કોંગ્રેસે પ્રથમવાર ભાજપને કિલનબોલ્ડ કર્યું છે. સોશ્યલ મિડીયામાં પહેલીવાર કોંગ્રેસે આક્રમક પ્રચાર શરૂ કર્યો છે. આ વખતે એન્ટી ઇન્કમબન્સી ફેકટર હોવા છતાં કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ મુખ્ય છે. છેલ્લી ઘડીએ ઉમેદવારો જાહેર કરવાની નિતીના કારણે ટીકીટ વિતરણમાં ડખ્ખા થાય છે, પરિણામે સત્ત્।ાવાર ઉમેદવાર સામે બળવાખોરો બાજી ઉલ્ટી કરી નાંખે છે. કોંગ્રેસને ભાજપના સ્થાનિક નેતાઓથી નહીં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી પ્રેસિડેન્ટ અમિત શાહથી વધારે ડર લાગે છે. આ બન્ને નેતાઓ છેલ્લી ઘડીએ પરિણામ બદલી નાંખતા હોય છે. કોંગ્રેસ પાસે કાર્યકરો નથી, જે છે તેઓ ચાર્જ નથી. જિલ્લા સંગઠન વેરવિખેર છે. કેડરબેઝ કાર્યકરોની ફોજ ચૂંટણી મેદાનમાં નથી. ગુજરાતમાં કોંગ્રેસ પાસે મુખ્યમંત્રીના દાવેદાર એવા પ્રભાવી નેતાની ખોટ  છે. કોંગ્રેસના મતદારોમાં ગાબડાં પડાવવા અપક્ષો અને અન્ય પાર્ટીઓ મેદાનમાં ઉતરી જાય છે. ભાજપની સરખામણીએ ચૂંટણીમાં નાણાંની પ્રવાહિતા ખૂબ જ અલ્પપ્રમાણમાં છે.

પાર્ટી સંગઠન નહીં વહીવટી તંત્ર મેદાનમાં છે...

ગુજરાતમાં છેલ્લી ત્રણ વિધાનસભા અને એક લોકસભાની ચૂંટણીમાં જોવામાં આવ્યું છે કે ભાજપનું સંગઠન નહીં પણ સરકારનું વહીવટી તંત્ર ઉમેદવારોને વિજયી બનાવવામાં મોટો ફાળો આપે છે. ખાસ કરીને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ સ્થાનિક પોલીસનો રોલ ખૂબ અગત્યનો હોય છે. છેલ્લા કેટલાક દિવસોથી વહીવટી તંત્રમાં જે ફેરફારો થયા છે તેમાં પોલિટીકલી ચેઇન્જ દેખાય છે. જિલ્લા કલેકટરો થી માંડીને જિલ્લા પોલીસ અધિક્ષક સુધીના ઓફિસરોનું પોસ્ટીંગ એવી રીતે થયું છે જેઓ ચૂંટણીમાં મહત્વનો ભાગ ભજવી શકે. ભાજપ સમર્થિત ઓફિસરોની ફોજ ચૂંટણીની બોર્ડર પર મૂકી દેવામાં આવી છે. આ ફોજ મતદારોને મેનેજ પણ કરી શકે છે. મોદીના શાસનમાં ત્રણ વિધાનસભાની ચૂંટણીમાં રાજયના વહીવટી તંત્રએ પ્રાઇમ રોલ અદા કર્યો છે જેનો ફરી એકવાર ઉપયોગ થઇ રહ્યો છે. આ ઉપયોગ સિફતપૂર્વક કરવામાં આવે છે, કેમ કે રાજકીય કામગીરીમાં અધિકારીઓને સામેલ કરી શકાતા નથી. ચૂંટણી પંચની નજર ચૂકવીને આ સિસ્ટમ ગોઠવવી પડતી હોય છે. આ કામ માઇક્રોપ્લાનિંગના અંચળા હેઠળ માત્ર ભાજપ જ કરી શકે છે.

જયોતિષના મતે મોદીના ગ્રહો ખરાબ ચાલે છે...

જયોતિષની દ્રષ્ટિએ આગામી એક વર્ષ મોદી માટે ખરાબ છે. તેમની સરકારમાં અસંતોષની માત્રા વધતી જશે. સરકાર ચલાવવામાં તેમના પાસા અવળા પડી શકે છે. મોદીનો ગ્રાફ નીચે ઉતરી રહ્યો છે તેનો અણસાર તેમની પાર્ટીના સિનિયર લિડરો તેમજ એનડીએની સહયોગી પાર્ટીના નેતાઓ તરફથી મળી રહ્યાં છે. વાજપેયી સરકારના નાણાંમંત્રી યશવંતસિંહાએ જીએસટી અને નોટબંધીના નિર્ણયની તીવ્ર આલોચના કરી છે. સંઘ સુપ્રિમો મોહન ભાગવતે તો કહ્યું છે કે ભારતના ખેડૂતો દુખી છે. તેમણે સરકારની આર્થિક નિતીઓની ટીકાઓ કરી એવું ભયસ્થાન વ્યકત કર્યું છે કે દેશના નાના ઉઘોગોને મોટું જોખમ ઉભું થયું છે. યુવાનોને રોજગારીના મુદ્દે સરકારના પ્રયાસોને નાકામયાબ બતાવ્યા છે. બીજી તરફ શિવસેનાએ વ્યંગબાણનો મારો ચલાવ્યો છે. શિવસેનાના સુપ્રિમો ઉદ્ઘવ ઠાકરે અને ભાજપના સિનિયર નેતા શત્રુધ્નસિંહા યશવંતસિંહાની પડખે છે. ઠાકરે એ કહ્યું કે મોદી વિચારો અને સિદ્ઘાંતો સાથે મનમેળ નથી તેવી પાર્ટીને એનડીએના સમર્થકો બનાવે છે. મનસે ના સુપ્રિમોએ મોદીની બુલેટ ટ્રેનની ટીકા કરી છે અને કહ્યું છે કે અમે મુંબઇ કે મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેનને પ્રવેશવા નહીં દેવાય.

ભાજપના ચૂંટણી સ્લોગન હજી જામતા નથી...

ભાજપે અત્યાર સુધીમાં ચૂંટણી કેમ્પેઇનના ચાર સૂત્રો બદલ્યા છે. પહેલું સૂત્ર 'ગરજે ગુજરાત' આપ્યું હતું પરંતુ તેની નેગેટીવ ઇફેકટ આવતાં પાર્ટીએ 'અડીખમ ગુજરાત' સ્લોગન આપ્યું હતું પરંતુ તે પણ ચાલ્યું નહીં એટલે 'વિસર્જન કોંગ્રેસ' આપ્યું પણ તેમાં ખામી જણાતા છેવટે ચૂંટણી કેમ્પેઇનની કીટ શરૂ કરી ત્યારે 'હું વિકાસ છું, હું છું ગુજરાત' એવું સૂત્ર આપ્યું છે. પાર્ટી સૂત્રો કહે છે કે- આ ફાઇલન સ્લોગન છે અને પાર્ટી તે દિશામાં આગળ વધી રહી છે, જયારે કોંગ્રેસે 'નવસર્જન ગુજરાત'નો નારો આપ્યો છે. કોંગ્રેસે ભાજપને ખાળવા માટે બે સ્લોગન આપ્યા છે તેમાં 'વિકાસ ગાંડો થયો છે' અને 'મારા હાળાં છેતરી ગયા' એ કમાલ કરી બતાવી છે. સોશ્યલ મિડીયામાં આ સ્લોગનો લોકોની જીભે રમતાં થઇ ગયા છે. ભાજપની કેમ્પેઇન એડ અસરકારક છે પરંતુ તેની થીમ નવી બોટલમાં જૂનો શરાબ જેવી છે. કોમી તોફાનો અને કરફયુ જેવી ઘટનાઓ ૨૭ વર્ષ પહેલાંની છે. વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણીમાં પ્રથમ વખત ૧૧.૬૫ લાખ યુવા મતદારો મતદાન કરશે. આ મતદારોની ઉંમર ૧૮ થી ૧૯ વર્ષની છે. બીજી તરફ ગુજરાતમાં ૨૯ વર્ષ સુધીની વય ધરાવતા મતદારોની સંખ્યા એક કરોડ ક્રોસ કરી ગઇ છે. આ લોકોએ તો કોંગ્રેસનું શાસન જોયું જ નથી.

એક પ્રશ્નમાં કર્મચારી ચાર વાર ફેઇલ થયા...

ગુજરાત સરકારના એક એવા કર્મચારી છે કે જેઓ જીપીએસસીની એકઝામમાં ચાર વાર ફેઇલ થયા છે. ફેઇલ થવું તે કંઇ નવું નથી પરંતુ એક જ પ્રશ્નમાં ચાર ટ્રાયલ મારવી તે આશ્યર્યજનક છે. ઇન્ટરવ્યુ પેનલમાં બેઠેલા સભ્યએ ચાર વખત એકનો એક પ્રશ્ન પૂછ્યો પણ એ કર્મચારી જવાબ આપી શકયા નહીં. ચાર વાર તેમણે ખોટો જવાબ આપ્યો હતો. આ કર્મચારી પ્રમોશનથી વંચિત રહી ગયા છે. કોઇ વિઘાર્થીને એક પ્રશ્ન પૂછવામાં આવે તો બીજીવાર તૈયારી કરતાં એ પ્રશ્નનો જવાબ રેફર કરતો હોય છે પરંતુ આ કર્મચારી સતત ચાર વખત એકના એક પ્રશ્નનો જવાબ આપી શકયા નહીં. આપણા વહીવટી તંત્રની આ નબળાઇ કહેવી કે નહીં શિખવા માટેનું વલણ- એ ગુજરાતની જનતાએ જ સાબિત કરી આપવાનું છે.

-: આલેખન :-

ગૌતમ

પુરોહીત

gpurohit09@gmail.com

 

(10:44 am IST)
  • મહારાષ્ટ્રની હિંસાનો પાટણમાં ગઈકાલે પડઘોઃ બામસેફના કાર્યકરોનું વિરોધ પ્રદર્શનઃ ચાણસ્મા-રાધનપુર હાઈવે પર ચક્કાજામ ,ટોળાએ ટાયર સળગાવી ચકકાજામ કયોઃ પોલીસે ટોળાને વિખેરી હાઇવે ખુલ્લો કર્યો access_time 11:24 am IST

  • દલીતો ઉપરના અત્યાચારના વિરોધમાં ધોરાજીમાં એક યુવકે શર્ટ કાઢીને નવતર વિરોધ વ્યકત કર્યો હતો અને ગળામાં માટીની માટલી પહેરીને સરકાર સામે આક્રોશ વ્યકત કરીને દલીતો ઉપર અત્યાચાર બંધ કરોના નારા લગાવ્યા હતા access_time 5:29 pm IST

  • લોકસભામાં એક લેખિત જવાબમાં, રેલવેના રાજ્ય પ્રધાન રાજન ગોહૈને જણાવ્યું હતું કે ટિકિટ બુકિંગ માટે આધાર નંબર ફરજિયાત બનાવવા માટે કોઈ દરખાસ્ત નથી. જો કે, 1 જાન્યુઆરી, 2017થી વરિષ્ઠ નાગરિકો માટે રાહતભાવની રેલવે ટિકિટોના બુકિંગ માટે આધાર નમ્બરની નોંધણી સ્વૈચ્છિક ધોરણે રજૂ કરવામાં આવી છે. access_time 10:00 am IST