Gujarati News

Gujarati News

News of Wednesday, 25th July 2018

કેનેડાના ટોરોન્ટોમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરનો 13 મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો : રામચરિત માનસ કથા, અભિષેક, રુદ્રયાગ, અન્નકૂટ, સહિતના ઉત્સવો ઉજવાયા

ટોરોન્ટો: પ.પૂ.ધ.ધૂ. 1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીના દિવ્ય આશીર્વાદ, સહકાર અને આજ્ઞાથી તેમજ શાસ્ત્રી સ્વામી પ્રભુચરણદાસજી તથા લોકેશસ્વામીના ભગીરથ પુરુષાર્થથી શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ, ટોરોન્ટોમાં બિરાજતા શ્રી લક્ષ્મીનારાયણ આદિ દેવોનો 13મો વાર્ષિક પાટોત્સવ તા. 12-7-2018 થી 15-7-2018 દરમિયાન ધામધૂમથી ઉજવવામાં આવ્યો. સદર પાટોત્સવ દરમિયાન વિવિધ કાર્યક્રમો જેવા કે કથા, અભિષેક, રુદ્રયાગ, રામજન્મોત્સવ, અન્નકૂટ વગેરે ધામધૂમથી ઉજવવામાં આવ્યા.  તેમજ પારાયણ દરમિયાન રાખવામાં આવેલા વિવિધ પ્રસંગોએ યજમાનોએ પોતાનું આર્થિક, શારીરિક અને માનસિક યોગદાન આપ્યું, જેમાં પાટોત્સવના મુખ્ય યજમાનપદે મુકેશભાઈ તથા ધૃતિબેન મોદી પરિવાર અને કથાના મુખ્ય યજમાનપદે અરુણભાઈ શેલડીયા પરિવાર યજમાનપદે રહી ભાવિક ભક્તોએ અને સત્સંગીઓ દ્વારા અનેરો લ્હાવો લઇ પોતાની જાતને ધન્ય બનાવી.

શાસ્ત્રી સ્વામી વિવેકસાગર સ્વામીએ પાટોત્સવ દરમિયાન વ્યાસપીઠ ઉપર બિરાજી રામચરિત માનસગંગાનું વિવિધ પ્રસંગો, ઉદાહરણો દ્વારા રામાયણમાં આવતા દિવ્ય ચરિત્રોનું  જ્ઞાન સાથે ગમ્મત આપી ભાવિક ભક્તોને રસપાન કરાવ્યું. કથા દ્વારા કથાનું મહત્વ દર્શાવતા એવી અનુભૂતિ કરાવી કે કથાના માધ્યમથી જીવન જીવવાની રીત શીખાય, જીવન મળ્યું છે તો તેને જીવતા શીખવું, કથા દ્વારા માનવીના સ્વભાવ અને પ્રકૃતિમાં પરિવર્તન આવે છે, તેમજ જીવાત્માને ભ્રમ દૂર કરવા માટેનું માધ્યમ બની રહે. સંતોનો સત્સંગ અને શાસ્ત્રોની કથાવાર્તા દ્વારા જીવનું પોષણ થાય છે.  

રામચરિત માનસ ગંગા” માં આવતાં દિવ્ય ચરિત્રો દ્વારા માં-બાપ, સંત, સંતાનો, સગાસંબંધીઓ, ગુરુ, સેવક વગેરેની શું ફરજ હોઈ શકે તુલસીદાસજીએ  ચરિતાર્થ કર્યું છે. જે રામચરિત માનસ ગંગાના દિવ્યચરિત્રો સાંભળે, તેનું મનન કરે, ચિંતવન કરે તેના પર પરમાત્માનો રાજીપો થાય. જે જીવાત્મા ઉત્સવો કરે, કથા શ્રવણ કરે તે જવાત્માનું કલ્યાણ થાય તેમજ શ્રેયને પામે. કથામાં માત્ર તન બેસે જરૂરી નથી, મન પણ બેસવું જોઈએ. કથાને આપણામાં બેસાડીએ તો તે કથા અલૌકિક બની જાય. કથા કાનથી પિવાવી જોઈએ. જે કથાને પીએ તેની ઉધ્વર્ગતિ થાય છે. અંત:કરણ અને આત્માની શાંતિ માટે રામાયણ ગ્રંથની રચના કરવામાં આવી છે. ભગવાનની કૃપા અને ભક્તનું પુણ્ય હોય તેને મનુષ્યત્વ, મુમુક્ષત્વ અને મહાપુરુષનો સત્સંગ પ્રાપ્ત થાય. માટે આપણા આત્માને બળવાન અને પવિત્ર બનાવવા કથા, પ્રાર્થના અને ઉત્સવોનું આયોજન થાય છે. રામ જન્મ થવાના પાંચ કારણો તુલસીદાસે બતાવ્યા.  1. સનકાદિકનો શાપ. 2. જલંધરનો શાપ- તુલસી-વૃંદાનો શાપ 3. નારદજીનો શાપ. 4. સત્યકેતુ-પ્રતાપભાનુને બ્રાહ્મણોનો શાપ અને 5. મનુ અને શત્રુપાનો આશીર્વાદ.

પાટોત્સવના અંતિમ દિવસે ભવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લાડીલા હરિભક્તો દ્વારા વિવિધ વાનગીઓ, મીઠાઈઓ તેમજ ફરસાણ સ્વહસ્તે બનાવી લાવવામાં આવેલ તેમજ સંતો દ્વારા બનાવાયેલ રસોઈનો ભોગ ભગવાનને ધરાવી ભક્તો, સત્સંગીઓ તેમજ સંતોએ ધન્યતા અનુભવી.

સમગ્ર કાર્યક્રમને ટોરોન્ટો ધામના ટ્રસ્ટીઓ પ્રમુખ: અતુલભાઈ પટેલ, મંત્રી: ધવલ પટેલ, ખજાનચી: કમલેશભાઈ પટેલ, કોઠારી રાજુભાઈ પટેલ તથા કારોબારી સભ્યો શૈલેષભાઇ પટેલ, મુકેશભાઈ મોદી, સુમનભાઈ પટેલ, ચેતનભાઈ પટેલ, વિમલભાઈ પટેલ  તથા નિલેશભાઈ પટેલ   દ્વારા અથાગ પુરુષાર્થ કરી પાટોત્સવને સફળ બનાવ્યો. મહોત્સવ દરમિયાન સંતો  દ્વારા સવાર, બપોર અને સાંજે દરરોજ નવી નવી ચટાકેદાર ગુજરાતી વાનગીઓનો રસાસ્વાદ કરાવ્યો. સદર કાર્યક્રમને સંતો, હરિભક્તો અને ભાવિક ભક્તોએ પ્રેમભાવથી હળીમળીને સફળ બનાવ્યો બદલ ટ્રસ્ટી મંડળના હોદ્દેદારો અને કારોબારી સભ્યો દ્વારા હાર્દિક આભાર માનવામાં આવ્યો. કથાની પુર્ણાહુતિ પ્રસંગે શા.સ્વા. પ્રભુચરણદાસજી તથા  શા.સ્વા.વિવેકસાગર સ્વામી દ્વારા સૌ હરિભક્તો અને ભાવિક ભક્તો પર આશીર્વાદની વરસા વરસાવી. તેવું શ્રી પ્રવીણ એમ.પટેલના સંકલન સાથે શ્રી ધવલ પટેલની યાદી જણાવે છે.

(12:35 pm IST)