Gujarati News

Gujarati News

News of Monday, 20th November 2017

અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ તથા તેની પાર્ટીના નેતાઓએ ઇમીગ્રેશન અંગે જે નવા કાયદાઓ બનાવવામાં આવે તેમાં કાયદેસર અગર ગેરકાયદેસર વસાહતીઓ માટે કડક કાયદાઓ બનાવવા અનુરોધ કરતા ડાકા અંગે ચાલતી દ્વિપક્ષી મંત્રણાઓ ઘોંચમાં પડીઃ ડાકાનો કાયદો રદ થયાને બે માસ પસાર થયા હોવા છતાં કોઇ પણ પ્રકારના પગલા ન ભરાતા સમગ્ર અમેરિકામાં વસવાટ કરતા તમામ લોકોમાં તીવ્ર અસંતોષની પ્રસરી રહેલી લાગણીઃ રીપબ્‍લીકન પાર્ટીના નેતાઓ પોતાનું અક્કડ વલણ ન બદલે તો અનેક પ્રકારના વિપરીત પરીણામો પ્રજાએ ભોગવવાના રહેશેઃ સેનેટના સભ્‍યોની એક સમિતિની રચના અને તેઓ ડેમોક્રેટીક પાર્ટીના સેનેટના નેતાઓ સાથે ચર્ચા કરી ઉકેલ લાવવાના પ્રયાસ હાથ ધરશે

(સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ અને તેમની પાર્ટી રીપબ્‍લીકન પાર્ટીના નેતાઓએ કાયદેસર અગર ગેરકાયદેસર અંગેના જે નવા નિયમો બનાવવામાં આવે તેમાં સખત પ્રમાણમાં તેનો અમલ થાય તેવી પ્રક્રિયાનો સમાવેશ કરવામાં આવે એવી માંગણી થતા ધ્‍વિપક્ષીય રીતે ડાકાના પ્રોગામ અંગે જે વાતચીતો ચાલતી હતી તે તમામ પ્રક્રિયાઓ હાલમાં ધોચમાં પડેલ છે. અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ડીફર્ડ એકસન ફોર ચાઇલ્‍ડહૂડ એરાયવલ્‍સનો કાયદો જે સમગ્ર અમેરીકામાં ડાકાના ટૂકા હૂલામણા નામથી ઓળખાય છે તેને બે માસનો સમય લગભગ પૂર્ણ થવા આવેલ છે પરંતુ કોંગ્રેસના સભ્‍યોને તે અંગે જરૂરી ઘટતા પગલા ભરવા માટે આટલો બધો સમય આપવા છતાં તેઓએ આ અંગે હજુ સુધી કોઇ પણ પ્રકારના પગલા ભર્યા નથી એ અત્‍યંત ખેદની બાબત છે અને આવતા ડીસેમ્‍બર માસ સુધીમાં જો કોઇ પણ પ્રકારના આગળ પડતાં પગલા ન ભરવામાં આવશે તો સરકારી ખર્ચ માટેનુ જરૂરી ફંડ પ્રાપ્ત ન થઇ શકતા કદાચ તમામ પ્રકારનો સરકારી વહીવટ ઠપ જાયતો નવાઇની વાત નથી.

આ અંગેની વિગતોમાં જાણવા મળે છે તેમ ગયા સપ્‍ટેમ્‍બર માસમાં ડાકાના પ્રોગ્રામને રદ કરતો વહીવટી હુકમ પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે બહાર પાડયો હતો અને છ મહિનામાં તેની અવેજીમાં જરૂરી ઘટતુ કરવા કોંગ્રેસને જણાવ્‍યુ હતું અને આગામી માર્ચ માસની છઠ્ઠી તારીખથી એક અંદાજ અનુસાર સાત લાખ લોકો કે જેઓની નાની વય હતી ત્‍યારે તેઓને અત્રે ગેરકાયદેસર રીતે લાવવામાં આવ્‍યા હતા અને તેઓની વર્ક પરમીટ અથવા દેશ નિકાલ કરવાની અવધી આ સમયે પૂર્ણ થતી હોવાથી તેઓને કોઇ પણ જાતનુ રક્ષણ મળી શકશે નહીં આ અંગે અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ડાકાના લાભાર્થીઓ માટે ડેમોક્રેટક પાર્ટીના નેતાઓ સાથે કંઇક કરી છુટશે એવી ખાત્રી આપી હતી પરંતુ હવે પ્રમુખે કેટલીક કડક શરતો રજુ કરી તે બરાબર નથી એવું ડેમોક્રેટીક પાર્ટીના નેતાઓ માને છે અને આ સમગ્ર પ્રક્રિયા આ નેતાઓને આપવામાં આવેલ ખાત્રીઓની વિરૂધ્‍ધનું વર્તન છે અને તે કોઇ પણ સંજોગોમાં બરદાસ્‍ત કરી શકાય તેમ નથી એવું આ ડેમોક્રેટીક પાર્ટીના નેતાઓનું માનવું છે.

આ અંગે વધારામાં જાણવા મળે છે તેમ ચાલુ વર્ષના સરકારી ખર્ચાની મુદત આગામી ડીસેમ્‍બર માસની ૮મી તારીખ બાદ પૂર્ણ થાય છે અને ડીમર્સો માટે જો રીપબ્‍લીકન પાર્ટીના નેતાઓ તેઓને અત્રે રહેવા માટે જો કાયદાકીય સવલતો ઉપલબ્‍ધ ન કરે તો ફંડ માટેનું જરૂરી બીલમાં રૂકાવટ કરશે અને તેની સમગ્ર જવાબદારી આ પાર્ટીના નેતાઓના શીરે રહેશે એવું ડેમોક્રેટીક પાર્ટીના નેતાઓએ સાફ શબ્‍દોમાં જણાવી દીધેલ છે પરંતુ રીપબ્‍લીકન પાર્ટીના નેતાઓ બજેટ અને ઇમીગ્રેશનના પશ્નને અલગ અલગ રાખવા માંગે છે પરંતુ બંન્‍ને પાર્ટીઓ આ સમગ્ર પ્રશ્ન અંગે એકમતી નથી કેળવી શકતી.

હાઉસના સ્‍પીકર પૌલ રાયને ગયા મંગળવારના રોજ અમેરીકાની નેશનલ ટી.વી.ચેનલ પર જણાવ્‍યું હતું કે સરકારી ખર્ચના ફન્‍ડીંગ બીલની સાથે ડાકાના પ્રશ્નનો સમાવેશ કરવો યોગ્‍ય નથી. પરંતુ ત્‍યાર બાદ તેમણે બુધવારે રાષ્‍ટ્રિય ટીવી ચેનલ સીએનબીસીમાં જણાવ્‍યું હતું કે અમો ડાકાના સળગતા પ્રશ્નને હલ કરવા ઘટતું કરીશું અને તેની સાથે અનેક પ્રકારના પ્રશ્નો સંકળાયેલા છે અને તેનો પણ ઉકેલ લાવવો જરૂરી છે એવું તેમણે અંતમાં જણાવ્‍યું હતું.

ગયા સપ્‍ટેમ્‍બર માસમાં ઓવલ ઓફીસમાં હાઉસ અને સેનેટના ડેમોક્રેટીક પાર્ટીના નેતાઓ પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પને મળ્‍યા હતા અને તે વેળા ડાકા અંગે ચર્ચા થઇ હતી. પ્રમુખ ટ્રમ્‍પે આ અંગે સહમતી પણ આપી હોવાનું આ બંન્‍ને નેતાઓને લાગ્‍યુ હતુ અને તેમાં વર્ક પરમીટની મુદતમાં વધારો કરવો અને જેઓને ડાકાનું રક્ષણ મળેલ છે તેઓને દેશનિકાલ ન કરવાની બાબતોનો નિર્દેશ હતો અને તેની સાથે સાથે સરહદોના રક્ષણ માટે વધુ ફંડ ફાળવવાની જોગવાઇઓના પણ સમાવેશ થતો હતો.

થોડા સમય બાદ પ્રમુખ ટ્રમ્‍પે કેટલીક વધુ શરતો દ્વારા માંગણી કરી જેમાં ઇમીગ્રેશનને લગતા અનેક પ્રકારના છે સેનેટના રીપબ્‍લીકન પાર્ટીના બહુમતી પક્ષના નેતા મીચ મેકોનલે પોતાની પાર્ટીના નેતાઓને આ અંગે ઘટતું કરવા જણાવેલ છે અને તેમાં આયોવાના સેનેટર ચક ગ્રાસલી ટેક્ષાસના સેનેટર જોન કોર્નિયન નોર્થ કેરોલીનાના  થોમ ટીલ્લીસ અને સાઉથ કેરોલીનાના લીન્‍ડસી ગ્રેહામનો સમાવેશ થાય છે આ સેનેટરો સમગ્ર પ્રશ્નનો અભ્‍યાસ કરી તે અંગે ઘટતા પગલા ભરાશે એવું હાલના વાતાવરણ પરથી માલમ પડે છે.

સેનેટમાં ડેમોક્રેટીક પાર્ટીના નેતાઓ ચકશ્‍યુમર અને ડીક ડર્બીન છે અને તેઓને રીપબ્‍લીકન પાર્ટીના નેતા લીન્‍ડસી ગ્રેહામ સાથે સારા એવા સંબંધો છે તો આ નેતાઓ સાથે મળીને ચર્ચા વિચારણના અંતે કોઇક ઉકેલ લાવશે એવું ચોક્કસ પણે મનાઇ  રહ્યું છે આથી હવે તમામ લોકોની દ્રષ્‍ટિ આ રાજકીય નેતાઓ તરફ વળેલી જોવા મળે છે અને તે અંગેનું પરીણામ શું આવશે તે તો આવનારો સમય જ કહેશે.

 

(8:50 pm IST)