Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

'જૂઇ મેળો': આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ૮ તથા ૯ માર્ચના રોજ વિશ્વભારતી સંસ્થાન, અમદાવાદ તથા સુવિખ્યાત કવિયત્રી ડો. ઉષા ઉપાધ્યાયના સંયુકત ઉપક્રમે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ સ્ત્રી સર્જકો તથા કલાકારોની ઉત્કૃષ્ટ કલાને યોગ્ય પ્લેટફોર્મ પુરૂ પાડતું અભૂતપૂર્વ આયોજનઃ ૮ વર્ષથી ૮૦ વર્ષ સુધીની ૮૧ મહિલાઓએ વાર્તા, નૃત્ય, નાટક, ચિત્રકલા સહિત વિવિધ કૃતિઓ રજુ કરી

વિશ્વભારતી સંસ્થાન, અમદાવાદ તથા પ્રસિદ્ધ કવયિત્રી ડૉ. ઉષા ઉપાધ્યાય દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ૮ અને ૯ માર્ચે ભવ્ય અને અભૂતપૂર્વ લેખિકાસંમેલન 'જૂઈ-મેળો' કાર્યક્રમ યોજાયો હતો. આ લેખિકા સંમેલનમાં ૮ વર્ષથી ૮૦ વર્ષ સુધીના કુલ ૮૧ ભારતીય મહિલાઓની કવિતા, વાર્તા, સર્જક કેફિયત, શોધ-આલેખ, નૃત્ય, નાટ્ય અને ચિત્રકલાની એક જ મંચ પરથી વિશિષ્ટ રજૂઆત થઈ હતી.

લલિતકળાઓનાં સમન્વિત રૂપને પ્રસ્તુત કરતા 'જૂઈ-મેળો'નાં પ્રણેતા ડૉ. ઉષા ઉપાધ્યાય છેલ્લાં વીસ વર્ષથી ગુજરાતી અને ભારતીય ભાષાઓનાં સ્ત્રી-સર્જકો વિશે અવિરત સંશોધન, વિવેચન અને સંપાદનનું કાર્ય કરી રહ્યાં છે. ઈ.સ. ૨૦૧૮માં ૮મી માર્ચે એમણે અમદાવાદમાં પહેલી વખત લેખિકા સંમેલન 'જૂઈ-મેળો'નું આયોજન કર્યું હતું. દર વર્ષે 'જૂઈ-મેળો' લેખિકા સંમલેનમાં જુદી જુદી ભાષાઓમાં સર્જન કરતાં લેખિકાઓ એકત્રિત થાય અને મંચ-ઉપરથી થતી પ્રસ્તુતિ ઉપરાંત પરસ્પર સાથેના આદાન-પ્રદાનથી એમનાં સર્જનમાં નવાં આયામો ઉમેરાય અને એમની અભિવ્યક્તિ વધારે ને વધારે કળાત્મક બને એ હેતુથી ડૉ. ઉષા ઉપાધ્યાય આ આયોજન કરી રહ્યાં છે.

૮ માર્ચ ૨૦૧૮માં 'જૂઈ-મેળો'નો આરંભ થયો તે પછી એક વર્ષમાં અનેક સંસ્થાઓએ પોતાને ત્યાં 'જૂઈ-મેળો' કવયિત્રી સંમેલન યોજવા માટે ઉષ્માભેર આમંત્રણો આપીને 'જૂઈ-મેળો'ના અનોખા વિચારને વધાવી લીધો હતો. પરિણામે અમદાવાદ, રાજકોટ, ભાવનગર, વલસાડ, ધરમપુર, સાપુતારા અને નેપાળમાં પણ 'જૂઈ-મેળો'નાં કવયિત્રીઓએ કાવ્યપ્રસ્તુતિ કરી હતી. ભાવનગરની સ્વામી સહજાનંદ કૉલેજે તેના પાંચ દિવસના વાર્ષિકોત્સવની ઉજવણીમાં એક આખી સાંજ 'જૂઈ-મેળો' કવયિત્રી સંમેલનને ફાળવી હતી. એ જ રીતે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશના બુકફેરમાં રોજ સાંજે ઓથર્સ કોર્નરમાં યોજાતા કાર્યક્રમમાં પણ 'જૂઈ-મેળો' કવયિત્રી સંમેલનને ગૌરવપૂર્વક આમંત્રણ અપાયું હતું.

તા. ૮, ૯ માર્ચ, ૨૦૧૯માં યોજાયેલો 'જૂઈ-મેળો' ગત વર્ષ કરતાં અનેક રીતે અનોખો હતો. કાર્યક્રમનું ઉદ્ઘાટન ઉડિયા ભાષાનાં પ્રસિદ્ધ સાહિત્યકાર અને દિલ્હીના ઇન્કમટેક્સ કમિશ્નર સુશ્રી પારમિતા શતપથીના વરદ્હસ્તે થયું હતું. બીજભાષણ જાણીતાં અંગ્રેજી સાહિત્યકાર ડૉ. રંજના હરીશે આપ્યું હતું. ઉદ્ઘાટન બેઠકમાં અતિથિવિશેષ તરીકે ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદના વાઇસ ચાન્સેલર ડૉ. અનામિક શાહ, અમેરિકા નિવાસી ઉદ્યોગપતિ તથા સિસ્ટર સ્ટેટ પ્રોજેકટના સહયોગી શ્રી સુરેશભાઈ પટેલ તથા શ્રીમતી ઉર્વશીબહેન પટેલ તેમ જ બ્રિટનના સમાજસેવી લેખિકા લેડી પેરીન સોમાની ઉપસ્થિત રહ્યાં હતાં. દાનવીર શ્રેષ્ઠી શ્રી સુરેશભાઈ પટેલે 'જૂઈ-મેળો' દર વર્ષે નિયમિત યોજાય તે માટે વિશ્વભારતી સંસ્થાનને રૂ. ૧,૧૧,૧૧૧/-નું દાન કોર્પસ ફંડ રૂપે આપવાની જાહેરાત કરીને વિશ્વભારતી સંસ્થાન દ્વારા થઈ રહેલા આ ઉમદા કાર્યને માટે શુભકામના પાઠવી હતી. ઉદ્ઘાટન બેઠકમાં જાણીતાં ચિત્રકાર અને આર્કિટેક્ટ શ્રીમતી તૃપ્તિબહેન દવેના વરદહસ્તે ચિત્રપ્રદર્શનનું ઉદ્ઘાટન થયું હતું.

'જૂઈ-મેળો'ની ઉદ્ઘાટન બેઠકમાં વિશ્વભારતી સંસ્થાન દ્વારા ડૉ. દર્શનાબહેન ધોળકિયા (ઈન. વાઈસ ચાન્સેલર, કચ્છ યુનિવર્સિટી)ને શ્રીમતી હીરાબહેન પાઠક વિવેચન પારિતોષિક (રૂ. ૧૧,૦૦૦/-), સુવિખ્યાત કવયિત્રી શ્રીમતી લક્ષ્મીબહેન ડોબરિયાને કાવ્યકલા કોકિલ-હીરા પારિતોષિક (રૂ. ૧૧,૦૦૦/-) તથા કુ. આયુષી સેલાણીને યુવા ડિજિટલ રાઈટર પારિતોષિક (રૂ. ૫૦૦૦/-) એનાયત કરીને તેમનું સન્માન કરાયું હતું. દર વર્ષે 'જૂઈ-મેળો'માં તેજસ્વી લેખિકાઓને આ પારિતોષિકથી સન્માનવામાં આવશે.

'જૂઈ-મેળો'ના ઉદ્ઘાટન સત્ર પછી સર્જક કેફિયત : ૧ બેઠકમાં ડૉ. દર્શનાબહેન ધોળકિયાના અધ્યક્ષપદે પ્રસિદ્ધ નવલકથાકાર બિન્દુ ભટ્ટ, વાર્તાકાર મીનળ દવે તથા કવયિત્રી પારુલ ખખ્ખર અને પારુલ બારોટે પોતાની સર્જનપ્રક્રિયા વિશે રસપ્રદ વ્યાખ્યાનો આપ્યાં હતાં. ત્યાર પછીની 'ભારતીય નારીલિખિત સાહિત્ય-વિમર્શ : નવલિકા' બેઠકમાં મરાઠી ભાષાના વિદ્વાન સાહિત્યકાર ડૉ. અરૂણા દુભાષીની અધ્યક્ષતામાં ડૉ. નીલમ કુલશ્રેષ્ઠે હિન્દી નવલિકા, ડૉ. ઁીતા ત્રિવેદીએ સંસ્કૃત નવલિકા તથા ડૉ. શ્રદ્ધા ત્રિવેદીએ ગુજરાતી બાળવાર્તામાં લેખિકાઓના પ્રદાન વિશે સંશોધનલેખો રજૂ કર્યા હતા. 'જૂઈ-મેળો'ની ત્રીજી બેઠક બહુભાષી કવયિત્રી સંમેલનની હતી, જેમાં ઝારખંડથી આવેલાં કવયિત્રીઓ ડૉ. અંજુલા મૂર્મુ અને કિરણકુમારી હાંસડાકે સાંથાલી કવિતા, તેમજ ડૉ. સાધના બલવટે (ભોપાલ), ડૉ. ક્રાન્તિ કનાટે (વડોદરા), તથા શ્રીમતી નિશા ચંદ્રા એ હિન્દી કવિતાની રજૂઆત કરી હતી. રૂા ઉપરાંત ડૉ. પ્રીતિ પૂજારાએ સંસ્કૃત, શ્રીમતી મંજુ મહિમાએ રાજસ્થાની તથા રક્ષા શુકલ, દિવ્યા મોદી, કાલિન્દી પરીખ, પ્રજ્ઞા વશી, દિના શાહ, રાજશ્રી બોસમિયા વગેરેએ ગુજરાતી કવિતા રજૂ કરી હતી. ચોથી બેઠક મુક્તમંચ -૧માં નવોદિત અને જાણીતાં પંદર જેટલાં કવયિત્રીઓ નંદિની ઉપાધ્યાય (૮ વર્ષ), કિન્નરી દવે, અનુબહેન મહેતા, ઉમા પરમાર, જ્યોતિ રમાની, પારુલ નાયક, રાજુલ ભણસાલી, જિજ્ઞા મહેતા, ઇશિતા દવે, સ્વાતિ નાયક વગેરેએ કાવ્યો રજૂ કર્યાં હતાં.

તા. ૯ માર્ચે કાર્યક્રમની પાંચમી બેઠક સર્જક કેફિયત-૨માં ડૉ. રસીલા કડિયાની અધ્યક્ષતામાં નીતા શાહ, પ્રજ્ઞા પટેલ, પૂજા તત્સત્ અને ગિરિમા ધારેખાને પોતાની સર્જનપ્રક્રિયા વિશે વિસ્તૃત અને રસપ્રદ વ્યાખ્યાન આપ્યાં હતાં. 'જૂઈ- મેળો'ની છઠ્ઠી બેઠક 'નૃત્ય-નાટ્ય પ્રસ્તુતિ' દર્શકો માટે અવિસ્મરણીય અનુભવ લઈને આવી હતી. કથ્થક નૃત્યના કલાકાર શ્રીમતી શ્રદ્ધા જિજ્ઞેશ બ્રહ્મભટ્ટે સ્ત્રીની સંવેદનાને રજૂ કરતું પાશ્ચાત્ય સંગીત અને કથ્થક નૃત્યનું ફ્યૂઝન અત્યંત ભાવવારી અને હૃદયસ્પર્શી રીતે પ્રસ્તુત કર્યું હતું. કવયિત્રી અને અભિનેત્રી યામિની વ્યાસે સરોજ પાઠકની વાર્તા 'સારિકા પંજરસ્થા' અને ઉષા ઉપાધ્યાયની વાર્તા 'હું તો આ ચાલી' આધારિત મોનોલોગની અત્યંત પ્રભાવક નાટ્ય-પ્રસ્તુતિ કરી હતી. આ સમગ્ર બેઠક દર્શકોએ અપલક નિહાળીને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.

સાતમી બેઠક ડૉ. રન્નાદે શાહની અધ્યક્ષતામાં મુક્તમંચ - ૨ હતી, જેમાં ડો. નલિની પુરોહિત, પ્રતિભા ઠક્કર, વિનીતા એ. કુમાર, સ્મિતા ધ્રુવ, કામિની સંધવી વગેરેએ એમની ગદ્યકૃતિની રજૂઆત કરી હતી. સમાપન બેઠક જાણીતાં કલાવિદ્ નેહા ભટ્ટના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. અતિથિવિશેષપદે ડૉ. અંજના સંધીર, ડૉ. નલિની પુરોહિત તથા શ્રીમતી પ્રતિભા ઠક્કર ઉપસ્થિત રહ્યાં હતાં. 'જૂઈ-મેળો' ૨૦૧૯ વિશે પ્રતિભાવ આપતાં કવયિત્રી લક્ષ્મીબહેન ડોબરિયા અને પ્રજ્ઞા વશીએ આ સમગ્ર આયોજનમાં સાહિત્ય ઉપરાંત અન્ય કળાઓના સમાવેશ અને બહુભાષી લેખિકાઓની ઉપસ્થિતિથી એક કળાસમૃદ્ધ અને પ્રેરક વાતાવરણ રચાયું હોવાનો આનંદ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ગુજરાતમાં નિયમિત રીતે યોજાતાં લેખિકા સંમેલન 'જૂઈ-મેળો' એ સ્ત્રી-સર્જકોને માટે એક અભૂતપૂર્વક મંચ આપ્યો છે. ગુજરાતમાં આવાં અનોખા અને નિયમિત યોજાતાં લેખિકા સંમેલનની ખોટ હતી જે ઉષાબહેન ઉપાધ્યાયે અને વિશ્વભારતી સંસ્થાને પૂરી કરી છે. 'જૂઈ-મેળો'નાં પ્રણેતા ડૉ. ઉષાબહેન ઉપાધ્યાયે એમનાં પ્રાસંગિક વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે આરંભકાળથી જ સંસ્કૃતિના ઘડતરમાં અને વિકાસમાં સ્ત્રીઓનો બહુ મોટો ફાળો રહ્યો છે. પરંતુ ઇતિહાસોમાં એમનાં કામની યોગ્ય નોંધ લેવાઈ નથી. સ્વ. હીરાબહેન પાઠક જેવાં વિદુષીની શતાબ્દી પણ ગુજરાતમાં ઉજવાઈ ન હતી. આ સ્થિતિમાં 'જૂઈ-મેળો' દ્વારા સ્ત્રી-સર્જકો, કલાકારોની ઉત્કૃષ્ટ કળાને સમાજ સુધી પહોંચાડવા અને નવોદિતોને માટે પ્રેરક વાતાવરણ રચવા દર વર્ષે ૮ માર્ચે 'જૂઈ-મેળો' લેખિકા સંમેલન યોજાશે. એમણે વિદેશમાં વસતાં ભારતીય લેખિકાઓને પણ આમંત્રણ આપ્યું છે કે આપ સહુ ૮ માર્ચે ભારતમાંગુજરાતમ ાં હો એ રીતે ભવિષ્યમાં આપનો ભારત-પ્રવાસ ગોઠવશો. 'જૂઈ-મેળો'માં વિદેશવાસી ગુજરાતી, ભારતીય લેખિકાઓને પણ હાર્દિક આમંત્રણ છે.

'જૂઈ-મેળો'ની વિવિધ બેઠકોનું સંચાલન ગુજરાતના જાણીતાં કવયિત્રીઓ ભાર્ગવી પંડ્યા, પારુલ ખખ્ખર, ગોપાલી બુચ, યામિની વ્યાસ, પૂર્વી બ્રહ્મભટ્ટ, રેણુકા દવે, ખ્યાતિ શાહ તથા ઇશિતા દવેએ સંભાળ્યું હતું આ કાર્યક્રમને ગુજરાત કલાપ્રતિષ્ઠાનના શ્રી રમણિક ઝાંપડિયા, ફિલિંગ્સ મેગેઝીનના શ્રી અતુલ શાહ, કેલિફોર્નિયા નિવાસી કવયિત્રી જયક્ષીબહેન મર્ચન્ટ તેમ જ અનેક કલારસિકોનો ઉત્તમ સહયોગ સાંપડ્યો હતો.

(8:46 pm IST)
  • ખુમાનસિંહ ચૌહાણની કોંગ્રેસમાં વાપસી દેશનો યુવાન લાલચમાં ફસાયો છે મનદુઃખ થતા કોંગ્રેસ છોડી હતી : દેશની લોકશાહી અત્યારે ખતરામાં છેઃ કોંગ્રેસમાં ઘરવાપસી પર આનંદ છે : એજન્સીઓનો મોટો દુરૂપયોગ : કોંગ્રેસમાં ફરી પૂર્વવત સક્રિય થશે : ખુમાનસિંહ ચૌહાણ સાવલી - વડોદરાના છે access_time 5:32 pm IST

  • આતંકી હુમલાનો જવાબ ન આપવો જોઈએ : સેના સામે સવાલો ઉઠાવવો કેટલો યોગ્ય? : શ્યામ પિત્રોડાના સવાલો પર અમિત શાહના પ્રહારોઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આતંકવાદ અને અલગવાદ ખતમ કરવા કાર્યવાહી થઈ છે : આતંકી હુમલાનો જવાબ ન આપવો જોઈએ : કોંગ્રેસને સવાલો પૂછતા કહ્યું કે પાકિસ્તાન સાથે વાતચીત કરવા અંગે સહમત છો? રાહુલ ગાંધી દેશની જનતાને જવાબ આપે : સેનાની સામે સવાલો ઉઠાવવા કેટલા યોગ્ય ? રાહુલ ગાંધી જનતાની માફી માગે : યુપીએ સરકારે કેમ પાકિસ્તાન સામે કાર્યવાહી ન કરી access_time 3:18 pm IST

  • શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ૨૬મીએ ભાજપ પ્રવેશ કરશે : સાબરકાંઠામાં વિજય વિશ્વાસ સંમેલનમાં કેસરીયો ખેસ પહેરશે access_time 5:31 pm IST