Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

ઓબામા કેર એક્‍ટને નાબુદ કરવા માટે રીપબ્‍લીકન પાર્ટીના નેતાઓના ધમપછાડાને એક વર્ષ પૂર્ણ થઇ ગયેલ છે પરંતુ આ કાયદો હાલમાં અડીખમ ઉભો છે અને પ્રજાના હૃદયમાં તેટલો જ લોકપ્રિય રહેવા પામેલ છેઃ રીપબ્‍લીક પાર્ટીના નેતાઓ મધ્‍યવર્તી ચૂંટણીમાં અમેરીકન પ્રજા ઓબામાકેર અંગે પ્રશ્નોનો મારો ચલાવે તો મીટીંગમાં તેના પ્રત્‍યુત્તરમાં ગલ્લા તલ્લા કરે છે અને પોતાનું મોઢુ મતદારોને બતાવી શકતા નથીઃ આગામી નવેમ્‍બર માસમાં યોજાનારી ચૂંટણીના પરિણામ તરફ તમામ મતદાતાઓનું ધ્‍યાન કેન્‍દ્રિત થયેલું જોવા મળે છે

(કપિલા શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો): આજથી સાત વર્ષ પહેલા ૨૦૧૦ની સાલમાં એફોર્ડેબલ કેર એક્‍ટ નામનો કાયદો પસાર કરવામાં આવ્‍યો હતો અને અમેરિકામાં વસવાટ કરતા રહીશોને હેલ્‍થ ઇન્‍સ્‍યોરન્‍સનો લાભ સવિશેષ પ્રમાણમાં મળે એવી ગણત્રી ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાની હતી અને તે ગણત્રીઓ તેમનજી સાચી પડી હતી અને વિમા વિહોણા અમેરિકન રહીશોને તેનો સારો એવો લાભ થયો હતો તેમજ મોટી સંખ્‍યામાં ભાઇ-બહેનો આ પ્રોગ્રામમાં જોડાઇને હેલ્‍થ ઇન્‍સ્‍યોરન્‍સનો લાભ મેળવ્‍યો હતો.

આ કાયદો પસાર થયા બાદ રીપબલીકન પાર્ટીના ચૂંટાયેલા નેતાઓએ આ કાયદા દ્વારા અનેક પ્રકારના જનતાને ગેરફાયદાઓ થનાર છે એવા જોરશોરથી તેનો પ્રચાર શરૂ કર્યો પરંતુ પ્રજાએ તેને દાદ આપી નહીં પરંતુ તે પ્રોગ્રામમાં ભાગ લઇને તેને પડકાર આપવામાં આવ્‍યો હતો અને આવા પ્રકારની પ્રક્રિયા સતત છ વર્ષ સુધી એકધારી રીતે ચાલી હતી પરંતુ ૨૦૧૬ના વર્ષમાં જે સામાન્‍ય ચૂંટણી યોજવામાં આવી હતી તેમાં રીપબ્‍લીકન પાર્ટીના નેતાઓએ હાઉસ તથા સેનેટમાં વધારે પ્રમાણમાં બેઠકો મેળવીને કોંગ્રેસની હકુમત પર પોતનો કબજો જમાવ્‍યો હતો અને તેની સાથે સાથે પોતાની પાર્ટીના નેતા તરીકે ડોનાલ્‍ડ ટ્રમ્‍પ વિજેતા જાહેર થતા કોંગ્રેસ અને વ્‍હાઇટ હાઉસમાં એકચક્રી શાસનની શરૂઆત થતા એફોર્ડેબલ કેર એક્‍ટ કે જે સમગ્ર અમેરિકામાં ઓબામા કેર એક્‍ટના હૂલામણા નામથી ઓળખાય છે તેને સંપૂર્ણપણે નાબુદ કરીને એક નવો અદ્યતન હેલ્‍થકેર એક્‍ટ પ્રજાના હિતાર્થે લાવવાની ચળવળ શરૂ કરી પરંતુ રીપબ્‍લીકન પાર્ટીમાં જ આ ચળવળ સામે અનેક પ્રકારના અવરોધો ઉત્‍પન્‍ન થયા પરંતુ એક યા બીજા પ્રકારે આ અવરોધોને શાંત પાડવામાં આવ્‍યા અને હાઉસના રીપબ્‍લીકન પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ એક બીલ પસાર કરીને ઓબામા કેરના પ્રોગ્રામની કેટલીક જોગવાઇઓને નાબુદ કરવામાં સફળતા મેળવી હતી.

 આ હાઉસે જે બીલ પસાર કર્યુ હતું તે બીલ સેનેટમાં રજુ કરાતા સેનેટના રીપબ્‍લીકન પાર્ટીના નેતાઓએ જ તેનો મહદઅંશે વિરોધ કર્યો હતો અને તેઓ પોતે આ અંગે પોતાનું અલગ બીલ તૈયાર કરશે એવું જણાવ્‍યું હતું. પરંતુ આ બીલ અંગે જ્‍યારે મતદાન હાથ ધરવામાં આવ્‍યું ત્‍યારે આ પાર્ટીમાં સેનેટરોએ તેની વિરૂદ્ધમાં મતદાન કરીને તેને પરાસ્‍ત કર્યુ હતું. હાઉસના સભ્‍યોએ જે બીલ પસાર કરેલ તેની જોગવાઇ સામે પ્રજાનો આક્રોશ હતો પરંતુ પાર્ટીના લાઇનની જોરે આ બીલ પસાર કરવામાં આવ્‍યું હતું અને હાલમાં પણ તે પોતાના સ્‍થાને યથાવત સ્‍થિતિમાં રહેલ છે.

૨૦૧૦ના વર્ષમાં પસાર કરવામાં આવેલ ઓબામા કેર એક્‍ટ બીલ અંગે હાઉસમાં ૬૦ વખત તેને નાબુદ કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પરંતુ તે વખતે પ્રમુખ તરીકે બરાક ઓબામા સત્તા ભોગવતા હોવાથી તેઓનો ગજ વાગતો ન હતો પરંતુ ૨૦૧૭ની સાલમાં સત્તામાં પરિવર્તન આવ્‍યા બાદ તેને નાબુદ કરવા માટે અનેક પ્રકારના ધમપછાડા મારવા છતાં તેમાં રીપબ્‍લીકન પાર્ટીના નેતાઓ સફળતા મેળવી શક્‍યા ન હતા અને આ અહેવાલ લખાઇ રહ્યો છે તે વેળા ઓબામા કેર એક્‍ટને નાબુદ કરવા માટે જે પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવેલ હતી તેને પણ એક વર્ષ જેટલો સમય પૂર્ણ થવા આવેલ છે પરંતુ હાલના સર્વેક્ષણ અનુસાર આ ઓબામા કેર એટલો જ લોકપ્રિય બની રહેવા પામેલ છે. ગયા વર્ષના મે માસની ચોથી તારીખના રોજ હાઉસના પ્રતિનિધિઓએ ઓબામા કેરને નાબુદ કરતો કાયદો પસાર કરેલ ત્‍યારે વ્‍હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં આ અંગેનો એક વિજ્‍યોત્‍સવ મનાવવામાં આવ્‍યો હતો અને તે વેળા પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ તથા હાઉસના સ્‍પીકર પૌલ રાયને પણ હાજરી આપી હતી પરંતુ એક વર્ષના સમયગાળા બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ જ્‍યાં સુધી આ સમગ્ર કાર્યવાહી સેનેટના ફલોરમાંથી પસાર ન થાય ત્‍યાં સુધી કદાચ આ વિજ્‍યોત્‍સવને કદાચ વિજયી ન માને એ સ્‍વાભાવિક બીના છે અને તેથી તમામ રીપબ્‍લીકોના હાથો નીચા પડેલા જોવા મળે છે. ચૂંટણીના પ્રચારમાં રીપબ્‍લીકન પાર્ટીના નેતાઓએ મતદારોને સ્‍પષ્‍ટપણે જણાવ્‍યું હતું કે એક વખત હાઉસ અને સેનેટનો તેમજ તેમજ વ્‍હાઇટ હાઉસનો કબજો અમારી રીપબ્‍લીકન પાર્ટીના હાથમાં આવી જાય તો ઓબામા કેર એક્‍ટને નેસ્‍તનાબુદ કરીને નવો હેલ્‍થકેર કાયદો પ્રજાને આપીશું. પરંતુ એક વર્ષના સમય બાદ આ રાજકીય નેતાઓ અગાઉ જ્‍યાં હતા ત્‍યાંના ત્‍યાં જ છે.

 આગામી છ મહિના બાદ નવેમ્‍બર માસમાં મધ્‍યવર્તી ચૂંટણીના નગારા વાગી રહ્યા છે તે વેળા રીપબ્‍લીકન પાર્ટીના નેતાઓને આ સમગ્ર પ્રશ્ન અંગે મતદારોને પોતાનું મોઢુ બતાવવાનું ભારે થઇ પડેલ છે અને આ રાજકીય આગેવાનો ઓબામા કેરને નાબુદ કરવા અંગે એક પણ પ્રકારનો હરફ પણ ઉચ્‍ચારતા નથી પરંતુ મતદારો ઓબામા કેર અંગે જ્‍યારે પ્રશ્નોનો મારો ચલાવે છે ત્‍યારે તેઓને તેના પ્રત્‍યુત્તર આપવો ભારે પડી જતો હોય છે અને તે અંગે ગલ્લા તલ્લા કરે છે તેમજ તેઓએ ઓબામા કેર નાબુદ કરવા માટે ટીવીમાં જે પ્રકારની જાહેરાતો પ્રસિદ્ધ કરતા હતા તે મહદઅંશે રદ્દ કરવામાં આવેલ છે અને આ અંગેના સમગ્ર પ્રકરણ અંગે ટીવીના સ્‍ક્રીન પર જાણે અંધકાર છવાઇ ગયો હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ રૂઢીચુસ્‍ત માનસ ધરાવતા રાજકીય નેતાઓ પોતપોતાના વિસ્‍તારમાં આ અંગે ટીવીની જાહેરાતો પ્રદર્શિત કરેલ છે પરંતુ તેનું પ્રમાણ જૂજમાં જોવા મળે છે અને તેથી ડેમોક્રેટીક પાર્ટીના નેતાઓ આવા પ્રકરની પ્રક્રિયાથી રાહતની લાગણીઓ અનુભવી રહ્યા છે અને અમેરિકામાં વસવાટ કરતી મોટાભાગની પ્રજાઓ ઓબામા કેરના લાભોથી માહિતગાર થઇ ચૂકેલ છે.

હાઉસે ગયા વર્ષે જે ઓબામા કેરને નાબુદ કરવા માટેનું બીલ પસાર કરેલ તેનાથી ૨૩ મીલીયન લોકો પોતાનો હેલ્‍થ ઇન્‍સ્‍યોરન્‍સ ગુમાવશે એવું કોંગ્રેસનલ બજેટ ઓફિસના અધિકારીઓ જણાવે છે. પરંતુ હાલમાં આ કાયદો નાબુદ કરવા અંગેની કોઇપણ પ્રકારની હીલચાલ માલુમ પડતી નથી પરંતુ રીપબ્‍લીકન પાર્ટીના નેતાઓ રાજ્‍યમાં તેમજ કેન્‍દ્રિય ધોરણે તેના નિયમોમાં નજીવા ફેરફારો કરી રહ્યા છે અને તેની અસર હાલમાં કેટલા પ્રમાણમાં થશે તે કહી શકાય તેમ નથી. આવતા છ મહિનામાં મધ્‍યવર્તી ચૂંટણી યોજાનાર છે અને તેના પરિણામ તરફ સૌ મતદારોની દ્રષ્‍ટિ કેન્‍દ્રિત થયેલી જોવા મળે છે ત્‍યાં સુધી થોભીએ અને રાહ જોઇએ.

(11:56 pm IST)
  • પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે રાવલપિંડીમાં સ્થિત કૃષ્ણ મંદિરના નવીનીકરણ અને તે વિસ્તરણ કરવા માટે બે કરોડ રૂપિયાની રકમ ફાળવી છે. આ જાણકારી 20 મેએ મીડિયાની એક રિપોર્ટમાં આપવામાં આવી હતી. રાવલપિંડી અને ઈસ્લામાબાદ શહેરોમાં માત્ર કૃષ્ણ મંદિર જ એકમાત્ર હિન્દુ મંદિર છે જે શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું છે. મંદિરમાં રોજ સવાર-સાંજ આરતી કરવામાં આવે છે. access_time 6:19 am IST

  • ગુજરાતમાં ધોરણ-3ના 41 ટકા વિદ્યાર્થીઓ 999 સુધીના આંકડા લખી અને વાંચી શકતા નથી. ધોરણ - 5ના 41 ટકા વિદ્યાર્થીઓ 1000થી મોટા આંકડા લખી-વાંચી શકતા નથી. ધોરણ 3,5 અને 8ના 40 ટકા વિદ્યાર્થીઓ ગણિત, પર્યાવરણ અને ભાષાના જવાબ આપી શકતા નથી. ધોરણ-3ના 50 ટકા, ધોરણ 5માં 53 ટકા શિક્ષકો ભણ્યા હોય તેનાથી જુદો વિષય ભણાવે છે તેમ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું. access_time 6:19 am IST

  • રાજકોટ સહીત સૌરાષ્ટ્રવાસીઓને મળશે રાહત: મુંબઈથી આવતી દુરંતો એક્સપ્રેસને રાજકોટ સુધી લંબાવાઈ: અત્યાર સુધી આ ટ્રેન અમદાવાદ સુધી જ આવતી હતી: હવે રાજકોટ સુધી લંબાવાઈ access_time 8:22 pm IST