Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

કેનેડામાં અભ્યાસ કરતાં ગુજરાતી યુવકના ચહેરા ઉપર કોફી ફેંકી અપમાન કરાયું: હુમલાખોરના અટ્ટહાસ્ય સાથેનો વીડિયો વાઇરલઃ પોલીસ તપાસ ચાલુ

કેનેડાઃ કેનેડામાં અભ્યાસ કરતા ગુજરાતના સુરતના ૧૯ વર્ષીય યુવાન ફાલ્ગુન વાવિયાના ચહેરા ઉપર કોફી ફેંકી અપમાન કરવાનો બનાવ બન્યો છે.

મૂળ સુરતનો 19 વર્ષીય ફાલ્ગુન વાવિયા ગત જાન્યુઆરી મહિનામાં કેનેડા આવ્યો હતો. તે યુનિવર્સિટી ઓફ રજાઇનામાં બાયોલોજીનો અભ્યાસ કરે છે. ફાલ્ગુન અભ્યાસની સાથે વોલમાર્ટ સ્ટોરમાં પાર્ટ-ટાઈમ જોબ કરી ફેમિલીને મદદ પણ કરે છે. ગયા મંગળવારે તે વોલમાર્ટ સ્ટોરની બહાર બ્રેક દરમિયાન પાર્કિંગમાં બેંચ પર બેસીને મોબાઈલમાં ગેમ રમતો હતો, દરમિયાન એક અજાણ્યા શખસે પાસે આવીને ‘એક્સક્યુઝ મી’ કહીને તેના ચહેરા પર કૉફી રેડી દીધી હતી. કૉફી ફેંકીને હુમલાખોર જોરજોરથી હસવા લાગ્યો હતો અને તેની સાથે આવેલા અન્ય શખસે ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો. ઘટના બાદ તેઓ તુરંત ત્યાંથી ભાગી ગયા હતા.

ફાલ્ગુને એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, ‘‘ઘટનાથી મને ખૂબ આઘાત લાગ્યો હતો. હું ભાગ્યશાળી રહ્યો કે કૉફી બહુ ગરમ નહોતી. તે થોડી ઠંડી હોવાથી મને કંઈ થયું નહોતું.’’

ફાલ્ગુન વાવિયા કહ્યું કે તેને ખબર નથી કે શા માટે તેના પર હુમલો કરવામાં આવ્યો. હુમલાખોર શખસ તેનું અપમાન કરીને તેનો આનંદ ઉઠાવી રહ્યો હતો. પણ બધુ એટલું જલ્દી બની ગયું કે હુમલો કરવા આવેલા શખસ ખરેખર શું બોલ્યો તે તેને યાદ નથી.

બીજી તરફ રજાઇના પોલીસના જણાવ્યા મુજબ અંગેની તપાસ ચાલુ છે. જો અંગે ફરિયાદ થશે તો રેગિંગ અને હુમલાનો ગુનો નોંધવામાં આવશે. હુમલાખોર વ્હાઈટ માણસ હતો. પોલીસ હુમલો વંશીય હોવાની દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

(8:43 pm IST)