Gujarati News

Gujarati News

News of Friday, 30th August 2019

અમેરિકાના એડિસન ન્યુજર્સીમાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખુલ્લું મુકાયું: ૧૭ તથા ૧૮ ઓગસ્ટ-ર૦૧૯ દરમિયાન સંતોના વદર હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા કરાઇઃ વિશ્વ શાંતિ પરી, નગરયાત્રા, પરેડ, સંગીત સંધ્યા તથા સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો કરાયાઃ કોંગ્રેસમેન, સરકારી અધિકારીઓ, કોમ્યુનીટી અગ્રણીઓ, તથા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત હરિભકતો ભાવિવભોર

 

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ અમેરિકાના ન્યુજર્સીમાં આવેલા એડિસન મુકામે તાજેતરમાં ૧૭ તથા ૧૮ ઓગસ્ટ ર૦૧૯ દરમિયાન BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

આ પ્રસંગે સદગુરુ પૂજય ડોકટર સ્વામી, પૂજય ઇશ્વરચંદ્ર સ્વામી ભારત તથા નોર્થ અમેરિકાથી પધારેલા સંતો, તથા વિશાળ સંખ્યામાં હરિભકતોએ હાજરી આપી હતી.

મંદિરના ઉદઘાટન માટે છેલ્લા નવ દિવસથી શરૂ થઇ ગયેલ ઉજવણી અંતર્ગત વિશ્વ શાંતિ મહાપરી ૧૦ તથા ૧૧ ઓગસ્ટ દરમિયાન રાખવામાં આવેલ. ૧૬ ઓગસ્ટના રોજ નગરયાત્રાનું આયોજન કરાયું હતુ. જેમાં શણગારેલા ૬ ફલોટસએ આકર્ષણ જમાવ્યું હતુ.

બાદમાં ૧૭ તથા ૧૮  ઓગસ્ટના રોજ વૈદિક મંત્રોચ્ચાર સાથે સંતોના વરદ હસ્તે મુર્તિ પ્રતિષ્ઠા કરાઇ હતી. સંગીત સંધ્યાનું આયોજન કરાયું હતુ, તેમજ પરંપરાગત રાસ, પરેડ તથા સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો કરાયા હતા. જેમાં કોંગ્રેસમેન સહિત એડિસન કાઉન્ટીના અધિકારીઓ, કોમ્યુનીટી અગ્રણીઓ તથા હરભકતોએ હાજરી આપી હતી. ૧૮ ઓગસ્ટના રોજ મહિલાઓના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.

ઉલ્લેખનીય છે કે પૂજય પ્રમુખસ્વામીએ ૧૯૯૧ ની સાલમાં ન્યુજર્સી મંદિર ખુલ્લુ મુકયા બાદ હરિભકતોની લાગણીને માન આપી તાજેતરમાં ઉપરોકત મંદિર ખુલ્લુ મુકાયુ છે. જેના નિર્માણ માટે હજારો વોલન્ટીઅર્સ ભાઇ બહેનોએ મળી  ૧ લાખ કલાક ઉપરાંતની સેવાઓ આપી હતી તેવું શ્રી લેનિન જોશીની યાદી જણાવે છે.

(9:31 pm IST)