Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

રીવાના બૈજનાથ ગામના મહિલા સરપંચ પાસેથી અધધધ સંમતિ મળી !!

વૈભવી બગલા અને ૩૦ ગાડીના માલિક નિકળ્યા મહિલા સરપંચ લોકયુકત ટીમના દરોડામાં માહિતી બહાર આવી

સરકારી અધિકારી અથવા તો રાજકીય પક્ષ સાથે જોડાયેલા નેતાઓ પાસે આવક કરતા વધારે સંપત્તિ હોવાના કિસ્સાઓ ઘણી વખત સામે આવે છે. કેટલાક નેતાઓ પાસેથી તો આવક કરતાં અનેક ગણી સંપત્તિ મળી હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે આવી એક ઘટના મધ્યપ્રદેશમાં સામે આવી છે કે, જ્યાં ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ત્યારે હવે મહિલા સરપંચના ઘરે દરોડો કરવામાં આવતા ચોંકાવનારો ખુલાસો થયો છે. ઘટના રીવાની છે. રીવામાં લોકાયુક્ત ટીમે જ્યારે બૈજનાથ ગામની મહિલા સરપંચના ઘર અને મિલકતો પર દરોડો કર્યો ત્યારે સરકારી અધિકારીઓ પણ મહિલા સરપંચ પાસે રહેલી મિલકત જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અધિકારીઓની પ્રાથમિક તપાસમાં મહિલા સરપંચ પાસે લગભગ 10 કરોડ રૂપિયાની સંપત્તિ હોવાની વાત સામે આવી છે. હાલમાં લોકાયુક્તની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહીં છે. મહિલા સરપંચની 4 જગ્યાઓ પર કાર્યવાહી ચાલી રહી છે.

રીવા જિલ્લાના બૈજનાથ ગામની મહિલા સરપંચ સુધા સિંહ પાસે તેમની આવક કરતાં અપ્રમાણસર સંપત્તિ હોવા બાબતે લોકાયુક્ત ટીમને ફરિયાદ મળી હતી. તેના આધારે લોકાયુક્તની ટીમ દ્વારા મંગળવારે સવારે 4 ટીમો બનાવી સરપંચ સુધા સિંહના ચાર સ્થળો પર એક સાથે દરોડો કરવામાં આવ્યો હતો. જ્યારે લોકાયુક્તની ટીમ બૈજનાથ ગામની મહિલા સરપંચ સુધા સિંહના ઘરે દરોડા કરવા માટે પહોંચી ત્યારે અધિકારીઓ મહિલા સરપંચનો બંગલો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મહિલા સરપંચ દ્વારા બૈજનાથ ગામમાં એક એકર વૈભવી બંગલો બનાવવામાં આવ્યો છે. બંગલાની અંદર સ્વિમિંગ પુલ છે. લોકાયુક્તની ટીમ દ્વારા સરપંચ સુધા સિંહના બીજા ઘર ગોડહરમાં આવેલ શરદપુરામમાં પણ દરોડો કરવામાં આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલા સરપંચ સુધા સિંહ 30 ગાડીની મલિક છે. ગાડીઓમાં JCB અને ડમ્પર સહિત 30 વાહનોનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં મળતી માહિતી અનુસાર મહિલા સરપંચ સુધા સિંહની પાસે 10 કરોડ કરતા વધુ અપ્રમાસર સંપત્તિ છે. સાથે તેમની પાસે 2 ક્રશર પ્લાન્ટ પણ છે જે મહિલા સરપંચના નામ પર છે. એવું પણ જાણવા મળ્યું છે કે કેટલીક મિલકત સુધા સિંહે તેના ભાઈના નામે ખરીદી છે. બાબતે અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

(10:51 pm IST)