Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

અમિરોની યાદીમાં ગૌતમ અદાણી ૧૭મા ક્રમેથી ૧૯મા ક્રમ પર

અદાણીની કંપનીઓના શેરના ભાવમાં મોટો કડાકો :બે દિવસમાં અદાણી આ લિસ્ટમાં ચાર સ્થાન નીચે આવી ગયા છે અને હવે ટોપ ૨૦માંથી બહાર થવાનો ખતરો

મુંબઈ, તા. ૩૦ : અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થમાં મંગળવારના રોજ ૯૭.૭ કરોડ ડોલરનો ઘટાડો જોવા મળ્યો. ગ્રુપની તમામ છ લિસ્ટેડ કંપનીઓના શેર મંગળવારના રોજ ઘટાડા સાથે બંધ થયા. બ્લૂમબર્ગ ઈન્ડેક્સ અનુસાર અદાણીની નેટવર્થ હવે ૬૧.૨ અબજ ડોલર થઈ ગઈ છે. આ સાથે જ તે દુનિયાના અમીરોની યાદીમાં ૧૭માં ક્રમાંકથી ૧૯માં ક્રમાંક પર આવી ગયા છે. પાછલા બે દિવસમાંઅદાણી આ લિસ્ટમાં ચાર સ્થાન નીચે આવી ગયા છે અને હવે ટોપ ૨૦માંથી બહાર થવાનો ખતરો પણ છે.

અદાણી ગ્રુપની તમામ છ લિસ્ટેડ કંપનીઓના શેરમાં મંગળવારના રોજ ઘટાડો જોવા મળ્યો છે. અદાણી ગ્રીન એનર્જીના શેરમાં ૦.૭૯ ટકા, અદાણી ટ્રાન્સમિશનના શેરોમાં ૨.૨૪ ટકા, અદાણી ટોટલ ગેસના શેરોમાં ૫ ટકા, અદાણી એન્ટરપ્રાઈઝના શેરોમાં ૦.૨૩ ટકા, અદાણી પોર્ટ્સના શેરોમાં ૦.૭૫ ટકા અને અદાણી પાવરના શેરોમાં ૧.૩૧ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

આ દરમિયાન દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી બ્લૂમબર્ગ ઈન્ડેક્સમાં ૧૨મા ક્રમાંકે છે. મંગળવારના રોજ રિલાયન્સના શેરોમાં તેજી જોવા મળી જેના કારણે તેમની નેટવર્થમાં ૧૦.૫ કરોડ ડોલરનો વધારો થયો. તે ૭૯.૩ અબજ ડોલરની નેટવર્થ સાથે એશિયામાં પ્રથમ ક્રમાંકે છે. આ વર્ષે તેમની નેટવર્થ ૨.૬૧ અબજ ડોલર વધી છે.

બ્લૂમબર્ગ ઈન્ડેક્સ અનુસાર અમેઝોનના જેફ બેઝોસ દુનિયાનાસૌથી ધનિક વ્યક્તિ છે. તેમની નેટવર્થ ૧૯૯ અબજ ડોલરછે. ટેસ્લાના સીઈઓ એલનમસ્ક ૧૮૬ અબજ ડોલરની નેટવર્થ સાથેઆ લિસ્ટમાં બીજા ક્રમાંકે છે. માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ આ લિસ્ટમાં ચોથા ક્રમાંકે છે.

(7:43 pm IST)