Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

લોકશાહીના નામથી ભડકતું ચીન તેના છાત્રોને ધમકાવે છે

ચીનની વિદેશોમાં પણ તેમના નાગરિકો પર નજર : ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓ ચીનના છાત્રોની શૈક્ષણિક સ્વતંત્રતાની રક્ષા કરવામાં એકદમ નિષ્ફળ પૂરવાર થઈ

બેઈજિંગ, તા. ૩૦ : ચીન પોતાના દેશમાં તો લોકોની હિલચાલ પર નજર અને નિયંત્રણ બંને રાખે છે પણ હવે ચીનની સરકાર હજારો કિલોમીટર દૂર ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા માટે ગયેલા વિદ્યાર્થીઓને પણ ધમકાવી રહી છે.

માનવધિકારોના રક્ષણ પર નજર રાખતી સંસ્થા હ્યુમન રાઈટ્સ વોચે પોતાના રિપોર્ટમાં કહ્યુ છે કે, ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓ તેમને ત્યાં અભ્યાસ કરી રહેલા ચીનના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સ્વતંત્રતાની રક્ષા કરવામાં પણ નિષ્ફળ પૂરવાર થઈ રહી છે.ચીન દ્વારા ધમકાવવાના કારણે વિદ્યાર્થીઓના મનમાં ડર વધી ગયો છે. ચીનના વિદ્યાર્થીઓ પોતાની સાથે ભણતા વિદ્યાર્થીઓની જાણકારી ચીનની સરકારને આપી રહ્યા છે. સંસ્થાનુ કહેવુ છે કે, યુનિવર્સિટીઓને પણ ચીન દ્વારા આકરી પ્રતિક્રિયા આપવામાં આવશે તેવો ડર છે અને તેના કારણે તે આ મુદ્દાઓ પર ચર્ચા કરવાની જગ્યાએ તેને છુપાવી રહી છે.

સંસ્થા દ્વારા આ રિપોર્ટ તૈયાર કરતા પહેલા ચીનના અને હોંગકોંગના લોકતંત્રના સમર્થક ૨૪ વિદ્યાર્થીઓ તેમજ ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓમાં ભણાવતા ૨૨ અધ્યાપકોના ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. ત્રણ કેસમાં હ્યુમન રાઈટસ વોચને જાણવા મળ્યુ હતુ કે, ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરી રહેલા ત્રણ વિદ્યાર્થીઓના કેસમાં તો ચીનની પોલીસ ચીનમાં રહેતા તેમના પરિવારના ઘરે ગઈ હતી અને એક વિદ્યાર્થીને જેલમાં મોકલી દેવાની ધમકી આપી હતી.

અન્ય એક કેસમાં એક વિદ્યાર્થીને જેલમાં મોકલી દેવાની ધમકી આપી હતી. કારણકે આ વિદ્યાર્થીએ ઓસ્ટ્રેલિયામાં ટ્વિટર પર લોકતંત્રના સમર્થનમાં મેસેજ પોસ્ટ કર્યો હતો. અન્ય એક વિદ્યાર્થીનો પાસપોર્ટ જપ્ત કરી દેવાયો હતો. કારણકે તેણે ઓસ્ટ્રેલિયામાં પોતાના સહાધ્યાયીઓ સાથે લોકશાહીના સમર્થનમાં ચર્ચા કરી હતી.

(7:41 pm IST)