Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

ગાઝીપુર બોર્ડર ખાતે ભાજપ કાર્યકર્તાઓ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ : અનેક ગાડીઓમાં તોડફોડ

ભાજપ નેતાનું સ્વાગત કરવા કાર્યકરો પહોંચતા મામલો બિચક્યો

દિલ્હી-ગાઝીપુર બોર્ડર પર ખેડૂતો અને ભાજપ કાર્યકરો વચ્ચે ભારે ઘર્ષણ થયું છે,દિલ્હીની ગાઝીપુર સરહદ પર ખેડૂતો અને ભાજપના નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ છે. એવું કહેવાઇ રહ્યું છે કે, ભાજપના કાર્યકર્તાઓ ગાઝીપુર બોર્ડર પર ભાજપ સાથે જોડાયેલા એક નેતાનું સ્વાગત કરવા માટે પહોંચ્યા હતાં, પરંતુ અહીં એકાએક ઉગ્ર બબાલ શરૂ થઇ ગઇ. ભાજપના સમર્થકોનો એવો આક્ષેપ છે કે, ખેડૂતોએ ભારે હંગામો મચાવ્યો અને પથ્થરમારો શરૂ કર્યો હતો.

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મંત્રી અમિત વાલ્મિકી પોતાની નિમણૂંક બાદ પ્રથમવાર ગાઝિયાબાદ જઈ રહ્યાં હતા. ભાજપ નેતા દિલ્હીથી આવી રહ્યાં હતા ત્યારે ઘણા કાર્યકરો ગાઝીપુર બોર્ડર પર તેમના સ્વાગત માટે હાજર હતા. ભાજપ નેતા અમિત વાલ્મિકીનો કાફલો ગાઝીપુર બોર્ડર પર પહોંચતા જ ભાજપ કાર્યકરો તેમનું સ્વાગત કરવા લાગ્યા હતા. આ સમયે જ ખેડૂતો કાળા વાવટા લઈ ત્યાં પહોંચી ગયા હતા. આ સમયે ખેડૂતો અને ભાજપ કાર્યકરો વચ્ચેના ઘર્ષણને કારણે અફરા-તફરીની સ્થિતિ જોવા મળી હતી. ભાજપ નેતા અને કાર્યકરોએ ખેડૂતો દ્વારા હુમલો કરાયો હોવાના આરોપ લગાવવામાં આવ્યા હતા. ખેડૂતો દ્વારા વાહનોના કાંચ તોડવામા આવ્યા હોવાનો ભાજપ નેતાએ આરોપ લગાવ્યો હતો.

આ ઘટના પર ખેડૂતોએ ભાજપ પર આરોપ લગાવ્યો કે, ભાજપ કાર્યકરો કોઈ નેતાના સ્વાગત કરવાના બહાના સાથે ઢોલ-નગારા વગાડી ખેડૂત આંદોલનનો વિરોધ કરી રહ્યાં હતા. ભારતીય કિસાન યુનિયને ભાજપ કાર્યકરોને આમ કરવાનું બંધ કરવાનું કહ્યું હતું, જે પછી ભાજપ કાર્યકરોએ ખેડૂતો પર ડંડા વડે હુમલો કર્યો હતો અને ઘણા ખેડૂતો ઈજાગ્રસ્ત થયા હતા. કિસાન યુનિયને કહ્યું કે- ભાજપ હવે હિંસા થકી ખેડૂત આંદોલનને તોડવા માંગે છે અને તેનું ઉદાહરણ ગાઝીપુર બોર્ડર પર જોવા મળ્યું હતું.

(1:51 pm IST)