Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓના શરીરમાં પેટ, હૃદય અને શ્વાસને લગતી સમસ્યાઓ જોવા મળીઃ ડોકટરોમાં પણ ચિંતાનો માહોલ

કોરાનાથી સાજા થયેલા દર્દીંઓના શરીરમાં ગંભીર સમસ્યાઃ નાના બાળકો પણ પેટની સમસ્યાને કારણે હેરાન

નવી દિલ્હી, તા.૩૦: કોરોનાને મ્હાત આપ્યા બાદ પણ અમુક લોકોમાં હવે ગંભીર સમસ્યાઓ જોવા મળી રહી છે. જેમા ખાસ કરીને શ્વાસની સમસ્યા, થાક લાગવો અને હૃદય સંબધી સમસ્યાઓ લોકોમાં જોવા મળી છે. તો બીજી તરફ ઘણા એવા દર્દીઓ પણ છે કે જેમને પેટ, આંતરડા અને લીવરમાં ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે.

જે દર્દીઓને આવી સમસ્યા થઈ રહી છે, તેમાથી અમુકતો એવા પણ છે કે જેમનો એક મહિના પછી ફરી પોઝિટીવ રિપોર્ટ આવ્યો છે. ખાસ કરીને લોકોને પેટ સંબંધી સમસ્યાઓ વધારે થઈ રહી છે. જેમા નાના બાળકોમાં પણ પેટની સમસ્યા જોવા મળી છે. જે એક ચિંતાનો વિષય બન્યો છે.

તબીબોનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં પેટની સમસ્યાના કેટલાક દર્દીઓ હોસ્પિટલોમાં ઈલાજ માટે ગયા છે. આ બધાજ દર્દીઓ કોરોનાથી સાજા થયા હતા. જેથી કહી શકાય કે કોરોના હૃદય અને ફેફસા સિવાય શરીરના અન્ય અંગોને પણ નુકશાન પહોચાડે છે. જેથી ડોકટરોનું કહેવું છે કે કોરોનાથી સાજા થયા બાદ શરીરના કોઈ અંગમાં તકલીફ થાય તો તે તકલીફને સામાન્ય ન ગણવી જોઈએ, તેને લઈને તુરંત ડોકટરની સલાહ લેવી જોઈએ.

એઈમ્સના પૂર્વ ડાયરેકટર પ્રવીણ કુમારનું કહેવું છે કે કોઈ દર્દીનો આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ આવે તો તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવે છે. પરંતુ દ્યણા એવા દર્દીઓ પણ છે કે જેઓ ઠીક થઈ જાય તેમ છતા તેમનો આરટીપીસીઆર રિપોર્ચ નેગેટિવ નથી આવતો.

દર્દી ઠીક થઈ જાય તેમ છતા તેનો આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ ન આવે તો તેના પાછળનું કારણ એ છે કે વાયરસ ખતમ થયા બાદ પણ આપણા શરીરમાંજ રહેલો હોય છે. જેના કારણે રિપોર્ટ પોઝિટીવ આવે છે.

ઉલ્લેખનીય છે કે તબીબોના કહેવા પ્રમાણે જયારે દર્દીના શરીરમાં કોઈ લક્ષણ ન દેખાય ત્યારે તેના ગળાનું સેમ્પલ લેવામાં આવે છે. પરંતુ જો લક્ષણ દેખાય તો તેના મતલબ એ છે કે દર્દીના શરીરમાં વાયરસ છે. પરંતુ તેના શરીરમાં વાયરસ મરી ગયો હોય છે. જેથી આવી સ્થિતીમાં ભલે દર્દીનો રિપોર્ટ પોઝિટીવ આવે પરંતું સંક્રમણ અન્ય વ્યકિતમાં નથી ફેલાતું.

(12:54 pm IST)