Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

મોટા ષડયંત્રની દહેશતઃ સુરક્ષાદળો એલર્ટ

જમ્મુઃ કાલુચક અને કુંજવાની વિસ્તારમાં ફરીથી જોવા મળ્યા શંકાસ્પદ ડ્રોન

જમ્મુ, તા.૩૦: એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન હુમલા બાદથી સતત સરહદ પારથી ડ્રોન હુમલાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. આ જ કડીમાં આજે વહેલી સવારે કાલુચકમાં એકવાર ફરીથી શંકાસ્પદ ડ્રોન ઉડતા જોવા મળ્યા. આ ઘટના સવારે ૫ વાગ્યાની આસપાસની હોવાનું કહેવાય છે.

સેનાના સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ આજે સવારે ફરીથી બે ડ્રોન જોવા મળ્યા. આ ડ્રોન કાલુચક અને કુંજવાની વિસ્તારમાં દેખાયા હતા. બુધવારે સવારે લગભગ ૪.૪૦ વાગે કાલુચકમાં ગોસ્વામી એન્કલેવ પાસે ડ્રોન જોવા મળ્યું. ત્યારબાદ લગભગ ૪.૫૨ વાગે કુંજવાની વિસ્તારના જ એરફોર્સ સિગ્નલ પાસે ડ્રોન જોવા મળ્યું. આ ડ્રોન લગભગ ૮૦૦ મીટરની ઊંચાઈ પર હતું.

આ અગાઉ પણ રવિવારે રાતે કાલુચક મિલિટરી સ્ટેશન નજીક બે ડ્રોન ઉડતા જોવા મળ્યા હતા. એરફોર્સ સ્ટેશન પર થયેલા હુમલા બાદથી સુરક્ષાદળો અલર્ટ છે અને આવામાં ડ્રોન જોવા મળ્યા કે તરત તેના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારપછી બંને ડ્રોન ગાયબ થઈ ગયા હતા.

(10:59 am IST)