Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

બર્ફીલા કેનેડામાં ભયાનક ગરમીઃ ૬૯ લોકોના મોત

ગ્લોબલ વોર્મિંગના કારણે કેનેડામાં તાપમાન ૪૭.૯ ડીગ્રી સુધી પહોંચી ગયુઃ એલર્ટ જાહેર કરવામાં આવ્યુઃ સ્કૂલ-કોલેજો બંધ

ટોરેન્ટો તા. ૩૦: કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ પેસિફીક નોર્થ-વેસ્ટમાં રેકોર્ડતોડ ગરમીની લહેરથી વાનકુંવરમાં ઓછામાં ઓછા ૬૯ લોકોના મોત થયા છે. રોયલ કેનેડીયન માઉન્ટેડ પોલીસના જણાવ્યા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં વાનકુંવરના બર્નાબી અને સરે શહેરમાં મરનારામાં મોટાભાગના વડીલો હતા.

ગ્લોબલ વોર્મિંગના કારણે તાપમાન સતત વધી રહ્યુ છે. કેનેડાના ઓટાવામાં તાપમાન ૪૭.૯ ડીગ્રી સુધી પહોંચી ગયુ હતું. બ્રિટીશ કોલમ્બીયાના પ્રિમીયર જ્હોન હોર્ગનએ કહ્યુ હતું કે, બ્રિટીશના લોકોએ અત્યાર સુધીનું સૌથી ગરમ સપ્તાહ નિહાળ્યુ છે. આ ગરમીના પરિણામો પરિવારો માટે વિનાશકારી બની શકે તેમ છે.

કેનેડાના પર્યાવરણ વિભાગે બ્રિટીશ કોલમ્બીયા, અલબર્ટા અને સાસ્કોચેવન, મૈનિટોબા, યુફોન અને અન્ય પશ્ચિમી ક્ષેત્રો માટે એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં જણાવાયુ છે કે લાંબા સમય સુધી ખતરનાક અને ગરમીની લહેર આ સપ્તાહ સુધી બની રહેશે.

યુએસ નેશનલ સર્વિસએ પણ ચેતવણી જારી કરી કહ્યું છે કે, લોકોએ ઠંંડી જગ્યાએ રહેવુ જોઇએ, બહાર નીકળવાથી બચવુ જોઇએ, ખુબ પાણી પીવુ જોઇએ. કાળઝાળ ગરમીના કારણે સ્કૂલો અને કોવિડ રસી કેન્દ્રો બંધ કરાયા છે. જ્યારે તંત્રએ ઠેર-ઠેર પાણીના ફુવારા સ્થાપીત કર્યા છે. કેનેડામાં ગરમીના કારણે શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. માત્ર કેનેડા જ નહીં ઉત્તર-પશ્ચિમ અમેરિકાના અનેક શહેરો પણ ગરમીમાં સેકાઇ રહ્યા છે.

(10:58 am IST)