Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

સરહદી વિસ્તારોમાં ઓપ્ટિકલ ફાઇબર કેબલ બીછાવાશે

રેડિયો ફ્રીકવન્સીમાં સુધારો થવાની સાથે જ મોબાઇલ અને ટેલિફોન જોડાણમાં પણ સુધારાવધારા અને ફેરફાર

ઇટાનગર તા. ૩૦ :  કેન્દ્ર સરકારના સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામને મંગળવારે કહ્યું હતું કે સીમાવર્તી વિસ્તારમાં સંરક્ષણ ખાતાના કર્મચારીઓ તેમ જ નાગરિકોને નડતા સંપર્કસેતુની સમસ્યા હળવી કરવા માટે સઘળા સીમાવર્તી વિસ્તારોમાં ઓપ્ટિકલ ફાઈબર કેબલ બીછાવવાનું કેન્દ્ર સરકારનું આયોજન છે. જયારે કેન્દ્રીય કેબિનેટની વધારાના નાણાભંડોળ માટેની મંજૂરી ૧૦ દિન અગાઉ મળી ગઈ હતી, એમ સીતારામને જણાવ્યું હતું.

નરેન્દ્ર મોદીની ચાર વર્ષની સરકારની ઉપલબ્ધીઓ વર્ણવતા સીતારામને કહ્યું હતું કે સીમાવર્તી વિસ્તારોમાં ઓપ્ટિકલ ફાઈબર બિછાવવાનું વિસ્તરણ કાર્ય અમે ટૂંક સમયમાં જ ચાલુ કરીશું. કેન્દ્રીય કેબિનેટે આ મુદ્દે ચર્ચાવિચારણા કરી હતી તેમ જ ૧૦ દિન અગાઉ જ વધારાના ભંડોળને મંજૂરી આપી હતી. 

સીતારામને પત્રકારોને કહ્યું કે ટૂંક સમયમાં જ ભારત-ચીન સરહદ પરના સીમાવર્તી વિસ્તારો ઓએફસી દ્વારા સાંકળી લેવાશે. તેનાથી રેડિયો ફ્રીકવન્સીમાં સુધારો થવાની સાથે જ મોબાઈલ અને ટેલિફોન જોડાણમાં પણ સુધારાવધારા અને ફેરફાર નિહાળી શકાશે.

અરુણાચલ પ્રદેશના અન્જાવ જિલ્લામાં સરહદ પરનું છેલ્લું ગામડું કીબીથૂ. તાજેતરમાં આ ગામની મુલાકાત લેતી વેળાએ સીતારામનને જાણકારી મળી હતી કે ધ્વનીતરંગો અને મોજાં બરાબર પહોંચી ન શકતા હોવાને લીધે એ વિસ્તારના લોકો ઓલ ઈન્ડિયા રેડિયો સાંભળવાથી વંચિત રહેતા હતા. તેઓ માત્ર ચાઈનીઝ રેડિયો ફ્રીકવન્સી મેળવી શકતા હતા. આથી ડ્રેગન ચીનનો રેડિયો સાંભળી શકતા હતા. તે વિસ્તારમાં મોબાઈલ નેટવર્ક પણ અનહદ નબળું હતું.(૨૧.૮)

 

(11:49 am IST)