Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

લોકપાલ બિલ મુદ્દે અન્ના હઝારેના અનશનનો પ્રારંભ

મારા ઉપવાસ કોઇ વ્યકિત કે પક્ષના વિરોધમાં નથી : અન્ના

નવી દિલ્હી તા. ૩૦ : સામાજીક કાર્યકર્તા અન્ના હઝારે ફરી એક વખત આંદોલન શરૂ કર્યું છે. આજે સવારે ૧૦ કલાકે તે મહારાષ્ટ્રમાં પોતાના ગામ રાલેગણ સિદ્ઘિમાં ઉપવાસનો પ્રારંભ કર્યો. તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે લોકપાલ કાયદો બન્યાને ૫ વર્ષ થઈ ગયા છે પણ સરકાર પાંચ વર્ષ પછી સતત બહાના કરે છે.

 અન્ના હઝારેએ કહ્યું હતું કે આ મારા ઉપવાસ કોઈ વ્યકિત, પક્ષ, પાર્ટીના વિરોધમાં નથી. સમાજ અને દેશની ભલાઈ માટે સતત આંદોલન કરતો આવ્યો છું. તે જ પ્રકારનું આ આંદોલન છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૧-૧૨માં અન્ના હઝારેના નેતૃત્વમાં દિલ્હીના રામલીલા મેદાનમાં તત્કાલિન UPA સરકાર સામે મોટું આંદોલન થયું હતું.

 ફરી અન્ના હઝારે ઉપવાસ પર બેઠા છે પણ આ વખતે આંદોલનનું કેન્દ્ર દિલ્હી નથી પણ અન્નાનું ગામ રાલેગણ સિદ્ઘિ છે. હવે જોવાનું રહેશે કે તેમના આંદોલનને કઈ પાર્ટી સપોર્ટ કરે છે.

અન્ના હજારેએ સ્પષ્ટ કહી દીધું છે કે, આ વખતે રાજકીય નેતાઓ તેમના આંદોલનમાં સામેલ થઈ શકશે નહીં. માનવામાં આવે છે કે, યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ, શાંતિ ભૂષણ અને કુમાર વિશ્વાસ જેવા જૂના સહયોગીઓ આંદોલનને સમર્થન આપવા પહોંચી શકે છે. ૨૦૧૧-૧૨માં અન્ના હજારેના નેતૃત્વમાં દિલ્હીના રામલીલા મેદાનમાં તે સમયે યુપીએ સરકાર સમયે મોટુ આંદોલન કરવામાં આવ્યું હતું. આ આંદોલનમાં સામેલ ઘણાં ચહેરાઓ હવે રાજકારણમાં આવી ગયા છે. તેમાં અરવિંદ કેજરીવાલ પણ સામેલ છે.

લોકપાલની પસંદગી કરવા માટે બનાવવામાં આવેલી ૮ સભ્યોની પેનલની મંગળવારે પહેલી મીટિંગ થઈ હતી. મોદી સરકાર દ્વારા ગઠન પછી આ પેનલની ૪ મહિનામાં પહેલી બેઠક છે. આ પેનલના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ છે.

(3:37 pm IST)