Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

પુછપરછ માટે ઇડી સમક્ષ હાજર થવા કાર્તિને આદેશ

વિદેશ જવા માટે ૧૦ કરોડ જમા કરવા આદેશ : પાંચ, છ, સાત, ૧૨મી માર્ચના દિવસે ઇડી સમક્ષ હાજર થવા માટેનો આદેશ : સહકાર નહીં કરે તો કઠોર કાર્યવાહી

નવી દિલ્હી, તા. ૩૦ : સુપ્રીમ કોર્ટે કોંગ્રેસી નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને ઇડી સમક્ષ ઉપસ્થિત થવાનો સ્પષ્ટ આદેશ કર્યો છે. કોર્ટે કાર્તિને એરસેલ-મેક્સિસ સોદાબાજી તથા આઈએનએક્સ મિડિયા કેસમાં પાંચ, છ, સાત અને ૧૨મી માર્ચના દિવસે ઇડી સમક્ષ ઉપસ્થિત થવા માટે કહ્યું છે. સાથે સાથે કોર્ટે કાર્તિને વિદેશ જવા માટે ૧૦ કરોડ રૂપિયા જમા કરાવવાનો પણ આદેશ કર્યો છે. ઉપરાંત સુપ્રીમ કોર્ટે કાર્તિને ફટકાર લગાવીને કહ્યું છે કે, જો તેઓ તપાસમાં સહકાર નહીં કરે તો તેમની સામે કઠોર કાર્યવાહી કરવામાં આવશે. કોઇપણ ચાલ રમવામાં આવે પરંતુ કાયદા સાથે રમત રમવાના પ્રયાસ ન કરે તેવી સ્પષ્ટ ચેતવણી કાર્તિને આપવામાં આવી છે. કાર્તિને વિદેશ જવાની મંજુરીની માંગ કરતી અરજી ઉપર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, કાર્તિને ૧૦ કરોડ રૂપિયા બેંકમાં જમા કરવવા પડશે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ કહ્યું હતું કે, કાર્તિ જ્યાં જાય ત્યાં જઇ શકે છે પરંતુ કાયદાકીય ચેડા કરવાની સ્થિતિમાં ખતરનાક સ્થિતિ ઉભી થઇ શકે છે. કોર્ટે કાર્તિ ચિદમ્બરમને કહ્યું હતું કે, તપાસમાં સહકાર નહીં કરવામાં આવે તો કઠોર કાર્યવાહી કરવામાં આવશે. બીજી બાજુ ઇડીએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને કાર્તિની અરજીનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે, કાર્તિ તપાસમાં સહકાર કરી રહ્યા નથી. જો આવી સ્થિતિમાં જો વિદેશ જાય છે તો તપાસમાં વધારે વિલંબ થઇ શકે છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ કહ્યું છે કે, જો કાર્તિ તપાસથી બચવાના પ્રયાસ કરે છે તો ટેનિસ માટે વિદેશ જવાની મંજુરી મળશે નહીં. કોર્ટે તપાસ સંસ્થા સમક્ષ હાજર થવા માટે સૂચના આપી દીધી છે. આ મામલાની સુનાવણી ૩૦મી જાન્યુઆરીના દિવસે અગાઉ રાખવામાં આવી હતી. આઈએનએક્સ મિડિયા મામલામાં સીબીઆઈને રેડકોર્નર નોટિસના લીધે કાર્તિને દરેક વખતે વિદેશ જતા પહેલા સુપ્રીમની મંજુરી લેવી પડે છે. આવી સ્થિતિમાં તેમની તકલીફ સતત વધી રહી છે.

(7:45 pm IST)