Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

SC/ST સંશોધન કાયદા પર પ્રતિબંધનો સુપ્રીમનો ઇન્કાર

કેન્દ્ર સરકારને રાહત : આગામી સુનાવણી ૧૯ ફેબ્રુઆરીએ

નવી દિલ્હી તા. ૩૦ : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મોટી રાહત આપતાં SC/ST અત્યાચાર અધિનિયમ સંશોધન કાયદો ૨૦૧૮ પર રોક લગાવવાનો ઇન્કાર કરી દીધો છે. આ મામલાની આગામી સુનાવણી હવે ૧૯ ફેબ્રુઆરીએ થશે.

તમને જણાવી દઇએ કે, ગત વર્ષ માર્ચમાં સુપ્રીમ કોર્ટે એસટી એસસી કાયદાને થોડો નરમ કરીને તેના પર તાત્કાલિક પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યારબાદ દલિત સંગઠનોએ ભારત બંધનું આહ્વાન કર્યું હતું. સતત થઇ રહેલા વિરોધ પ્રદર્શનને જોતા કેન્દ્ર સરકાર SC/ST અત્યાચાર અધિનિયમ સંશોધન કાયદો ૨૦૧૮ લઇને આવી જેમાં જૂની શરતોને પાછી ફરીથી લાગૂ કરી દેવામાં આવી હતી.

અનુસૂચિત જાતિ, જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૯ હેઠળ જાતિસૂચક શબ્દોના ઉપયોગ સંબંધી ફરિયાદ પર તાત્કાલિક કેસ નોંધવામાં આવતો હતો. તેવા કેસોમાં તપાસ માત્ર ઇન્સ્પેકટર રેન્કના પોલીસ અધિકારી જ કરતા હતા. આ કેસોમાં ફરિયાદ નોંધાયા બાદ તરત જ ધરપકડ કરવાની જોગવાઈ હતી.

આ પ્રકારના મામલાઓમાં આગોતરા જામીન મળી શકતા નહોતા. માત્ર હાઈકોર્ટથી જ નિયમિત જામીન મળી શકતા હતા. સરકારી કર્મચારીની વિરૂદ્ઘ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરતાં પહેલા તપાસ એજન્સીને ઓથોરિટીથી મંજૂરી નહોતી લેવી પડતી. એસસી/એસટી મામલાની સુનાવણી માત્ર સ્પેશલ કોર્ટમાં જ થતી હતી

પરંતુ ૨૧ માર્ચે સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળ નોંધાયેલા મામલામાં તત્કાલિક ધરપકડ પર રોક લગાવી દીધો હતો. કોર્ટે નિર્ણય આપતા કહ્યું કે, સરકારી કર્મચારીઓની ધરપકડ માત્ર સક્ષમ ઓર્થોરિટીની મંજૂરી બાદ હોઇ શકે છે. જે લોકો સરકારી કર્મચારી નથી. તેમની ધરપકડ એસએસપીની મંજૂરીથી થશે. જો કે, કોર્ટે તે સ્પષ્ટ કર્યું છે કે, ઘરપકડની મંજૂરી લેવા માટે તે કારણોના રેકોર્ડ પર રાખવો પડશે.

(3:34 pm IST)