Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

ઠંડીના કહેરથી મધ્યપ્રદેશથી શાળાઓમાં રજા જાહેર : રાજસ્થાનમાં વરસાદની શકયતા

બરફવર્ષાના પગલે જમ્મુના ગામડાઓમાં પહાડો ચડીને જવું પડે છે

નવી દિલ્હી, તા. ૩૦ : જમ્મુ કાશ્મીર સહિત ઉત્તર ભારતમાં સતત થઈ રહેલ ભારે બરફવર્ષાના પગલે મધ્યપ્રદેશના અનેક જિલ્લાઓ શિતલહેરની ચપેટમાં આવી ગયું છે.હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજસ્થાન અને મધ્યપ્રદેશના અનેક ભાગોમાં આજે પણ ઠંડીની આગાહી કરાઈ છે. ગઈકાલે ૨૬ જિલ્લાઓમાં લઘુતમ તાપમાન ૬ ડિગ્રીથી નીચે નોંધાયેલ. ઉમરીયા, ખજુરાહો, નૌગાંવ, દતીયા, ખરગોન, દમોહ, મંડલા અને પંચમઢીમાં લઘુતમ તાપમાન ૩ ડિગ્રીથી નીચે પટકાયેલું રહ્યું હતું. અનેક જિલ્લાઓમાં શાળાઓમાં આવતીકાલ સુધી રજાઓ જાહેર કરી દેવામાં આવી છે.હવામાન વિભાગના નિષ્ણાંત કહે છે કે હજુ એક - બે દિવસ ઠંડીનો કહેર જારી રહેશે.

બરફવર્ષાથી રસ્તા બંધ

જમ્મુ કાશ્મીરમાં ભારે બરફવર્ષાના પગલે રસ્તાઓ ઉપર બરફના થર જામી જતાં રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. જમ્મુ શહેરથી ૨૦૭ કિ.મી. સ્થિત નલથી ગામમાં ગ્રામજનોને બરફના પહાડોની વચ્ચેથી પસાર થવું પડે છે.

ચરૂમાં પારો ૦ ડિગ્રી

રાજસ્થાનમાં પણ જોરદાર ઠંડીનો દોર ચાલુ છે. ગઈકાલે સીકર અને ચરૂમાં તાપમાન માઈનસ ડિગ્રી નોંધાયેલ. ચરૂમાં માઈનસ ૧.૧ અને માઉન્ટ આબુમાં ૦ ડિગ્રી સેલ્સીયસ તાપમાન નોંધાયુ હતું. તો ઝાલાવડમાં ૩ ડિગ્રી તાપમાન સાથે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું.

(3:32 pm IST)