Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

ટ્રીપલ તલાક બિલ બજેટ સત્રમાં પાસ નહિ થાય તો તે રદ્દ થઇ જશે

સરકાર માટે અગ્નિપરીક્ષા સમુ રહેશે સત્ર બિલ પાસ કરવા સરકાર સર્વપક્ષીય બેઠકમાં જોર કરશે

નવી દિલ્હી તા. ૩૦ : નરેન્દ્ર મોદી સરકારના કાર્યકાળમાં સંસદનું છેલ્લું સત્ર ૩૧મી જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે. આ સત્ર સરકાર માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ પૂરવાર થનાર છે. કારણ કે, જે બિલો સરકારે રજૂ કર્યા છે એમાંથી કેટલાક પડતર છે જો આ સત્રમાં આ બિલો પસાર નહીં થશે તો આ બિલો રદ્દ માનવામાં આવશે. આ સત્ર ૩૧મી જાન્યુઆરીથી ૧૩મી ફ્રેબુઆરી સુધી ચાલશે, જેમાં કામના ૧૦ દિવસો છે. આ દસ દિવસોના શરૂઆતના બે દિવસો છેલ્લા બજેટ અને બંને સભાઓની સંયુકત બેઠકમાં રાષ્ટ્રપતિના સંબોધનને સમર્પિત રહેશે.

બે મહિના સુધી ચાલેલ શીતકાલીન સત્રમાં સરકારે ઘણા બધા બિલો કજૂ કર્યા અને પસાર પણ કરાવ્યા હવે આ છેલ્લા સત્રમાં સરકાર માટે ત્રણ મહત્ત્વપૂર્ણ બિલો પસાર કરાવવા ખૂબ જ અનિવાર્ય છે. જેથી આ તરત અમલમાં લાવી શકાય આમાંથી એક ટ્રિપલ તલાક બિલ છે, બીજી મેડિકલ કાઉન્સિલર ઓફ ઈન્ડિયાને ચલાવવા પેનલને મંજૂરી અને ત્રીજી કંપની કાયદામાં સુધારાઓને પરવાનગી અપાવવી છે. હાલના સમયમાં સરકારને ટ્રિપલ તલાક મુદ્દે વિપક્ષી દળોના તીવ્ર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી બાજુ નાગરિકતા બિલનો પણ વિરોધ થઈ રહ્યો છે. સરકાર પણ એના ઉપર મક્કમ છે. આ બિલ હેઠળ ત્રણ પાડોશી દેશોના લઘુમતિ લોકોને ભારતની નાગરિકતા આપવા સરળ કરાવ્યું છે. નાગરિકતા કાયદો પણ ગયા સત્રમાં પસાર થઈ શકયો નથી, કારણ કે, બિલોનો વિરોધ વિપક્ષો કરી રહ્યા હતા.

બંને સભાઓમાં ૩-૪ દિવસ રાષ્ટ્રપતિના સંબોધન અને બજેટની ચર્ચા માટે જશે. ૧૧મી ફેબ્રુઆરીએ પણ ખાનગી સભ્યના બિલ ઉપર ચર્ચા થશે. આમાંથી મુખ્ય બિલો માટે ફકત ૩-૪ દિવસો જ બચે છે. જેમાં વટહુકમોને બદલવું પણ સામેલ છે. જે દિવસે રાષ્ટ્રપતિ બંને સભાઓને સંબોધિત કરશે એ દિવસે ફકત મુખ્ય દસ્તાવેજો જ રજૂ કરી શકાશે.

સંસદીય કાર્યમંત્રી નરેન્દ્રસિંહ તોમર સર્વપક્ષીય બેઠક બોલાવશે. આ બેઠક બુધવારે થઈ શકે છે. એક બાજુ સરકાર આ બિલોને પસાર કરવા ઉપર ભારત મૂકશે બીજી બાજુ વિપક્ષો કેટલાક મુદ્દાઓ ઉપર ચર્ચા કરાવવાની અપેક્ષા રાખી રહ્યા છે. રાજયસભાના અધ્યક્ષ નાયડૂ અને લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન પણ સત્ર પહેલા જુદી-જુદી સર્વપક્ષીય બેઠક બોલાવશે.સંસદીય બાબતોના પૂર્વ સચિવ અજમલ અમાનુલ્લાહનું કહેવું છે કે, શ્નઆ સરકાર માટે એક પડકારરૂપ બજેટ સત્ર થશે કારણ કે આમા કામ વધુ છે અને સમય જરાય નથી. આના માટે સારા સમય અને ફલોર મેનેજમેન્ટની જરૂર પડશે જેથી અવરોધોના લીધે સમય નહીં બગડે. લોકસભાનું વર્તમાન કાર્યકાળ ભંગ કર્યા વિના ૩જી જૂને પૂર્ણ થશે.

લોકસભામાં પ્રક્રિયા મુજબ લોકસભામાં રજૂ કરાયેલા બિલ જો કોઈપણ સભામાં પડતર હોય તો એ કાર્યકાળ સાથે સમાપ્ત થઈ જાય છે.

(3:32 pm IST)