Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

CBIના ડાયરેકટર નક્કી કરવા આજે મોદીની અધ્યક્ષતામાં મળશે બેઠક

ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝા સીબીઆઇ ડાયરેકટર બનવાની રેસમાં સૌથી આગળ

નવી દિલ્હી તા. ૩૦ : સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનના નવા ડાયરેકટર અંગે હજી સુધી કોઈ પણ નિર્ણય લેવાયો નથી. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પસંદગી સમિતિની બેઠક ફરી મળશે. સીબીઆઈના આગામી ડાયરેકટર કોણ બનશે તેનો નિર્ણય ત્રણ સભ્યોની પેનલ કરશે. આ પેનલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ અને લોકસભાના વિપક્ષના નેતા એવા કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે છે.

અગાઉ પણ ગત સપ્તાહમાં સીબીઆઈના ડાયરેકટરની નિમણૂક અંગે ત્રણ સભ્યોની બેઠક યોજાઈ હતી પરંતુ તે અનિર્ણાયક રહી હતી. આ બેઠકમાં શોર્ટ લિસ્ટેડ ઉમેદવારોના અનુભવની વિગતો રજૂ નહીં કરાતા સીબીઆઈ ડાયરેકટર અંગે કોઈ નિર્ણય લઈ શકાયો નહતો.

ઉલ્લેખનીય છે કે ૧૦ જાન્યુઆરીના આલોક વર્માને સીબીઆઇ ડાયરેકટર પદેથી પસંદગી સમિતિએ હટાવ્યા હતા અને તેમને ફાયર સેવાના એમડી, નાગરિક રક્ષા અને હોમ ગાર્ડ્સના એમડી બનાવાયા હતા. જો કે તેમણે આ હોદ્દાનો સ્વીકાર કર્યો ન હતો અને રાજીનામું આપી દીધું હતું.

પીએમઓના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, 'સરકાર આ વખતે કોઈ ચાન્સ નથી લેવા માગતી, એટલા માટે ૧૨ અધિકારીઓના નામ શોર્ટલિસ્ટ કર્યા છે. જે લોકોના નામ શોર્ટલિસ્ટ કરાયા છે તેમાં ૧૯૮૩ બેચના અધિકારી શિવાનંદ ઝા (હાલ ડીજીપી ગુજરાત), બીએસએફના મેનેજિંગ ડાયરેકટર રજનીકાંત મિશ્રા, સીઆઈએસએફના એમડી રાજેશ રંજન, એનઆઈએના એમડી વાય સી મોદી અને મુંબઈ પોલીસ કમિશ્નર સુબોધ જયસ્વાલનું નામ સામેલ છે.'

સરકાર શિવાનંદ ઝાને સીબીઆઈ ડાયરેકટર બનાવી શકે છે કારણ કે ઝા પોલીસ કમિશ્નર તરીકે નિયુકત થયા હતા. ૨૦૨૧માં તેઓ નિવૃત થઈ રહ્યા છે. સૂત્રોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ ઝાના જવાથી ડીજીપી ગુજરાતનું પદ ખાલી થશે માટે મોદી સરકાર સીબીઆઈના ભૂતપૂર્વ એડિશનલ ડાયરેકટર રાકેશ અસ્થાનાને આ પદ સોંપી શકે છે.

(3:24 pm IST)