Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

ગરીબો માટે દર મહિને નિશ્ચિત આવકની થઇ શકે છે જાહેરાત

દોઢ લાખ કરોડના ખર્ચની શકયતા ફકત ગરીબોને જ શામેલ કરાશે

નવી દિલ્હી, તા. ૩૦ : ગરીબો માટે દર મહિને નિશ્ચિત આવક નક્કી કરવા માટે સરકાર બજેટમાં યુનિવર્સલ બેઝીક ઇન્કમ સ્કીમની જાહેરાત કરી શકે છે એક રિપોર્ટ અનુસાર આ યોજના સાથે ઘણી શર્તો જોડી શકાય છે. આ યોજના અરવિંદ સુબ્રમણ્યનની ભલામણોથી અલગ પ્રકારની હશે. આર્થિક સર્વે ર૦૧૬-૧૭માં આવી યોજનાની ભલામણ કરવામાં આવી હતી.

આ યોજનામાં બધાની જયાએ ફકત ગરીબોને શામેલ કરવામાં આવશે. જેનો આધાર ચલ-અચલ સંપતિ, આવક અને ધંધાને બનાવવામાં આવશે. રિપોર્ટમાં સુત્રોના હવાલાથી જણાવાયું છે કે સરકાર યોજનાની સાથે સબસીડી બંધ કરવાનું પગલુ નથી લેવા ઇચ્છતી. સબસીડી બંધ કરવામાં રાજકીય નુકસાનની શકયતા છે.

હાલમાં સબસીડીરૂપે વાર્ષિક ૧,૬૯,૩ર૩ કરોડ રૂપિયા ખર્ચાય છે. આ ઉપરાંત મનરેગા ઉપર વાર્ષિક પપ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. સુત્રો અનુસાર જો આ યોજના સફળ થશે તો સબસીડી હપ્તે હપ્તે બંધ કરી શકાશે. આ યોજના આખા દેશમાં એક સાથે અમલી બનાવવાના બદલે ચરણબદ્ધ રીતે અમલી કરવામાં આવશે. શરૂઆતમાં પાયલોટ પ્રોજેકટ તરીકે ખાસ જીલ્લાઓમાં અમલી બનાવવામાં આવશે.

ઇન્ડીયા રેટીંગને પણ લાગે છે કે સરકાર વચગાળાના બજેટમાં ઇન્કમ સપોર્ટ સ્કીમની જાહેરાત કરશે એનો અર્થએ થાય કે ગરીબોને એક નિશ્ચિત રકમ તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ યોજના પર લગભગ દોઢ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ આવી શકે છે. આ ખર્ચ કેન્દ્ર અને રાજય સરકારો એમ બન્ને વચ્ચે વહેંચાશે. એજન્સી અનુસાર આ યોજના કોઇ પણ પ્રકારની ઋણ માફીથી સારી છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક દિવસ પહેલા જ રેલીમાં જાહેરાત કરી હતી કે જો તેમનો પક્ષ સત્તામાં આવશે તો તે ઇન્કમ સપોર્ટ સ્કીમ લાગુ કરશે. રિપોર્ટમાં કહેવાયું છે કે દેવા માફીની જગ્યાએ કેન્દ્રની ઇન્કમ સપોર્ટ સ્કીમ વધારે સારો વિકલ્પ છે. આ સ્કીમ તેલંગાણાની ઋતુબંધુ યોજના જેવી હોય શકે છે.

ઇન્ડીયા રેટીંગ્સ અનુસાર જો નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ના વચગાળાના બજેટમાં ૮ હજાર રૂપિયા પ્રતિ એકર વાર્ષિક ઇનકમ સપોર્ટ આપવામાં આવે તો નાના ખેડૂતોને વાર્ષિક ર૭૯૪ર રૂપિયા મળી શકે. (૮.૭)

(11:26 am IST)