Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

મોદી સરકારથી નારાજ NSCનાં ચેરમેન - સભ્યનું રાજીનામુ

કોંગ્રેસનો આરોપ વધુ એક સાર્વજનિક સંસ્થાને બરબાદ કરવાનો પ્રયાસઃ રાજીનામા આપનારના આરોપો... ઉપેક્ષા થતી'તી : સરકારે સંસ્થાને 'બકરી' બનાવી દીધી : કામને ગંભીરતાથી ધ્યાને લેવાતું ન્હોતું

નવી દિલ્હી તા. ૩૦ : રાષ્ટ્રીય સેમ્પલ સર્વે સંગઠન (એનએસએસઓ)ના વર્ષ ૨૦૧૭-૧૮ના રોજગાર અને બેરોજગારી પર પહેલા સર્વેને રોકવાનો વિરોધ કરીને નેશનલ સ્ટેટેટીકસ કમિશન (એનએસસી)ના કાર્યવાહક ચેરમેને સોમવાર ૨૮ જાન્યુઆરીએ રાજીનામુ આપ્યું હતું. તેમના એક સહયોગીએ પણ પદ છોડી દીધું છે. સ્ટેટેથેશ્યન પી.સી.મોહનન અને દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિકસમાં પ્રોફેસર જે.વી.મીનાક્ષીને જૂન ૨૦૧૭માં એનએસસીમાં સભ્ય પદે નિયુકત કરાયા હતા. બંનેને ત્રણ વર્ષનો કાર્યકાળ અપાયો હતો. હાલમાં એનએસસીની કમાન નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંત સંભાળી રહ્યા છે.

એનએસએસઓના જે રીપોર્ટમાં મોડું થવાના કારણે બંનેએ રાજીનામુ આપ્યું છે, તે આ સરકારમાં આવનાર આ પ્રકારનો પહેલો રિપોર્ટ છે. એવું માનવામાં આવતું હતું કે, તેમાં નોટબંધી પછી ઘટેલી નોકરીઓના આંકડા સામે આવશે. એનએસસી ૨૦૦૬માં બનેલી એક સ્વાયત સંસ્થા છે. તેનું કામ દેશની સ્ટેટેટીકલ સીસ્ટમની સમિક્ષા કરવાનું છે. ત્રણ વર્ષ પહેલા જીડીપી આધારિત ડેટાના અંતિમ રૂપને લઇને નીતિ આયોગે એનએસસીને બાજુમાં રાખી દીધી હતી.

મોહનને પત્રકારોને જણાવ્યું કે, સામાન્ય રીતે એવી કાર્યપધ્ધતિ છે કે એનએસએસઓ પોતાના તારણોને આયોગ સમક્ષ રજુ કરે છે અને તે એકવાર મંજુર થઇ ગયા પછી, તે રિપોર્ટ થોડાક દિવસોમાં બહાર પડાય છે. અમે એનએસએસઓના સર્વેને ડીસેમ્બર (૨૦૧૮)ની શરૂઆતમાં મંજૂર કર્યો હતો પણ લગભગ બે મહિના પસાર થયા પછી પણ રિપોર્ટને જાહેર નથી કરવામાં આવ્યો.

મોહનને કહ્યું, 'લાંબા સમય સુધી અમે અનુભવ કર્યો કે, સરકાર એનએસસીને ગંભીરતાથી નથી લઇ રહી. મોટા નિર્ણયો લેતી વખતે એનએસસીને અંધારામાં રાખવામાં આવે છે. અમે અમારી કામગીરી પ્રભાવક રીતે નહોતા કરી શકતા.' એનએસએસઓના એક સૂત્રનું કહેવું છે કે, ૨૦૧૭-૧૮ના જોબ સર્વેમાં રોજગાર અંગેના આંકડાઓ સારા નથી એ કારણે જ આ રિપોર્ટ રોકવામાં આવ્યો છે.

આ પહેલા દર પાંચ વર્ષે એનએસએસઓ જોબ સર્વે કરતું હતું. છેલ્લે આ પ્રકારનો સર્વે ૨૦૧૧-૧૨માં બહાર પડાયો હતો. ત્યાર પછીનો સર્વે ૨૦૧૬-૧૭માં આવી જવો જોઇતો હતો. જૂલાઇ ૨૦૧૭થી જૂન ૨૦૧૮ દરમિયાન કરાયેલા એનએસએસઓના પહેલા વાર્ષિક સર્વેમાં નોટબંધીની પહેલા અને પછીના આંકડાઓ શામેલ કરાયા હતા.

એનએસસીએ બે મહિના પહેલા રિપોર્ટને મંજુરી આપી હતી. તેમ છતાં તે રિપોર્ટ બહાર નથી પડાયો. સરકારે આ રિપોર્ટને રદ્દ કરતા કહ્યું હતું કે, આ એક ખોટી કવાયત છે.

બંને સભ્યોના રાજીનામા અપાયા પછી તરત જ કોંગ્રેસી નેતા અહમદ પટેલે ટ્વીટ કરીને મોદી સરકાર પર નિશાન તાકયું હતું. તેમણે ટ્વીટમાં કહ્યું કે, એનએસસીમાંથી બધા બિનસરકારી સભ્યોના રાજીનામાથી વધુ એક સાર્વજનિક સંસ્થા અયોગ્ય અને દંતહીન બની ગઇ છે. તેમણે કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષથી ચાલતા પોતાના કુશાસનના તમામ ડેટા અને આંકડાઓ હટાવવાનો સરકારનો ઉદ્દેશ પુરો કરવાની આ ચાલ છે.(૨૧.૭)

(10:32 am IST)