Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

સુમન કુમારી છે પાકિસ્તાનમાં નિયુકત થયેલા પ્રથમ હિન્દુ મહિલા ન્યાયાધીશ

ઈસ્લામાબાદ તા. ૩૦ : સુમન કુમારી બોડાની મુસ્લિમોની બહુમતીવાળા દેશ પાકિસ્તાનમાં સિવિલ જજ તરીકે નિયુકિત હાંસલ કરવાનું પ્રથમ હિન્દુ મહિલા તરીકેનું બહુમાન પ્રાપ્ત થયું છે. સુમન કુમારી સિંધ પ્રાંતના કમ્બર-શહાડકોટનાં વતની છે અને તેઓ એમનાં વતન જિલ્લાની જ કોર્ટમાં ન્યાયાધીશ તરીકે ફરજ બજાવશે.

સુમન કુમારીએ હૈદ્રાબાદમાંથી એલએલબી પરીક્ષા પાસ કરી હતી અને બાદમાં કરાચીની યુનિવર્સિટીમાંથી કાયદામાં માસ્ટર્સની ડિગ્રી હાંસલ કરી હતી.

એમણે કહ્યું કે સિંધ પ્રાંતના ગરીબ વિસ્તારોમાં રહેતાં લોકોને કાનૂની સલાહ તથા સહાયની ખૂૂબ જરૂર છે એવું મને જણાયું હતું એટલે હું કાયદાનાં ક્ષેત્રમાં પ્રવેશી હતી. મારાં પિતા તથા મારાં પરિવારજનોએ મને ખૂબ જ ટેકો આપ્યો છે, કારણ કે અમારાં સમાજમાં મહિલાઓ માટે આ પ્રકારના ક્ષેત્રોમાં પ્રવેશવાનું આસાન હોતું નથી.

સુમન કુમારીનાં પિતા ડો. પવનકુમાર બોડાનીની ઈચ્છા છે કે એમની પુત્રી ગરીબ લોકોને, ખાસ કરીને હિંદુ સમાજનાં લોકોને મફતમાં કાનૂની સહાયતા કરે. એમણે કહ્યું કે સુમને આ પડકારજનક વ્યવસાય પસંદ કર્યો છે, પણ મને ખાતરી છે કે એ સખત પરિશ્રમ તથા પ્રામાણિકતા વડે પ્રગતિ હાંસલ કરશે. બોડન પોતે આંખોનાં નિષ્ણાત છે. સુમનની મોટી બહેન સોફટવેર એન્જિનીયર છે તથા એક અન્ય બહેન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે.

સુમન સંગીતનાં શોખીન છે અને લતા મંગેશકર તથા આતીફ અસલમ જેવા ગાયકોનાં ચાહક છે. ભૂતકાળમાં, રાણા ભગવાનદાસ પાકિસ્તાનમાં જજ તરીકે નિયુકત થનાર હિન્દુ સમાજનાં પ્રથમ વ્યકિત હતા. એમણે ૨૦૦૫-૦૭ના વર્ષો વચ્ચે પાકિસ્તાનનાં કાર્યવાહક ચીફ જસ્ટિસ તરીકે સેવા બજાવી હતી. પાકિસ્તાનમાં કુલ વસ્તીમાં હિન્દુઓ લગભ બે ટકા છે. પાકિસ્તાનમાં ઈસ્લામ બાદ હિન્દુ બીજા નંબરનો મોટો ધર્મ છે.(૨૧.૪)

(10:12 am IST)