Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

ફર્નાન્ડિઝે ટ્રેડ યુનિયન નેતા તરીકે કેરિયર શરૂ કરી હતી

નવ વખત લોકસભા ચૂંટણી જીતી ગયા હતા : કારગિલ યુદ્ધ અને પરમાણુ પરીક્ષણ વેળા દેશના સંરક્ષણ પ્રધાન તરીકે હતા : કોંકણ રેલવે પ્રોજેક્ટમાં મુખ્ય ભૂમિકા

નવીદિલ્હી, તા. ૨૯ : પૂર્વ સંરક્ષણમંત્રી જ્યોર્જ ફર્નાન્ડિઝ છેલ્લા ઘણા સમયથી બિમાર ચાલી રહ્યા હતા. આજે નવી દિલ્હી સ્થિત પોતાના સરકારી આવાસ ઉપર સાત વાગે અંતિમ શ્વાસ લીધા હતા. ફર્નાન્ડિઝ અલઝાઈમર બિમારીથી ગ્રસ્ત હતા. ત્રીજી જૂન ૧૯૩૦ના દિવસે કર્ણાટકમાં જન્મેલા જ્યોર્જ ફર્નાન્ડિઝે પોતાની રાજકીય કેરિયરની શરૂઆત ટ્રેડ યુનિયન નેતા તરીકે કરી હતી. મોડેથી તેઓ સંરક્ષણમંત્રી બન્યા હતા. ફર્નાન્ડિઝે કેરિયરની શરૂઆતમાં સોશિયલિસ્ટ ટ્રેડ યુનિયન મુવમેન્ટ ચલાવી હતી ત્યારબાદ ટ્રેડ યુનિયન નેતા બન્યા હતા. ટ્રેડ યુનિયનના નેતા બન્યા બાદ તેઓએ ૧૯૫૦ અને ૧૯૬૦ના દશકમાં મુંબઈમાં અનેક હડતાળો પાડી હતી. અનેક બંધની હાકલ કરી હતી. જ્યારે ફર્નાન્ડિઝને યાદ કરવામાં આવે છે ત્યારે દિલોદિમાગમાં એક ન્યાય માટે લડત ચલાવનાર આક્રમક ટ્રેડ યુનિયન નેતાની યાદ આવી જાય છે. તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા ઇમરજન્સીની જાહેરાત કરવામાં આવી ત્યારે તેમની ભૂમિકા મહત્વની રહી હતી. ધરપકડને ટાળવા માટે થોડાક દિવસ શીખ વેષમાં રહ્યા હતા. જાહેર જીવનમાં પોતાના ગાળા દરમિયાન જ્યોર્જ ફર્નાન્ડિઝ હંમેશા ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા. જ્યોર્જ ફર્નાન્ડિઝ અનેક મોટા હોદ્દા ઉપર રહી ચુક્યા છે. રાજકારણી, પત્રકાર, કૃષિ નિષ્ણાત અને બિહારના રાજ્યસભાના સભ્ય તરીકે તેઓએ સેવા આપી હતી. સમતા પાર્ટીની તેઓએ સ્થાપના કરી હતી. દૂરસંચાર, ઉદ્યોગ, રેલવે, સંરક્ષણ જેવા ખાતા તેઓએ સંભાળ્યા હતા. મેગ્લોરના નિવાસી ફર્નાન્ડિઝ ખુબ જ આક્રમક નેતા તરીકે રહ્યા હતા. દક્ષિણ મુંબઈમાંથી ૧૯૬૭ની ચૂંટણીમાં તેઓએ કોંગ્રેસના એસકે પાટિલને હાર આપી હતી. ૧૯૭૭માં જ્યારે ઇમરજન્સી ઉઠાવી લેવાઈ ત્યારે ફર્નાન્ડિઝ બિહારના મઝફ્ફરપુર સીટ પરથી જીત મેળવી હતી. જ્યારે તેઓ કેન્દ્રીય મંત્રી હતા ત્યારે ફર્નાન્ડિઝે મૂડીરોકાણના ભંગ બદલ દેશમાંથી જતા રહેવા મહાકાય અમેરિકન કંપની આઈબીએમ અને કોકાકોલાને આદેશ કર્યો હતો. કોંકણ રેલવે પ્રોજેક્ટમાં તેમની ભૂમિકા મહત્વની હતી. રેલવેમંત્રી હતા ત્યારે તેઓએ આ પ્રોજેક્ટને આગળ વધાર્યો હતો. આ ઉપરાંત તેઓ સંરક્ષણ મંત્રી હતા ત્યારે કારગિલ યુદ્ધ થયું હતું. તેઓ સંરક્ષણ મંત્રી હતા ત્યારે જ ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યા હતા. જો કે, ફર્નાન્ડિઝની પ્રતિષ્ઠાને તહેલકામાં ફટકો પડ્યો હતો. ફર્નાન્ડિઝ ૧૯૬૭થી ૨૦૦૪ દરમિયાન નવ વખત લોકસભા ચૂંટણી જીત્યા હતા.

ફર્નાન્ડિઝ પ્રોફાઇલ.....

 

નામ

જ્યોર્જ મેથ્યુ ફર્નાન્ડિઝ

જન્મતારીખ

૩૦ જૂન ૧૯૩૦

જન્મસ્થળ

મેંગ્લોર (મદ્રાસ) હાલ કર્ણાટક

મૃત્યુ તારીખ

૨૯મી જાન્યુઆરી ૨૦૧૯

મૃત્યુ સ્થળ

નવીદિલ્હી

નાગરિકતા

ભારતીય

રાજકીય પાર્ટી

સમતા પાર્ટી

પત્નિ

લૈલા કબીર

પુત્ર

એક

નિવાસસ્થાન

બંગ્લોર (કર્ણાટક)

સિદ્ધિ

સંરક્ષણ, રેલવે, કોમ્યુનિકેશ, ઇન્ડસ્ટ્રી

 

મિનિસ્ટર બન્યા

વિશેષ સિદ્ધિ

૧૦ ભાષાના જાણકાર

સફળત

૯ વખત લોકસભામાં જીત

(12:00 am IST)