Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

સેન્સેક્સ ૯૧ અને નિફ્ટી ૨૦ પોઈન્ટનો કડાકો થયો

બજાર તેજીની ગતિને જાળવી ન શક્યું : એસબીઆઈમાં મહત્તમ ૧ ટકાથી વધુનો ઘટાડો, આઈટીસી, એનટીપીસી, ટેક મહિન્દ્રાના શેર પણ તૂટ્યા

મુંબઈ, તા.૨૯ : સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે બુધવારે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. જોકે સવારે બજારમાં ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ બજાર બંધ થવાના સમય સુધી તે ગતિ જાળવી શક્યું ન હતું. વહેલી સવારે સેન્સેક્સે ૧૦૦ પોઈન્ટથી વધુનો ઉછાળો જોયો હતો, પરંતુ તે ૯૦.૯૯ પોઈન્ટ (૦.૧૬%) ઘટીને ૫૭,૮૦૬.૪૯ પર બંધ થયો હતો. એચડીએફસી બેંક, એસબીઆઈ અને આઈટીસીમાં બે દિવસના ઉછાળા પછી બુધવારે પ્રોફિટ-બુકિંગ પર ઈક્વિટી બેન્ચમાર્ક સેન્સેક્સમાં આ ઘટાડો જોવા મળ્યો હતો. તે જ સમયે, ટ્રેડિંગ દિવસની શરૂઆતમાં, નિફ્ટી ૨૮.૪૫ પોઈન્ટ્સ (૦.૧૭ ટકા) વધીને ૧૭,૨૬૧.૭૦ પર પહોંચ્યો હતો પરંતુ તે પણ ફાયદો ચાલુ રાખી શક્યો ન હતો અને ૧૯.૬૫ પોઈન્ટ (-૦.૧૧%) ઘટીને ૧૭,૨૧૩.૬૦ પર બંધ થયો હતો.

એસબીઆઈમાં મહત્તમ ૧ ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. તે પછી આઈટીસી, એનટીપીસી, ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, કોટક બેંક અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો સમાવેશ થાય છે. બીજી તરફ, સન ફાર્મા, ઇન્ડસઇન્ડ બેંક, ડૉ. રેડ્ડીઝ અને બજાજ ફિનસર્વના શેરના બાવ વધ્યા હતા. નિષ્ણાતોનું કહેવું છે કે વૈશ્વિક બજારોમાં નબળા વલણ બાદ સમગ્ર સત્ર દરમિયાન બજારમાં તેજી રહી છે.

જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે ઓમિક્રોન વેરિઅન્ટ માટે સરકાર અને બજારની પ્રતિક્રિયામાં બે અલગ-અલગ વલણો છે. તેમણે કહ્યું, વૈશ્વિક સ્તરે સરકારો સાવધાની સાથે પ્રતિક્રિયા આપી રહી છે અને કેટલાક નિયંત્રણો લાદી રહી છે.

ભારતમાં પણ મહારાષ્ટ્ર અને દિલ્હીએ વધતા કેસોના સંદર્ભમાં કેટલાક નિયંત્રણો લાદ્યા છે. પરંતુ, બજારોએ ઓમિક્રોન વેરિઅન્ટ પર પ્રતિક્રિયા આપી છે કે તે રોગચાળાના છેલ્લા તબક્કાને ચિહ્નિત કરે છે.*

તેમણે વધુમાં ઉમેર્યું, બજાર માટે એક મજબૂત સકારાત્મક બાબત એ છે કે એફઆઈઆઈ  ખરીદદારો બની ગયા છે. આ નાણાકીય, ખાસ કરીને અગ્રણી બેંકિંગ શેરો માટે સારા સંકેત આપે છે, જેઓ અત્યારે આકર્ષક મૂલ્યાંકન ધરાવે છે. ક્રૂડ ઓઇલમાં વધારો એ મેક્રો હેડવાઇન્ડ છે. એશિયાની વાત કરીએ તો શાંઘાઈ, હોંગકોંગ, સિયોલ અને ટોક્યોના શેરબજાર નુકસાન સાથે બંધ થયા છે.

 

(7:43 pm IST)