Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

આંધ્ર ભાજપ પ્રદેશ અધ્યક્ષનું અજબ ગજબનું નિવેદનઃ સત્તામાં આવશું તો પ૦ રૂપીયામાં દારૂની કવાર્ટર બોટલ આપશું

સરકારના લોકોની દારૂની ફેકટરી છે તેઓ ભેળસેળીયો દારૂ આપે છે અમે સસ્તો અને ચોખ્ખો દારૂ આપશું: મતદારોને આપ્યું વચન

વિજયવાડા, તા., ર૯: આંધ્રપ્રદેશ ભાજપ અધ્યક્ષ સોમુ વીર રાજુનું અજબ ગજબનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહયું છે કે, જો ભાજપ સતામાં આવશે તો પ્રદેશમાં પ૦ રૂા.માં ગુણવત્તાવાળા દારૂની કવાર્ટર બોટલ ઉંપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે કહયું છે કે, હાલ રાજયમાં ગુણવત્તાવાળા દારૂની કવાર્ટર બોટલ ર૦૦ રૂા.માં મળી રહી છે. તેઓ ગઇકાલે એક જનસભાને સંબોધી રહયા હતા. આ દરમિયાન તેમણે આવુ નિવેદન કર્યુ હતું. તેમણે કહયું છે કે, રાજયમાં ઉંંચા ભાવે દારૂ વેચાઇ રહયો છે અને સારી બ્રાન્ડવાળો દારૂ મળતો નથી.
ભાજપના પ્રદેશ અધ્યક્ષે કહયું હતું કે,  પ્રદેશમાં દરેક વ્યકિત દારૂ ઉંપર દર મહિને ૧ર હજાર રૂપીયાનો ખર્ચ કરે છે. રાજયમાં ૧ કરોડ લોકો દારૂ પીવે છે. હું ઇચ્છુ છું કે આ ૧ કરોડ લોકો ભાજપને મત આપે. ભાજપની સરકાર આવવા પર તેઓને ૭પ રૂપીયામાં ગુણવત્તાવાળો દારૂ પુરો પાડવામાં આવશે. જો આવક સારી રહેશે તો પ૦ રૂપીયામાં પણ બોટલ મળશે. તેમણે આરોપ લગાવ્યો હતો કે સરકારના લોકોની દારૂની ફેકટરીઓ છે. જે રાજયમાં ખરાબ ગુણવતાવાળો દારૂ પુરો પાડે છે. તેમણે રાજયમાં સસ્તા દારૂ માટે ભાજપને મત આપવા અપીલ કરી હતી.

 

(11:38 am IST)