Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

અમેરિકા, બ્રિટન અન ફ્રાંસમાં કોરોના વિસ્ફોટથી હડકંપ

ઓમીક્રોને મચાવ્યો કાળો કેર

લંડન, તા.૨૯: વિશ્વભરમાં કોરોના કેસ સતત વધતા જાય છે. અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને ફ્રાંસ સહિત અન્ય દેશોમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. બ્રિટનમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના રેકોર્ડ બ્રેક ૧,૨૯,૪૭૧ નવા કેસ જાહેર થયા છે. તો અમેરિકામાં જયાં સાપ્તાહિક સંક્રમણમાં ૫૭.૭ ટકાનો વધારો થયો છે. જયારે બ્રિટનમાં છેલ્લા એક અઠવાડીયા દરમ્યાન ૭,૬૩,૨૯૫ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. આવી જ પરિસ્થિતી ઓસ્ટ્રેલીયા અને આર્જેન્ટીનાની છે જયાં એક દિવસમાં નવા કેસ ડબલ થઇ ગયા છે.
અમેરિકામાં કોરોનાનો કહેર ચાલુ જ છે. અહીં રોજ આવતા નવા કેસોમાં ૭૬ ટકા ઓમીક્રોનના છે. સોમવારે એક જ દિવસમાં ૨,૧૩,૦૫૦ નવા કેસ આવ્યા છે. અધિકારીઓ અનુસાર, ૨૦ ડીસેમ્બરે એક અઠવાડીયામાં રોજીંદા સરેરાશ ૧,૪૯,૫૨૫ નવા કેસ આવ્્યા હતા. ૨૭ ડીસેમ્બરે એક અઠવાડીયામાં રોજના સરેરાશ ૨,૩૫,૮૫૬ નવા કેસ સામે આવી રહ્યા છે. એટલે કે સાપ્તાહિક સંક્રમણમાં ૫૭.૭ ટકાનો વધારો જોવા મળ્યો છે. સીડીસી અનુસાર, અમેરિકામાં  બાળકોમાં સંક્રમણ પછી હોસ્પિટલમાં દાખલ થવાના કેસ ૪ ગણા વધી ગયા છે જે ચિંતાજનક છે.
બ્રિટનમાં રોજે રોજ કોરોનાના કેસો રેકોર્ડ બ્રેક વધતા જાય છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના રેકોર્ડ ૧,૨૯,૪૭૧ નવા કેસો જાહેર થયા છે. જો એક અઠવાડીયાના કેસો પર નજર નાખીએ તો લગભગ ૭,૬૩,૨૯૫ લોકો સંક્રમિત થયા છે. આર્જેન્ટીનામાં પણ સોમવારે છ  મહિનામાં પહેલીવાર એક દિવસમાં ૨૦ હજાર નવા કેસ આવ્યા છે. ફ્રાંસમાં પણ એક દિવસમાં ૧ લાખથી વધારે નવા કેસો આવ્યા પછી નવા વર્ષની ઉંજવણી પર કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

 

(11:37 am IST)