Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

સાંઈ સંસ્થાનનો મોટો નિર્ણય

સાંઈબાબાનું મંદિર ૩૧ ડિસેમ્બરે બંધ રહેશે

સાંઈબાબા મંદિરના લાડુ કેન્દ્ર અને પ્રસાદાલય પણ બંધ રહેશેઃ કર્ફયુના કારણે મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે

શિરડી,તા. ૨૮: શિરડીમાં સાંઈબાબા મંદિર ૩૧ ડિસેમ્બરે બંધ રહેશે. નવા વર્ષમાં અહીં લાખો ભકતો દર્શન માટે આવે છે. આથી જિલ્લા કલેકટરના સૂચન બાદ સાંઈસંસ્થાએ આ નિર્ણય લીધો છે. શિરડીમાં સાંઈ મંદિર ૧ જાન્યુઆરીએ સવારે ૬ વાગ્યે ખૂલશે.

દર વર્ષે ૩૧મી ડિસેમ્બરે મંદિરને ભકતોની સુવિધા માટે રાતભર ખુલ્લું રાખવામાં આવે છે. જોકે, આ વર્ષે પ્રતિબંધોને કારણે મંદિર બંધ રહેશે. સાંઈમંદિર પ્રશાસને એક અખબારી યાદી બહાર પાડીને નિર્ણય જાહેર કર્યો છે. ઉપરાંત, ભકતોને સવારની કાકડ આરતીમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. સાંઈબાબા મંદિરના લાડુ કેન્દ્ર અને પ્રસાદાલય પણ બંધ રહેશે. કર્ફ્યુના કારણે મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

કેન્ટીનની સુવિધા પણ શ્રદ્ઘાળુઓ માટે બંધ રહેશે. શિરડીના શ્રી સાંઈબાબા સંસ્થાન દ્વારા જારી કરાયેલા નવા આદેશ અનુસાર, એક સમયે એક હજારથી વધુ શ્રદ્ઘાળુઓ પ્રસાદ ખાય છે. જોકે, રાજયમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. તદનુસાર, પાંચથી વધુ લોકોને એકઠા થવાની મંજૂરી નથી.

રાજયમાં છેલ્લા બે દિવસમાં એક હજારથી વધુ પોઝિટિવ દર્દીઓ જોવા મળ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ હેઠળ, સમગ્ર રાજયમાં કેટલાક વધારાના નિયંત્રણો લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે નાતાલના તહેવારો, લગ્ન સમારોહ અને નવા વર્ષની જાહોજલાલીમાં ચેપનું જોખમ વધી શકે છે.

(12:00 am IST)