Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

કોવિડ વેક્સિનેશન સર્ટીફિકેટને પાસપોર્ટ સાથે કરવું પડશે લિંક : નવી માર્ગદર્શિકા જાહેર : જાણો કઈ રીતે કરશો લિંક

અભ્યાસ, નોકરી અથવા પ્રવાસ માટે વિદેશ જતા લોકોએ કોવિડ-19 રસીકરણ પ્રમાણપત્રને તેમના પાસપોર્ટ સાથે લિંક કરવું પડશે

નવી દિલ્હી : કોરોનાના કેસ વચ્ચે દેશની સરહદની બહાર જવા માટે તમારી પાસે માન્ય પાસપોર્ટ હોવો આવશ્યક છે. પરંતુ કોરોના સમયગાળા દરમિયાન કોઈપણ જગ્યાએ મુસાફરી કરવા માટે કોરોના માર્ગદર્શિકાનું પાલન કરવું ખૂબ જરૂરી છે. બીજી સૌથી મહત્વની બાબત કોવિડ રસીકરણનું પ્રમાણપત્ર છે.

કોવિડના સમયમાં મુસાફરી કરવા અંગે તમામ દેશોના પોતાના નિયમો છે. કેન્દ્ર સરકારે કોવિડ-19 રસીકરણ પ્રમાણપત્ર અંગે નવી માર્ગદર્શિકા બહાર પાડી હતી, જે મુજબ અભ્યાસ, નોકરી અથવા પ્રવાસ માટે વિદેશ જતા લોકોએ કોવિડ-19 રસીકરણ પ્રમાણપત્રને તેમના પાસપોર્ટ સાથે લિંક કરવું પડશે. જો તમે પણ કોઈ અભ્યાસ કે નોકરીના સંબંધમાં વિદેશ જવા ઈચ્છો છો તો તમારે પણ તેની જરૂર પડશે.

તમારા પાસપોર્ટને તમારા પ્રમાણપત્ર સાથે લિંક કરવા માટે, તમારે આ સ્ટેપ્સને ફોલોવ કરવા પડશે

1 પાસપોર્ટ અને રસીકરણ પ્રમાણપત્ર લિંક કરવા માટે સૌપ્રથમ cowin.gov.in વેબસાઈટ પર જાઓ.
2 લોગીન કર્યા પછી પાસપોર્ટ વિકલ્પ પસંદ કરો.
3 અહીં, ડ્રોપ-ડાઉન મેનુમાંથી વ્યક્તિને પસંદ કરો. આ કર્યા પછી પાસપોર્ટ નંબર દાખલ કરો.
4 હવે, છેલ્લે બધી વિગતો દાખલ કરો અને સબમિટ કરો.
5 આ કર્યા પછી તમને ટૂંક સમયમાં પાસપોર્ટ લિંક સાથેનું નવું કોવિડ -19 રસીકરણ પ્રમાણપત્ર મળશે.
6. તમે આ નવું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી સાચવી શકો છો.

રસીકરણ પ્રમાણપત્રમાં પાસપોર્ટ નંબર લિંક કરવા માટે ઉમેદવારની વિગતો સમાન હોવી જોઈએ. ધારો કે પ્રમાણપત્રમાં તમારું નામ ખોટું છે તો તમે તેના પોર્ટલ પર જઈને તેને સુધારી શકો છો. પરંતુ યાદ રાખો કે અહીં નામ બદલવાનો વિકલ્પ ફક્ત એક જ વાર ઉપલબ્ધ છે, તેથી તમારે ખૂબ કાળજીથી કામ કરવાની જરૂર છે.

વેક્સિનેટેડ મુસાફરો માટે વૈશ્વિક સ્તરે કોઈ નિશ્ચિત ધોરણો નથી અને મોટાભાગના દેશોના પોતાના નિયમો છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે જો તમે રસી ન લીધી હોય તો તમે વિદેશ જઈ શકતા નથી. તેથી, જેઓ વિદેશ પ્રવાસનું આયોજન કરે છે તેમના પાસપોર્ટને રસીના પ્રમાણપત્ર સાથે લિંક કરવું જરૂરી બને છે.

(12:00 am IST)