Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

ઘોડા પલાણી વિરોધ પ્રદર્શિત કરતા યુવા કોંગી આગેવાન રાજદિપસિંહ સાથે પોલીસનું બેહુદુ વર્તન

ઘોડા પરથી ખેંચી ગાળો ભાંડી : ગુન્હેગારની માફક ઢસડીને જીપમાં બેસાડી દીધા : ભાજપને સારા થવા પોતાનો વિસ્તાર ન હોવા છતાં એસીપી રાઠોડ, પીઆઇ ગઢવી, ફોજદાર જેબલીયા યાજ્ઞીક રોડ પર શા માટે આવ્યા ? : રાજદિપસિંહનો પ્રશ્ન : મારા સાથે અણછાજતુ વર્તન કર્યું એ તો ઠીક ઘોડાને પણ પોલીસે ફટકારી એનિમલ ક્રુએલ્ટી એકટનો ભંગ કર્યો : પીઆઇ વી.કે.ગઢવીના વિસ્તારમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિના ભાંડાફોડની રાજદિપસિંહની ચીમકી

રાજકોટ તા. ૨૯ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે સમગ્ર રાજ્યમાં પેટ્રોલ - ડીઝલના છેલ્લા ૨૦-૨૦ દિવસથી વધી રહેલા ભાવ સામે લોકોના રોષની વાચા આપવા ઘોડા પર વિરોધ પ્રદર્શિત કરવાના કાર્યક્રમને પોલીસે બળજબરીથી ડામી દેતા હોય તેમ યુવા કોંગી અગ્રણી રાજદિપસિંહ જાડેજા સાથે અત્યંત બેહુદુ વર્તન કર્યું હતું. આ બારામાં અકિલા સમક્ષ રાજદિપસિંહ જાડેજાએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, પોલીસ અમલદારોએ ભાજપના હાથા બની કાર્ય કર્યું હતું. મને ગાળો ભાંડી ગુન્હેગારની માફક ઢસડી જીપમાં બેસાડી દીધો હતો. એટલું જ નહિ મે જે ઘોડા પર સવારી કરી હતી તે ઘોડાને પણ પોલીસે ફટકારી એનીમલ ક્રુએલ્ટી એકટનો ભંગ કર્યો હતો.

કાલાવડ રોડ પરથી ઘોડા પર ઘોડેસવારી કરી ત્રિકોણબાગ પહોંચવાના શહેર કોંગ્રેસના કાર્યક્રમ અંતર્ગત યુનિવર્સિટીના સેનેટ મેમ્બર અને પ્રદેશ મંત્રી રાજદિપસિંહ જાડેજા યાજ્ઞિક રોડ પર પહોંચ્યા ત્યારે બે જીપમાં ધસી આવેલા એસીપી રાઠોડ, પીઆઇ વી.કે.ગઢવી અને પીએસઆઇ જેબલીયાએ અત્યંત ગલીચ ભાષા વાપરી ધરપકડ કરી હતી.

આ બારામાં રાજદિપસિંહ જાડેજાએ આક્રોશ વ્યકત કરતા જણાવ્યું છે કે, ત્રણેય પોલીસ અમલદારોનું કાર્યક્ષેત્ર ન હોવા છતાં ભાજપને સારા થવા આવ્યા હોય તેમ મને ઘોડા પરથી ખેંચી કાઢી જીપમાં ઢસડીને બેસાડી દેવાયો હતો. લોકશાહી ઢબે થઇ રહેલા વિરોધને બળજબરીથી ડામી દેવા પોલીસે કંઇ બાકી રાખ્યું ન હતું. પ્રજાના પ્રશ્ને વિરોધ નોંધાવી રહેલા જન પ્રતિનિધિઓ સાથે પોલીસ ગાળાગાળી કરે એ વાત અત્યંત ખેદજનક છે.

પીઆઇ ગઢવી અને જેબલીયાએ પોતાના વિસ્તારમાં આવતા જંગલેશ્વર જેવા વિસ્તારોની કાયદો વ્યવસ્થાની ઉપર ધ્યાન દેવું જોઇએ. તેમના વિસ્તારમાં ચાલતા દારૂ - જુગારના ધંધાને અટકાવવા સક્રિયપણે કામગીરી કરવી જોઇએ. પ્રજાના પ્રતિનિધિને પકડવા નહિ તેમ રાજદિપસિંહે ઉમેર્યું હતું. સાથોસાથ આવતા દિવસોમાં વી.કે.ગઢવીના વિસ્તારમાં ચાલી રહેલી ગેરકાયદે પ્રવૃત્તિના ભાંડાફોડની પણ ચીમકી આપી હતી. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:57 pm IST)