Gujarati News

Gujarati News

News of Friday, 29th April 2022

ઈઝરાયેલમાં પેલેસ્ટાઈની પથ્થરબાજો અને ઈઝરાયેલી પોલીસ વચ્ચે ઘર્ષણ: ૪૨ પેલેસ્ટાઈની નાગરિકોને ઈજા

પોલીસે પથ્થરમારો કરીને ઘર્ષણ સર્જનારા ત્રણની ધરપકડ કરી

ઈઝરાયેલમાં પેલેસ્ટાઈની પથ્થરબાજો અને ઈઝરાયેલી પોલીસ વચ્ચે ફરીથી ઘર્ષણ થયું છે. શુક્રવારની નમાઝ વખતે પોલીસ ઉપર પથ્થરમારો થતાં પોલીસે વળતી કાર્યવાહી કરી હતી. એમાં ૪૨ પેલેસ્ટાઈની નાગરિકોને ઈજા થઈ હતી. પોલીસે પથ્થરમારો કરીને ઘર્ષણ સર્જનારા ત્રણની ધરપકડ કરી છે.

  જેરૂસલેમમાં આવેલી અલ-અક્સ મસ્જિદ મુસ્લિમો માટે ત્રીજી સૌથી પવિત્ર મસ્જિદ ગણાય છે. તો યહૂદીઓ માટે પણ આ જ પરિસરમાં આવેલી પશ્વિમી દીવાલ ખાસ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે. રમઝાન દરમિયાન શુક્રવારની નમાઝ અદા કરવા માટે અસંખ્ય મુસ્લિમો આ મસ્જિદમાં આવે છે. શુક્રવારની નમાઝ માટે અસંખ્ય પેલેસ્ટાઈનીઓ એકઠા થયા હતા એ વખતે કેટલાય પેલેસ્ટાઈની પથ્થરબાજોએ સુરક્ષા માટે તૈનાત રહેલા પોલીસ કર્મચારીઓ ઉપર પથ્થરમારો કર્યો હતો. ઈઝરાયેલની પોલીસે વળતી કાર્યવાહી કરી હતી, જેમાં ૪૨ લોકોને ઈજા પહોંચી હતી. ૨૨ને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા. પેલેસ્ટાઈની ઈમરજન્સી સર્વિસના કહેવા પ્રમાણે ઈઝરાયેલની પોલીસે બળપ્રયોગ કર્યો હતો અને નમાઝ અદા કરી રહેલા લોકો પર લાઠીચાર્જ કર્યો હતો.

જોકે, ઈઝરાયેલની પોલીસના એક નિવેદનમાં કહેવાયું હતું કે પથ્થરબાજોએ પોલીસને નિશાન બનાવીને પથ્થરમારો કરવા ઉપરાંત યહૂદીઓ પ્રાર્થના માટે જે પવિત્ર સ્થળ પશ્વિમી દીવાલે એકઠા થાય છે તેને નિશાન બનાવીને પેલેસ્ટાઈની પથ્થરબાજોએ પથ્થરમારો કરવા ઉપરાંત ફટાકડા ફોડીને એ દિશામાં ફેંક્યા હતા. તેનાથી ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનામાં પોલીસે ત્રણ પેલેસ્ટાઈની પથ્થરબાજોની ધરપકડ કરી છે

(11:51 pm IST)