Gujarati News

Gujarati News

News of Friday, 29th April 2022

જહાંગીરપુરી હિંસા કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને મહત્વપૂર્ણ સફળતા : જહાંગીરપુરી ખાતે પથ્થરમારો થયો ત્યારે આ આરોપી ફરીદે ભીડને ઉશ્કેરી અને અફવાઓ ફેલાવી હતી

નવી દિલ્હી, તા.૨૯ ઃ દિલ્હીમાં જહાંગીરપુરી હિંસા કેસમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે મહત્વની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસે હિંસાના આરોપી ફરીદ ઉર્ફે નીતુની ધરપકડ કરી છે. ફરીદ જહાંગીરપુરી હિંસાનો ઘોષિત ગુનેગાર છે. સ્પેશિયલ સેલે તેની કોલકાતાથી ધરપકડ કરી છે. પોલીસની સ્પેશિયલ સેલના જણાવ્યા પ્રમાણે, જહાંગીરપુરી ખાતે પથ્થરમારો થયો ત્યારે આ આરોપીએ ભીડને ઉશ્કેરી અને અફવાઓ ફેલાવી હતી. તેણે જ હાહાકાર મચાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી ત્યારબાદ તે કોલકાતા ભાગી ગયો હતો.

એક અહેવાલ મુજબ જણાવ્યુ હતું કે, 'તે સાંપ્રદાયિક રમખાણોમાં ખૂબ જ સક્રિય રીતે સામેલ હતો અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અમારી ઘણી ટીમો પશ્ચિમ બંગાળમાં તૈનાત કરવામાં આવી હતી અને ગુરૃવારે તામલુક ગામમાં તેના સંબંધીના ઘરેથી તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીને આજે વિમાન દ્વારા દિલ્હી લાવવામાં આવી રહ્યો છે.

રમખાણો બાદ આરોપી સ્થળ પરથી ભાગી ગયો હતો અને ત્યારથી તે સતત પોતાના રહેવાના ઠેકાણાં બદલી રહ્યો હતો.  તેણે જણાવ્યું હતું કે, આરોપી પશ્ચિમ બંગાળમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતો હતો. તે જ સમયે તેણે કહ્યું હતું કે, ૨૦૧૦થી અત્યાર સુધી તેના વિરુદ્ધ લૂંટ,ચોરી અને શસ્ત્રો કાયદા હેઠળ ૬ કેસ નોંધાયેલા છે અને તે જહાંગીરપુરી વિસ્તારનો હિસ્ટ્રીશીટર છે.

તમને જણાવી દઈએ કે, ૧૬ એપ્રિલના રોજ હનુમાન જન્મજયંતિ નિયમિતે કાઢવામાં આવેલી 'શોભાયાત્રા' દરમિયાન રાષ્ટ્રીય રાજધાનીના જહાંગીપુરી વિસ્તારમાં ૨ સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી જેમાં ૮ પોલીસ કર્મચારીઓ અને એક સામાન્ય વ્યક્તિ ઘાયલ થયો હતો. પોલીસે આ કેસમાં ૫ આરોપીઓ સામે કડક રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કાર્યવાહી હાથધરી છે.

 

(8:27 pm IST)