Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

ચીને એફિલ ટાવર, ગીઝાના પીરામીડ, કેપિટલ હિલ ,લંડન બ્રિજ અને કેપિટલ હિલનું પણ નિર્માણ કર્યું

ચીન સરકારે પેરિસના એફિલ ટાવરની પ્રતિકૃતિ તૈયાર કરી:શહેરમાં આવતા દેશ તથા વિદેશના ટુરીસ્ટ પણ ઘડિક તો અચંબામાં પડી જાય છે

બેઇજિંગ :દુનિયાની બ્રાન્ડેડ કંપનીઓની વિવિધ પ્રોડકટની નકલ કરીને તેનું ઘર આંગણે મેન્યુફેકચરિંગ કરવામાં ચીન એક્ષપર્ટ છે.ઇલેકટ્રોનિક રમકડા હોય કે મોબાઇલ,કોમ્પ્યુટર અને લેપટોપ,ચીન સસ્તી પ્રોડકટનું ઉત્પાદન કરીને વિકાસશીલ અને ગરીબ દેશોમાં પોતાની પ્રોડકટનું બજાર ઉભું કરે છે. દુનિયાના અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે ગ્લોબલાઇઝેશન અને ફ્રિ ટ્રેડનો સૌથી લાભ ચીન દેશ મેળવ્યો છે.

આમ તો ભલે એમ કહેવાતું હોય કે નકલને અકક્લ હોતી નથી પરંતુ ચીન આની પરવા કર્યા વીના માત્ર પોતાનો ફાયદો જ ધ્યાનમાં રાખે છે. હવે તો માત્ર મેન્યુફેકચરિંગમાં જ નહી ચીન ટુરિસ્ટ પ્લેસ ઉભા કરવામાં પણ નકલ કરે છે. ચીને એફિલ ટાવર, ગીઝાના પીરામીડ, કેપિટલ હિલ,લંડન બ્રિજ અને કેપિટલ હિલનું પણ નિર્માણ કર્યું છે.

આ જોઇને ઘણાને એમ લાગશે કે ફ્રાંસની રાજધાની પેરિસની છે. કારણ કે એફિલ ટાવર જ તેની સૌથી મોટી ઓળખ છે. જો કે આ સીન પેરિસનો નહી પરંતુ ચીનના હાંગચોઉ શહેરનો છે.આ શહેરમાં ચીન સરકારે પેરિસના એફિલ ટાવરની પ્રતિકૃતિ તૈયાર કરી છે.આ શહેરમાં આવતા દેશ તથા વિદેશના ટુરીસ્ટ પણ ઘડિક તો અચંબામાં પડી જાય છે. જો ટ્રાફિકના સાઇનબોર્ડના હોય તો કોઇ પણ આને પેરિસ માની લે તેવું છે.

ઉપરાંત પેરિસના લુવ્રે મ્યુઝિયમ જેવું જ મ્યુઝીયમ ચીન અને અમેરિકાના આર્કિટેકટે મળીને દક્ષિણ ચીનના શેનચેનમાં તૈયાર કર્યુ છે.દુનિયાની અજાયબી અને વર્લ્ડ હેરિટેજ સાઇટ ગીઝાના પીરામિડનું નામ તો સૌએ સાંભળ્યું હશે.ઇજિપ્ત દેશમાં આવેલું આ સ્થળ જોવા લાખો પર્યટકો ઉમટી પડે છે.ચીને પોતાના ઘર આંગણે ગીઝાના પીરામિડનું નિર્માણ કર્યું છે.જે ચીનના હુબેહી પ્રાંતમાં આવેલો છે.જેને ગીઝાના પીરામિડનું આકર્ષણ હોય અને ના જઇ શકતા હોય તેવા નાગરીકો હુબેહી પ્રાંતમાં હુબહુ ગીઝાની પ્રતિકૃતિ જોવાનો આનંદ માણી શકે છે.

અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં કેપિટલ હિલ આવેલું છે.આ ઇમારતમાં અમેરિકી સાંસદો બેસે છે.જો કે ચીનના પ્રાંત ગુઆંગદોંગમાં તૈયાર કરવામાં આવેલી કેપિટલ હિલની રેપ્લિકા જોવા જેવી છે.અહીં ચીની નાગરીકો ફોટા પડાવીને અમેરિકામાં ફરવા ગયા હોય તેવો આનંદ માણે છે.નવાઇની વાત તો એ છે કે અમેરિકાના પ્રેસિડન્ટનું સત્તાવાર નિવાસસ્થાન એવું વ્હાઇટ હાઉસ પણ તૈયાર કરવામાં આવ્યું છે.આ વ્હાઇટ હાઉસ એ અમેરિકાની રીયલ એસ્ટેટ કંપનીની ઓફિસ છે.આ સ્થળે અનેકો લોકો ફરવા માટે આવે છે.

ચીનના સુચોઉ શહેરમાં લંડન બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. આ લંડન બ્રિજની રેપ્લિકા ખૂબજ જાણીતી છે.પાર્થેનનએ પ્રાચીન ગ્રીક મંદિરનું નામ છે.ખરેખર તો ગ્રીક સંસ્કૃતિ ચીનમાં ન હતી આથી તેની ઇમારતનું અસ્તિત્વ પણ ના હોવું જોઇએ. જો કે ચીને ગાંસુ પ્રાંતના ચાનચોઉમાં ગ્રીક મંદિરની હુબહુ રેપ્લિકા તૈયાર કરી છે. નવાઇની વાતતો એ છે કે આ સ્થળ શહેરના પ્રવાસન અને સાંસ્કૃતિક વિરાસતનો એક હિસ્સો ગણવામાં આવે છે

(11:53 pm IST)