Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

નવી કોલેજોને મંજુરી આપવાની સંખ્‍યા પણ ૫ વર્ષમાં સૌથી નીચલા સ્‍તરે આવી ગઈ

એન્‍જીનીયરીંગના વળતા પાણીઃ એક વર્ષમાં ૬૩ કોલેજોને તાળાઃ બેઠકો ૧૦ વર્ષના તળીયે

અત્‍યાર સુધીમાં ૪૦૦ એન્‍જીનીયરીંગ કોલેજો બંધ થઈઃ ૨૦૧૫-૧૬ પછી દર વર્ષે ઓછામાં ઓછી ૫૦ કોલેજો બંધ થવા લાગી

નવી દિલ્‍હી, તા. ૨૮ :. ભારતમાં ટેકનીકલ શિક્ષણના મામલામાં આજે પણ વિદ્યાર્થીઓ વચ્‍ચે એન્‍જીનીયરીંગને લઈને કોઈપણ અન્‍ય પાઠયક્રમથી વધારે રૂચી હોય છે. જો કે ૨૦૧૫-૧૬ બાદ મોટી સંખ્‍યામાં એન્‍જીનીયરીંગ કોલેજો એક પછી એક બંધ થવા માટેની અરજીઓથી દેશમાં આ પાઠયક્રમની બેઠકો ૧૦ વર્ષના સૌથી નીચલા સ્‍તર પર આવી ગઈ છે.

ઓલ ઈન્‍ડીયા કાઉન્‍સીલ ફોર ટેકનીકલ એજ્‍યુકેશન તરફથી આપવામાં આવેલા નવા ડેટા અનુસાર અન્‍ડર ગ્રેજ્‍યુએટ, પોસ્‍ટ ગ્રેજ્‍યુએટ અને ડીપ્‍લોમા સ્‍તર પર એન્‍જીનીયરીંગની બેઠકો ઘટીને હવે ૨૩ લાખ ૨૮ હજાર રહી ગઈ છે કે જે ૧૦ વર્ષની સૌથી ઓછી છે. જાણવા મળે છે કે આ વર્ષે જ સંસ્‍થાઓ બંધ થવાથી અને એડમીશનની ક્ષમતા ઘટવાને કારણે એન્‍જીનીયરીંગમાં ૧.૪૬ લાખ બેઠકો ઓછી થઈ છે.

બેઠકોમાં આવેલા આ તોતીંગ ઘટાડા છતા હાલ એન્‍જીનીયરીંગ ટેકનીકલ એજ્‍યુકેશનના ક્ષેત્રમાં સૌથી મોટુ ફિલ્‍ડ છે. વર્તમાન સમયમાં ટેકનીકલ શિક્ષણની લગભગ ૮૦ ટકા બેઠકો એકલા એન્‍જીનીયરીંગથી છે. આ પહેલા ૨૦૧૪-૧૫માં કોલેજોમાં એન્‍જીનીયરીંગની સૌથી વધુ ૩૨ લાખ બેઠકો હતી.

એન્‍જીનીયરીંગની બેઠકોમાં ઘટાડાનું મુખ્‍ય કારણ ૭ વર્ષ પહેલા શરૂ થયેલ એકીકરણ માનવામાં આવે છે. જે પછી અત્‍યાર સુધી ૪૦૦ એન્‍જીનીયરીંગ કોલેજો બંધ થઈ છે. એટલે કે ગયા વર્ષને બાદ કરી દઈએ તો ૨૦૧૫-૧૬ પછી દર વર્ષે ઓછામાં ઓછી ૫૦ કોલેજો બંધ થઈ છે. આ વર્ષે એટલે કે ૨૦૨૧માં પણ ૬૩ એન્‍જીનીયરીંગ કોલેજોને બંધ કરવાની મંજુરી આપવામાં આવી છે.

એટલુ જ નહિ ટેકનીકલ શિક્ષણની નિયામક આ સંસ્‍થા તરફથી નવી કોલેજોને મંજુરી આપવાની સંખ્‍યા પણ ૫ વર્ષમાં નિચલા સ્‍તરે આવી ગઈ છે. ૨૦૧૯માં એઆઈસીટીઈએ એલાન કર્યુ હતુ કે નવી સંસ્‍થાઓમાં તે ૨૦૨૦-૨૧થી બે વર્ષનું મોરેટોરીયમ આપશે. જે પછી ૨૦૨૧-૨૨માં તેણે ૫૪ ઈન્‍સ્‍ટીટયુટ ખોલવાની મંજુરી આપી હતી.

એઆઈસીટીઈના ચેરમેન અનિલ સહસ્‍ત્રબુદ્ધે જણાવ્‍યુ છે કે જે એન્‍જીનીયરીંગ કોલેજોને ખોલવાની મંજુરી આપવામાં આવી છે તેમાથી અનેક પછાતવર્ગમાં ખોલવામાં આવશે.

(3:20 pm IST)