Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

શ્રીનગર હોટલ કાંડ : મેજર ગોગોઈ તપાસમાં અપરાધી

કોર્ટ ઓફ ઇન્કવાયરીમાં દોષિત જાહેર : મેજર ગોગોઇને કોર્ટમાર્શલનો સામનો કરવો પડી શકે છે

નવી દિલ્હી, તા. ૨૭ : શ્રીનગર હોટલ કાંડમાં ભારતીય સેનાના મેજર લિતુલ ગોગોઈની સામે શિસ્તની કાર્યવાહી કરવામાં આવનાર છે. સેનાની કોર્ટ ઓફ ઇન્કવાયરીમાં ગોગોઈની સામે કાર્યવાહીની ઇચ્છા વ્યક્ત કરવામાં આવી છે. તપાસમાં મેજર ગોગોઇને ફરજ દરમિયાન કોઇ અન્યત્ર જગ્યા ઉપર જવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. ગોગોઇ નિર્દેશની વિરુદ્ધમાં જઇને સ્થાનિક લોકો સાથે મેલજોળ કરતા નજરે પડ્યા હતા જેમાં તેઓ દોષિત જાહેર થયા છે. કોર્ટ ઓફ ઇન્કવાયરીમાં તપાસ કરવામાં આવ્યા બાદ મેજર ગોગોઇને કોર્ટમાર્શલનો સામનો કરવો પડી શકે છે. કોર્ટ ઓફ ઇન્કવાયરીમાં એવી વિગત ખુલીને સપાટી ઉપર આવી છે કે, મેજર ગોગોઇએ એક સંઘર્ષવાળા વિસ્તારમાં એક મહિલાની સાથે સંબંધ બનાવીને આ સંબંધમાં સેનાના નિયમોનો ભંગ કર્યો હતો. તેઓએ ડ્યુટીના સ્થાનથી દૂર રહીને માપદંડ સંચાલન પ્રક્રિયાનો ભંગ કર્યો હતો. કોર્ટે તેમને નિર્દેશોના વિરુદ્ધમાં સ્થાનિક મહિલા સાથે સંબંધ રાખવા અને એક અભિયાનવાળા વિસ્તારમાં પોતાના કાર્યસ્થળથી દૂર રહીને કામ કરવા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. સેનાના સુત્રોએ કહ્યું છે કે, ગોગોઇની સામે શિસ્તની કાર્યવાહી શરૂ કરવાના આદેશ જારી કરવામાં આવી ચુક્યા છે. સીઓઆઈએ આ મહિનાની શરૂઆતમાં સંબંધિત સત્તાને રિપોર્ટ સોંપી દીધા બાદ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સેનાએ ૨૩મી મેની ઘટના બાદ સીઓઆઈને આદેશ આપ્યા હતા. એક પથ્થરબાજને જીપમાં બાંધીને ફેરવવાના લીધે ચર્ચામાં આવેલા મેજર ગોગોઇને ૨૩મી મેના દિવસે શ્રીનગર સ્થિત એક હોટલમાં દલીલબાજી બાદ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. એ દિવસે મેજર ગોગોઇ ૧૮ વર્ષીય મહિલાની સાથે પ્રવેશ કરવાના પ્રયાસ કરી રહ્યા હતા. થોડાક દિવસ બાદ જ સેનાએ આ ઘટનામાં પણ કોર્ટ ઓફ ઇન્કવાયરીના આદેશ આપ્યા હતા.

સેના પ્રમુખ જનરલ બિપીન રાવતે પહેલગામમાં કહ્યું હતું કે, જો ગોગોઇ કોઇપણ પ્રકારના અપરાધમાં દોષિત જાહેર થશે તો કઠોર સજા કરવામાં આવશે. રાવતે ખાતરી આપતા કહ્યું હતું કે, ભારતીય સેનામાં કોઇપણ રેંકના અધિકારી કોઇ ખોટુ કામ કરે છે તો અને અમારા ધ્યાનમાં આવે છે તો કઠોર કાર્યવાહી કરવામાં આવશે. મેજર ગોગોઇએ કોઇ ખોટુ કામ કર્યું છે તો પગલા લેવામાં આવશે. દાખલો બેસે તેવા દંડ ફટકારવામાં આવશે. મેજર ગોગોઇ છેલ્લા કેટલાક વર્ષથી ચર્ચાના ઘેરામાં રહ્યા છે. એક યુવાનને અને ખાસ કરીને પથ્થરબાજને જીપ ઉપર બાંધીને ફેરવવાના મામલામાં તેમની ચર્ચા રહી હતી.

(7:41 pm IST)