Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

ઇરાન પ્રચંડ ભૂકંપથી ફરીથી હચમચ્યુ : ભારે નુકસાન થયું

ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર છ નોંધાઈ : ઘાયલ લોકોની સંખ્યા ૩૦૦થી વધુ રહી : અનેક ઇમારત ધરાશાયી : ઇરાકમાં આંચકા : ૨૧થી વધુ આફ્ટરશોક્સ

તહેરાન, તા. ૨૬ : ઇરાનના કર્માનશા પ્રાંતમાં આજે છની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપનો આંચકો આવ્યો હતો જેના પરિણામ સ્વરુપે લોકોમાં વ્યાપક દહેશત ફેલાઈ ગઈ હતી. બીજી બાજુ આ ભૂકંપના કારણે ખુવારી પણ થઇ હોવાના અહેવાલ મળી રહ્યા છે. પ્રાથમિક અહેવાલમાં જણાવવામાં આવી રહ્યું છે કે, પ્રચંડ ભૂકંપના કારણે ઓછામાં ઓછા ચાર લોકોના મોત થઇ ગયા છે અને ૩૦૦થી પણ વધુ લોકો ઘાયલ થઇ ગયા છે. ઘાયલ થયેલા લોકો પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. આજે વહેલી સવારે ઇરાક સાથેની સરહદ નજીક પશ્ચિમી ઇરાન પર આ ભૂકંપ આવ્યો હતો. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ભૂકંપનું કેન્દ્ર તજેહાબાદ શહેરથી નવ કિલોમીટર અને જાવનરુડ શહેરથી ૩૦ કિલોમીટર અંતરે સ્થિત હતું. આ બંને શહેરો ઇરાન-ઇરાક સરહદ ઉપર સ્થિત છે. ભૂકંપ આશરે ૧૦ કિલોમીટર ભૂગર્ભમાં હોવાના કારણે વધારે નુકસાન થયું નથી. ઇરાનની ઇમરજન્સી સંસ્થાના કહેવા મુજબ બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. પાટનગર તહેરાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. બીજી બાજુ બગદાદ ઇરાન સરહદથી ૩૪૨ કિલોમીટરના અંતરે સ્થિત છે. અનેક મકાનો ભૂકંપના કારણે ધરાશાયી થઇ ગયા હતા. અમેરિકાના ભૂકંપ સંબંધિત વિભાગે કહ્યું છે કે, ગયા વર્ષે પણ વિનાશકારી આંચકો આવ્યો હતો. ઘાયલ થયેલા લોકો પૈકી છની હાલત ગંભીર જણાવવામાં આવી છે. મૃત્યુ પામેલામાં એક સગર્ભા મહિલાનો પણ સમાવેશ થાય છે. પ્રચંડ ભૂકંપ બાદ ૨૧થી વધુ આફ્ટરશોક્સ આવી ચુક્યા છે. પીવાના પાણીની સમસ્યા સર્જાઈ ગઈ છે. કારણ કે ગામોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું છે. કર્માનશાહ પ્રાંતના ગવર્નરનું કહેવું છે કે, ઇલેક્ટ્રીસિટીને કેટલાક ગામોમાં કાપી દેવામાં આવી છે. ક્રાઇસીસ સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યા છે. હોસ્પિટલો અને રાહત સંસ્થાઓને એલર્ટ કરી દેવામાં આવી છે. એવા અહેવાલ પણ મળ્યા છે. ઇરાકમાં સરહદી વિસ્તારમાં પણ આ આંચકો અનુભવાયો છે. વિશ્વમાં સૌથી વધારે ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં ઇરાનને પણ ગણવામાં આવે છે. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ૭.૩ની તીવ્રતાસાથે પ્રચંડ ભૂકંપ આવ્યો હતો જેમાં ૬૨૦ લોકોના મોત થઇ ગયા હતા. કરમાનશાહ પ્રાંતમાં આ આંચકો આવ્યો હતો. બીજા આઠ લોકોના મોત ઇરાકમાં પણ થયા હતા. આ પહલા પણ સતત આંચકા આવતા રહ્યા છે.

હાલના વર્ષોમાં ભૂકંપ

તહેરાન, તા. ૨૬ : ઇરાનમાં હાલના વર્ષોમાં પ્રચંડ ભૂકંપના આંચકા અનુભવાયા છે જેમાં ભારે નુકસાન પણ થયું છે. હાલના વર્ષોના ભૂકંપ નીચે મુજબ છે.

*    ૨૦૧૮માં કર્માનશાહમાં છની તીવ્રતાના આંચકાથી ચારના મોત અને ૩૦૦થી વધુ ઘાયલ

*    ૨૦૧૭માં નવેમ્બરમાં ૭.૩ની તીવ્રતાના પ્રચંડ ભૂકંપથી ૬૨૦ના મોત અને ૮૪૩૭ ઘાયલ થયા

*    ૨૦૧૭માં ઉત્તર ખોરાસનમાં ૫.૬ની તીવ્રતાના આંચકાથી ત્રણના મોત અને ૩૭૦ ઘાયલ થયા

*    ૨૦૧૭માં ખોરાસને રાજવીમાં ૬.૧ની તીવ્રતાના ભૂકંપના બેના મોત અને ૩૪ ઘાયલ

*    ૨૦૧૭માં ફાર્સમાં પાંચની તીવ્રતાના ભૂકંપથી ચારના મોત અને ૭ ઘાયલ

*    ૨૦૧૩માં બુસેરમાં ભૂકંપમાં સાતના મોત અને ૪૫ ઘાયલ

*    ૨૦૧૩માં ૭.૭ની તીવ્રતાના ભૂકંપથી ૩૫ના મોત અને ૧૧૭ લોકો ઘાયલ થયા

(8:54 am IST)