Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

મીડિયાના એક્સપોઝરથી અભ્યાસમાંથી ધ્યાન હટી ગયું

કૌન બનેગા કરોડપતિ સિઝન-૫નો વિજેતા : કેબીસીમાંથી ૫ કરોડ જીત્યા બાદ મીડિયામાં ચમકતો રહેતો વિનર સુશીલ કુમાર અભ્યાસમાં પાછળ રહી ગયો

મુંબઈ, તા.૨૭ : બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનના હોસ્ટિંગવાળા રિયાલિટી શો 'કૌન બનેગા કરોડપતિ'નો સમાવેશ ભારતીય ટેલિવિઝન પર સૌથી વધુ જોવામાં આવતા રિયાલિટી શોમાં થાય છે. જનરલ નોલેજ આધારિત આ શો સામાન્ય લોકોને મોટી રકમ કમાવવાની તક પૂરી પાડે છે. ઈનામ જીતવા માટે કેટલાય લોકો હોટ સીટ પર આવ્યા છે અને પોતાના જ્ઞાનનો પરચો દેખાડ્યો છે. જોકે, 'કૌન બનેગા કરોડપતિ'ના માત્ર એક જ વિજેતા છે જેને ૫ કરોડ રૃપિયા રોકડા ઈનામમાં મળ્યા છે અને તે વ્યક્તિ છે બિહારના સશીલ કુમાર. હાલમાં જ સુશીલ કુમારે શો પછીની પોતાની જિંદગી વિશે ઘણું જણાવ્યું છે, જે ચોંકાવનારું છે.

સુશીલ કુમાર કૌન બનેગા કરોડપતિ ૫માં મોટી રકમ જીતનારા પહેલા પ્રતિયોગી હતા. ૨૦૧૧માં આઈએએસની તૈયારી કરી રહેલા સુશીલ કુમારે ૫ કરોડ રૃપિયા જીત્યા અને રાતોરાત ફેમસ થઈ ગયા. સુશીલે હાલમાં જ શોમાંથી આટલી મોટી રકમ જીતવા અંગે ખુલીને વાત કરી છે. તેણે ૪-૫ વર્ષ સુધી સતત લાઈમલાઈટમાં રહેવા અંગે પણ વાત કરી હતી. સુશીલે કહ્યું, મેં શોમાં ભાગ લીધો ત્યારે હું ભાડાના મકાનમાં રહેતો હતો અને સિવિલ સેવા પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો.

જોકે, સતત મીડિયાની નજરોમાં રહેવાને લીધે મળતી લાઈમલાઈટથી તેઓ પરેશાન થઈ ગયા કારણકે આની આદત નહોતી. તેમણે ખુલાસો કર્યો કે, મીડિયાને તેમના અંગત જીવન વિશે જાણવામાં ખૂબ રસ હતો. જેના કારણે તેના વ્યવહારમાં પણ પરિવર્તન આવી ગયું હતું. સુશીલે જણાવ્યું કે, મીડિયા જે-તે બાબત વિશે શું વિચારશે અને કેવી રીતે લખશે તે વિચારીને તેઓ નિર્ણય કરવા લાગ્યા હતા. મીડિયા એક્સપોઝરના કારણે તેઓ અભ્યાસ પર ધ્યાન ના આપી શક્યા તેમ પણ સુશીલે જણાવ્યું. આ જ પ્રકારની સ્થિતિ ૪-૫ વર્ષ સુધી રહી હતી.

૨૦૨૦માં સુશીલે એક ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે, 'કૌન બનેગા કરોડપતિ' બાદ તેઓ સેલિબ્રિટી બની ગયા હતા. તેમણે લખ્યું હતું, હું હસ્તી બની ગયો હતો અને દર મહિને ૧૦-૧૫ દિવસ બિહારમાં કોઈને કોઈ કાર્યક્રમમાં જવાનું આમંત્રણ આપવામાં આવતું હતું. આ જ કારણે અભ્યાસ પરથી મારું ધ્યાન ભટકી ગયું. એ વખતે હું મીડિયાને પણ ખૂબ ગંભીરતાથી લેતો હતો. જ્યારે પણ તેમણે મને બોલાવ્યો ત્યારે બેરોજગાર થવાથી બચવા મેં કેટલાય બિઝનેસમાં રોકાણ શરૃ કર્યું હતું.

શોની વાત કરીએ તો, કૌન બનેગા કરોડપતિની ૧૪મી સીઝન ટૂંક સમયમાં જ શરૃ થવાની છે. શોની નવી સીઝન પણ અમિતાભ બચ્ચન જ હોસ્ટ કરશે. નવી સીઝનના પ્રોમો પણ ચેનલ પર પ્રસારિત થઈ રહ્યા છે.

(8:10 pm IST)