Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

અદાણીના કૃષિ સેક્ટર માટે આધુનિક ડ્રોન વિકસાવવા જનરલ એરોનોટિક્સમાં 50 ટકા હિસ્સો ખરીદવા કરાર

ભારત ડ્રોન ફેસ્ટિવલના દિવસે કરારની જાહેરાત: અદાણી એન્ટરપ્રાઇઝિસે કહ્યું કે આ ડીલ 31 જુલાઇ સુધીમાં પૂર્ણ થશે.

નવી દિલ્હી :અદાણી એન્ટરપ્રાઇઝે જાહેરાત કરી કે તેણે જનરલ એરોનોટિક્સમાં 50 ટકા હિસ્સો ખરીદવા માટે કરાર કર્યો છે. જનરલ એરોનોટિક્સ પાક સંરક્ષણ, પાક આરોગ્ય અને સંભાળ માટે વ્યાવસાયિક રોબોટિક ડ્રોન અને ડ્રોન આધારિત ઉકેલોનું ઉત્પાદન કરે છે. શેરબજારને આપેલી આ માહિતી સાથે, કંપનીએ કહ્યું કે અદાણી ડિફેન્સ સિસ્ટમ્સ તેના લશ્કરી ડ્રોન અને AI અને ML ક્ષમતાઓ સાથે જનરલ એરોનોટિક્સ સાથે કામ કરશે જેથી સ્થાનિક કૃષિ ક્ષેત્ર માટે વધુ સારા અને અસરકારક ઉકેલો વિકસાવવામાં આવે. અદાણી એન્ટર પ્રાઇઝિસે કહ્યું કે આ ડીલ 31 જુલાઇ સુધીમાં પૂર્ણ થશે.

ખાસ વાત એ છે કે જે દિવસે આ કરારની જાહેરાત કરવામાં આવી હતી. તે જ દિવસે દિલ્હીના પ્રગતિ મેદાનમાં બે દિવસીય ડ્રોન ફેસ્ટિવલ પણ શરૂ કરવામાં આવ્યો છે. સરકાર ડ્રોન ઉદ્યોગના વિકાસ માટે સતત પગલાં લઈ રહી છે. તાજેતરમાં સુધી, ભારત ડ્રોનની આયાત પર સંપૂર્ણપણે નિર્ભર હતું. જોકે, હવે ભારતમાં જ ડ્રોનનું ઉત્પાદન ઘણું આગળ વધી ગયું છે. ઘરેલુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે સરકારે ડ્રોન સંબંધિત નિયમોને સરળ બનાવ્યા છે.

સાથે જ ડ્રોન સેક્ટર માટે PLI સ્કીમની પણ જાહેરાત કરવામાં આવી છે. સરકારનો પ્રયાસ સંરક્ષણ અને કૃષિ ક્ષેત્રમાં ડ્રોનનો ઉપયોગ વધારવાનો છે. બજેટમાં જ સરકારે કૃષિ ડ્રોનની જાહેરાત કરી હતી. હવે સરકાર એક નવી યોજના લઈને આવી રહી છે જેથી ખેડૂતો સરળતાથી ડ્રોન લઈ શકે અથવા ડ્રોનની સેવાઓ મેળવી શકે.

ડ્રોન એક ફોર્સ મલ્ટીપ્લાયર છે જેનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા, કૃષિ, દવા, ઉદ્યોગ અને મનોરંજન સહિત ઘણા ક્ષેત્રોમાં થઈ શકે છે. ચાર વર્ષ પહેલા સુધી ભારત પાસે વ્યાપક ડ્રોન નીતિ નહોતી. અહીંનું સ્થાનિક વાતાવરણ માનવરહિત એરિયલ વ્હીકલ (UAV)ના સંશોધન અને વિકાસની સાથે – સાથે તેમના ઉત્પાદન માટે પણ અનુકૂળ ન હતું. ડ્રોનનું ઉત્પાદન શરૂ થવા પહેલા જ રોકી દેવામાં આવ્યું હતું, ડ્રોનનો ઉપયોગ ભારતની રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન પહોંચાડવા માટે કરવામાં આવતો હતો, જમ્મુમાં ભારતીય વાયુસેના બેઝ પર વિસ્ફોટક ઉપકરણ પહોંચાડવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 2018 માં, મોદી સરકારે ભારતમાં ડ્રોનના ઉત્પાદન અને ઉપયોગને પ્રોત્સાહન આપતા, ડ્રોનના ઉત્પાદન, નોંધણી અને સંચાલન માટેના નિયમોની રૂપરેખા આપતો પ્રથમ વ્યાપક નીતિ દસ્તાવેજ બહાર પાડ્યો હતો

(8:17 pm IST)