Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

પત્નીને ફ્લાઈટમાં લઈ જતો હોવાની પાયલોટે જાહેરાત કરી

પ્રેમની અભિવ્યક્તિની અનોખી રીત : આ એનાઉન્સમેન્ટ સાંભળીને વિમાનમાં મુસાફરી કરી રહેલી પાયલોટની પત્ની ખુબ જ ખુશ થતી જોવા મળે છે

મુંબઈ, તા.૨૭ : પ્રેમ વ્યક્ત કરવા માટે, કોઈને સ્પેશિયલ ફીલ કરાવવા માટે મોંઘીદાટ ગિફ્ટ આપવાની જરૃર નથી, કેટલીકવાર નાની-નાની બાબતો પણ સામેવાળી વ્યક્તિને ખુશ કરી દે છે. જેમ કે, કોઈ ખાસ દિવસ ન હોય તેમ છતાં પાર્ટનરને ગુલાબનું ફૂલ આપવું, તેની સાથે ડિનર ડેટ કે મૂવી ડેટ પર જવું, એકબીજાના ફેવરિટ રોમેન્ટિક સોન્ગ વગાડવા, લોન્ગ ડ્રાઈવ પર જવું અથવા વરસતા વરસાદમાં એકબીજા સાથે મેગી શેર કરીને આવી. સોશિયલ મીડિયા પર એક પતિ-પત્નીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પાયલટ પતિ દ્વારા તેવી સ્પેશિયલ જાહેરાત કરવામાં આવી કે તે જ ફ્લાઈટમાં બેસેલી પેસેન્જર પત્ની, જે મુંબઈ જઈ રહી હતી તેનું દિલ ખુશ-ખુશ થઈ ગયું.

ઈન્ડિગોનો પાયલટ અલનીઝ વિરાણી જ્યારે મુંબઈ ટેક ઓફની તૈયારી કરી રહ્યો હતો ત્યારે તેણે તેની પત્ની ઝાહરા માટે સ્પેશિયલ અનાઉન્સમેન્ટ કર્યું હતું. ઝાહરાએ તેનું રિએક્શન કેમેરામાં કેદ કરી લીધું હતું. સ્પેશિયલ મેસેજમાં અલનીઝે કહ્યું હતું કે, હું આ ખાસ તકનો લાભ ઉઠાવતાં એક સ્પેશિયલ અનાઉન્સમેન્ટ કરી રહ્યો છું. આજે મને એક સ્પેશિયલ ફ્લાઈટ મળી છે. આ ઉડાણમાં આપણી સાથે એક ખાસ પેસેન્જર છે. મને મારી પત્નીને મુંબઈ લઈ જવાનું સૌભાગ્ય મળ્યું છે. આ બધા માટે નાની વાત હશે, પરંતુ મારા માટે તે મહત્વ ધરાવે છે. તમારી સાથે આ ખુશીની વહેંચણી કરવા માગતો હતો, આ કારણથી મેં સ્પેશિયલ અનાઉન્સમેન્ટ કરી'. વીડિયોમાં પતિના અનાઉન્સમેન્ટ બાદ ઝાહરાને શરમાતી પણ જોઈ શકાય છે.

પતિના આ જેશ્ચરથી ઝાહરા કેટલી ખુશ હતી, તે તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતું હતું. ઈન્સ્ટાગ્રામ વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું છે તારી પત્ની હોવું તે મારા માટે તે આશીર્વાદની વાત છે. મને નથી ખબર પડતી કે ક્યાંથી શરૃ કરું અને શું કહું. હું તેવી વ્યક્તિ છું જે લાંબા કેપ્શન લખે છે પરંતુ આ માટે મારી પાસે શબ્દો નથી. મારું હૈયુ ભરાઈ ગયું છે અને મને નથી ખબર કે મેં જીવનમાં શું સારું કર્યું છે કે આ વ્યક્તિની હું હકદાર છું. હું ફરીથી કહીશ...તારી પત્ની હોવું તે મારા માટે આશીર્વાદની વાત છે, અલનીઝ. તે મને સાચા પ્રેમમાં વિશ્વાસ કરાવ્યો છે, જે તમારું દિલ જીતી લે છે. હું હંમેશા તારી સાથે છું, માય લવ અને તારા માટે હું દરરોજ ભગવાનનો આભાર માનું છું.

આગળ તેણે લખ્યું છે 'હું અલનીઝ સાથે ફ્લાઈટમાં રહી છું અને તે હંમેશા ખાસ હોય છે પરંતુ આ કરતાં વધારે ક્લોઝ કંઈ નથી. તે હંમેશા મારા દિલની નજીક રહેશે. આઈ લવ યુ અલનીઝ. એસઆરકેજેવો રોમાન્સ રિયલ લાઈફમાં પણ થઈ શકે તેવું તે દુનિયાને બતાવ્યું. ભગવાને મને જે પણ આપ્યું છે, ખાસ કરીને મારો પતિ, આ માટે હું હંમેશા કૃતજ્ઞ રહીશ. હજી હું સ્માઈલ કરી રહી છું.

ઝાહરા અને અલનીઝનો વીડિયો સોશિયલ મીડિયા યૂઝર્સને પસંદ આવી રહ્યો છે. કેટલાક યૂઝર્સ ઝાહરાને લકી ગર્લતો અલનીઝને'બેસ્ટ હસબન્ડગણાવી રહ્યા છે. તો કેટલાક આ વીડિયો જોઈને ઈમોશનલ થયા હોવાનું પણ કહી રહ્યા છે.

(8:00 pm IST)