Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

યુવકોએ નેહરૃની પ્રતિમા પર લાકડી-હથોડાથી પ્રહાર કર્યા

દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૃની પુણ્યતિથિ : પ્રતિમા પર હુમલો કરનાર પૈકીના એકે ચહેરાને કપડાં વડે ઢાંકી રાખ્યો હતો બાકીના ૨ યુવકના ચહેરા ખુલ્લા હતા

નવી દિલ્હી, તા.૨૭ : ગુરૃવારે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૃની પુણ્યતિથિ હતી. આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. સોનિયા ગાંધી આજે વહેલી સવારે પંડિત નેહરૃના સમાધિ સ્થળ શાંતિ વન ખાતે પહોંચ્યા હતા અને પુષ્પ અર્પિત કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ પ્રસંગે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિના સદસ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. જવાહરલાલ નેહરૃની ૫૮મી પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ તરફથી સ્મરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તરફ મધ્ય પ્રદેશના સતના ખાતેથી દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૃની પ્રતિમા પર કેટલાક યુવકોએ લાકડી અને હથોડા વડે પ્રહાર કર્યો હતો. કોંગ્રેસીઓ દ્વારા આ ઘટના મુદ્દે વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા કહેવામાં આવ્યું છે. પ્રતિમા પર હુમલો કરનારાઓ પૈકીના એકે પોતાના ચહેરાને કપડાં વડે ઢાંકી રાખ્યો હતો જ્યારે બાકીના ૨ યુવકોના ચહેરા ખુલ્લા હતા. બાજુમાં ડીજે સેટથી સજ્જ ગાડી ઉભી હતી અને તેના પાસે એક યુવક હાથમાં ભગવો ઝંડો પકડીને ઉભો હતો. જ્યારે અન્ય એક યુવક આ સમગ્ર બનાવને પોતાના મોબાઈલમાં કેદ કરી રહ્યો હતો. યુવકોએ નેહરૃની પ્રતિમા ખંડિત કરવાની સાથે જ શિવરાજ સિંહ ચૌહાણ મુર્દાબાદના નારા પણ લગાવ્યા હતા.

 

 

(7:59 pm IST)