Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

શારદા ચીટ : રાજીવ કુમાર CBI સમક્ષ હાજર ન થયા

રજા ઉપર હોવાની રાજીવે સત્તાવાર જાણ કરી : અધિકારીઓ સમક્ષ ઉપસ્થિત થવા માટે વધુ સમય માંગ્યો

કોલકાતા, તા. ૨૭ : શારદા કૌભાંડ સાથે જોડાયેલા મામલામાં કોલકાતાના પૂર્વ પોલીસ કમિશનર રાજીવ કુમાર આજે સીબીઆઈ અધિકારીઓને મળવા માટે પહોંચ્યા ન હતા. રાજીવ કુમારે પત્ર લખીને રજા પર હોવાની વાત કરી હતી. રાજીવ કુમારે કહ્યું હતું કે, આ મામલામાં અધિકારીઓની સમક્ષ રજૂ થવા માટે સીબીઆઈ પાસેથી તેઓએ વધારે સમયની માંગ કરી છે. એજન્સીના અધિકારીઓએ આ સંદર્ભમાં માહિતી આપી દીધી છે. અત્રે નોંધનીય છે કે, સીબીઆઇ દ્વારા રાજીવ કુમારને નોટિસ જારી કરીને કોલકાતા સ્થિત સીબીઆઈની ઓફિસમાં ઉપસ્થિત થવા માટે આજે કહ્યું હતું. શારદા ચીટ ફંડ કૌભાંડના મામલામાં કોલકાતાના પૂર્વ પોલીસ કમિશનર રાજીવ કુમારની સામે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવ્યા બાદ સીબીઆઈની ટીમ રવિવારે સાંજે તેમની શોધમાં આઈપીએસ આવાસ ઉપર પહોંચી હતી ત્યારબાદ સીબીઆઈની ટીમ કોલકાતાના પાર્કસ્ટ્રીટ સ્થિત ડિસ્ટ્રીક્ટ કમિશનર ઓફ પોલીસની ઓફિસમાં પહોંચી હતી. બીજી બાજુ રાજ્યની મમતા સરકારે ડ્યુટી ઉપર પરત ફરવા માટે રાજીવને સૂચના આપી દીધી છે. ચૂંટણી પંચે કોલકાતાના પૂર્વ કમિશનર રાજીવ કુમારને દિલ્હી મોકલીી દીધા હતા. બીજી બાજુ સીબીઆઈને લખવામાં આવેલા પત્રમાં કુમારે કહ્યું છે કે, તેઓ ત્રણ દિવસની સત્તાવાર રજા ઉપર છે. આવી સ્થિતિમાં તેઓ અધિકારીઓની સમક્ષ ઉપસ્થિત થવામાં અસમર્થ છે. આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં સીબીઆઈની ટીમ તેમની પુછપરછ કરવા માટે પહોંચી ત્યારે પશ્ચિમ બંગાળના પોલીસ કર્મીઓ અને કેન્દ્રીય અધિકારીઓ વચ્ચે ઝપાઝપી થઇ હતી. આ ઘટના બાદ રાજકીય છાવણીમાં આક્ષેપબાજીનો દોર શરૂ થયો હતો. સીબીઆઈના અધિકારીઓને રોકવાના મામલામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પણ ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેમનું ભારે અપમાન થયું હતું. હકીકતમાં રાજીવ કુમારને મમતા બેનર્જીના ખાસ માણસ તરીકે ગણવામાં આવે છે. અનુજ શર્મા જે હાલમાં એડીજી (કાયદો અને વ્યવસ્થા) તરીકે તૈનાત હતા તેમને કોલકાતા પોલીસ કમિશનરના રુપમાં હવે નિમણૂંક આપી દેવામાં આવી છે. આવનાર દિવસોમાં રાજીવ કુમારની તકલીફ વધી શકે છે. કારણ કે, તેઓ તપાસથી બચવાના પ્રયાસ કરી રહ્યા છે. અધિકારીઓને પણ ગેરમાર્ગે દોરી રહ્યા છે. આવી સ્થિતિમાં સીબીઆઈની ટીમ તેમના પર સકંજો વધુ મજબૂત કરી શકે છે. રાજીવના લીધે મમતા બેનર્જીની મુશ્કેલી પણ સતત વધી રહી છે.

(7:42 pm IST)