Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

હવે ૨૩મી મેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવસ તરીકે મનાવવા માટેનું સૂચન

યોગગુરુ બાબા રામદેવે સ્પષ્ટ તરફેણ કરી : લોકશાહીમાં લોકોના વિશ્વાસની પરાકાષ્ટાના દિવસ તરીકે ૨૩મી મેને ગણી શકાય : યોગગુરુ રામદેવનો અભિપ્રાય

નવી દિલ્હી, તા. ૨૭ : યોગગુરુ બાબા રામદેવે ૨૩મી મેના દિવસને મોદી દિવસ મનાવવા માટેની તરફેણ કરી છે. હકીકતમાં લોકસભાની ચૂંટણીના પરિણામ આજ દિવસે આવ્યા હતા જેમાં ભાજપે એકલા હાથે ૩૦૩ સીટો જીતી હતી જ્યારે ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન દ્વારા ૩૫૩ સીટો જીતી લેવામાં આવી છે. આ ઐતિહાસિક જીત બદલ ભારતીય રાજનીતિમાં એક નવી શરૂઆત થઇ છે. આ જીતને ભારતીય રાજનીતિમાં હંમેશા યાદ રાખવામાં આવશે. આના હેતુસર યોગગુરુએ આને વિશેષ દિવસ ઘોષિત કરવાની માંગ કરી છે. ૨૩મી મેના દિવસને ભારતીય ઇતિહાસમાં ગૌરવશાળી દિવસ બનાવી દેવામાં આવ્યો છે. ૫૦ ટકા કરતા પણ વધારે મતદાન આપીને મોદી, ભાજપ અને એનડીએના દેશના લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. રામદેવે ઇચ્છા વ્યક્ત કરતા કહ્યું હતું કે, ૨૩મી મેના દિવસને ભારતીય રાજનીતિની દ્રષ્ટિએ હંમેશા યાદ રાખવામાં આવશે. તેમની માંગ છે કે, આ દિવસને મોદી દિવસ અથવા તો લોકકલ્યાણ દિવસ તરીકે મનાવવાની જરૂર છે. પોતાની વાતના સમર્થનમાં યોગગુરુએ કહ્યં હતું કે, એક ગરીબના ઘરમાં, અતિપછાત પરિવારમાં અને ચા વેચનારના ઘરમાં જન્મેલા નરેન્દ્ર મોદી સમગ્ર દેશમાં તમામ લોકોનું સમર્થન મેળવી રહ્યા છે. મોદીએ પોતાની તાકાત ઉપર ૩૦૦ સીટો જીતી લીધી છે. લોકશાહીમાં લોકોના વિશ્વાસની પરાકાષ્ટા જોઈ શકાય છે. બાબાએ કહ્યું હતું કે, આ વાત તેઓ એટલા માટે કરી રહ્યા છે કે, તેઓ મોદીથી પ્રભાવિત રહ્યા છે. ભગવાનનો આશીર્વાદ પણ મોદી ઉપર રહેલો છે જે કરોડો લોકોના વિશ્વાસ સાથે હાંસલ કરી શકાય છે. ૨૩મી મેના દિવસને ભારતીય રાજનીતિમાં એક વિશેષ સ્થાન મળે તે જરૂરી છે. ગઇકાલે પતાંજલિ દ્વારા અનેક મિલ્ક પ્રોડક્ટ લોંચ કરવામાં આવ્યા હતા. બાબા રામદેવ હાલમાં મોદીના સમર્થનમાં નજરે પડી રહ્યા છે.

(7:37 pm IST)