Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

મનમોહનનું રાજયસભામાં જવું હચુડચુ

૧૪ જૂને પૂર્વ વડાપ્રધાનની મુદત પુરી થાય છેઃ આસામથી છે સભ્યઃ હવે તેમને ત્યાંથી ચૂંટણી જીતવી સરળ નથી

નવીદિલ્હી, તા.૨૭: લોકસભા ચુંટણીમાં હારી ગયા પછી કોંગ્રેસ સામે ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહને રાજયસભામાં મોકલવાએ મોટો પડકાર છે. તેઓ આસામથી રાજયસભાના સભ્ય છે અને તેમનો કાર્યકાળ ૧૪ જૂને પૂરો થવાનો છે. કોંગ્રેસ માટે આસામથી ચૂંટણી જીતવી હવે સહેલી નથી. એટલે તેમણે રાજયસભાના સભ્ય બનવા માટે રાહ જોવી પડશે. ડો. મનમહોનસિંહ અને એસ. કુજૂરનો કાર્યકાળ ૧૪ જૂને પુરો થાય છે. બન્ને બેઠકો માટે સાત જૂને ચૂંટણી થશે. ચૂંટણી પંચે તેની અધિસૂચના બહાર પણ પાડી દીધી છે. આસામ વિધાનસભામાં ૧૨૬ બેઠકો છે પણ કોંગ્રેસ પાસે ફકત ૨૬ બેઠકો છે. રાજયમાં એ આઇ યુડીઓફની ૧૩ બેઠકો છે તેના ટેકો લઇને પણ કોંગ્રેસ માટે જીતવું અઘરૃં બની શકે તેમ છે.

કોંગ્રેસ પાસે અત્યારે ફકત બે વિકલ્પ છે. પહેલો તેમને પોતાની સરકારવાળા રાજયમાંથી રાજયસભામાં મોકલવાનો અને બીજો તેઓ જૂલાઇ સુધી રાહ જૂએ અને ડીએમકેના ટેકાથી તેમને રાજયસભામાં મોકલે. જોકે લોકસભા ચુંટણીમાં ઘણા રાજયસભાના સાંસદો ચુંટણી લડયા હતા અને પક્ષને આશા હતી કે મધ્યપ્રદેશમાંથી બેઠક ખાલી થશે તો પેટાચુંટણીમાં રાજયસભામાં ચુંટણી જીતી જવાશે. પણ કોઇ પણ રાજયસભાના સભ્ય ચુંટણી ન જીતી શકયા.

બીજી મુશ્કેલી એ છે કે જૂલાઇ પછી રાજયસભાની પપ બેઠકો માટે ચુંટણી આવતા વર્ષ એપ્રિલમાં થશે. પણ તેમાં કોંગ્રેસશાસિત રાજયોની છ જ બેઠકો ખાલી થશે. એરિસ્સા, આંધ્રપ્રદેશ, હિમાચલપ્રદેશ, હરિયાણા અને ગુજરાતની પોતાની બેઠકો કોંગ્રેસે ગુમાવવી પડશે. કેમકે ઓરિસ્સા અને આંધ્રમાં વિધાનસભા ચુંટણીમાં તેનો દેખાવ બહુ સારો નથી રહ્યો.

(11:10 am IST)